અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહીને ફેબ્રુઆરીમાં ભારત આવશે. આ દરમિયાન તેઓ ગુજરાતના સાબરમતી રિવરફ્રન્ટનો પણ પ્રવાસ કરશે. 2થી 3 દિવસ માટે ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી શકે છે. જે અંગેના ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંકેત આપ્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવશે: CM રૂપાણી
ડોનાલ્ડ ટ્રમ્પ 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે બે દિવસ ભારત આવી શકે છે
અમદાવાદમાં યોજાઇ શકે છે 'કેમ છો' ટ્રમ્પ કાર્યક્રમ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે દિલ્હીના શાસ્ત્રીનગરમાં ચૂંટણી રેલી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, સમગ્ર એશિયામાં સાબરમતી રિવરફ્રન્ટ સૌથી સ્વચ્છ નદી બની ચૂકી છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુદ નક્કી કર્યું છે. જાપાન અને ઇઝરાયલ જેવા દેશના પ્રધાનમંત્રીઓએ પણ અહીંનો પ્રવાસ કર્યો અને તેઓ આ જોઇને ચકીત થઇ ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં ભારત આવશે અને તેઓ પણ રિવરફ્રન્ટનો પ્રવાસ કરશે. ટ્રમ્પને આવકારવા માટે ગુજરાત સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમની સરકાર આ માટે ટ્રમ્પના સંભવિત કાર્યક્રમોની વિગતો પર કાર્યરત છે.
જોકે, તેમણે તારીખ વિશે કોઈ જાણકારી નથી આપી. આ મહિનાની શરૂઆતમાં સરકારી સૂત્રોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા ટ્રમ્પના ભઆરત પ્રવાસની તારીખોને લઇને વાતચીત કરી રહ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ 24થી 26 ફેબ્રુઆરી વચ્ચે બે દિવસ ભારત આવી શકે છે. ભારતે ગત વર્ષ અમેરિકન રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસ માટે આમંત્રણ આપ્યું હતું, પરંતુ પહેલાથી નક્કી કાર્યક્રમોના કારણે તેઓ નહોતા આવી શક્યા.
મહત્વનું છે કે, આ અગાઉ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને જાપાનના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. તેઓએ મહાત્માગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી.
અમદાવાદમાં યોજાઇ શકે છે 'કેમ છો' ટ્રમ્પ કાર્યક્રમ
મળતી માહિતી અનુસાર ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાનના કાર્યક્રમો ઘડાઈ ગયા છે. મોટા ભાગના કાર્યક્રમોને ટ્રમ્પ ઓફિસની મંજૂરી મળી ગઈ છે. પરંતુ ગુજરાત પ્રવાસ અંગે હજુ કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે. અમેરિકામાં યોજાયેલ હાઉડી મોદી જેવો ટ્રમ્પનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાઇ શકે છે. 23મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાનારા 'કેમ છો' ટ્રમ્પ કાર્યક્રમ માટેનો પ્રસ્તાવ રખાયો છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જો કે ટ્રમ્પ ઓફિસથી અંતિમ મ્હોર બાદ જ આ તેની જાહેરાત કરવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સીધા જ દિલ્હી પહોંચશે અને મૌર્ય શેરેટોન હોટેલમાં રોકાણ કરશે. જેની ટૂંક સમયમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.