કોરોનાવાયરસે ચીન અને યુરોપ બાદ હવે અમેરિકા પર મીટ માંડી છે. અમેરિકામાં નવા કેસ અને મોતના આંકડા વિક્રમી સપાટી ઉપર પહોચ્યા છે અને તજજ્ઞો કહે છે કે હજુ સ્થિતિ વકરશે. આ દરમિયાન Twitter ઉપર અને પ્રેસ કોન્ફરન્સમાં US રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક નિવેદન આપીને જણાવ્યું છે કે અમેરિકા લાંબો સમય લોક ડાઉનની પરિસ્થિતિ સહન નહિ કરી શકે અને ટૂંક સમયમાં અમેરિકામાં રાબેતા મુજબ બિઝનેસ શરુ થઇ જશે.
WE CANNOT LET THE CURE BE WORSE THAN THE PROBLEM ITSELF. AT THE END OF THE 15 DAY PERIOD, WE WILL MAKE A DECISION AS TO WHICH WAY WE WANT TO GO!
નોંધનીય છે કે હજુ તો મૃત્યુ આંક તેના મહત્તમ ઉપર પહોચ્યો પણ નથી પરંતુ અમેરિકાના નબળા થઇ રહેલા અર્થતંત્રના પગલે ડોનાલ્ડ ટ્રમ્પ આ નિવેદન આપી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે USA લોકડાઉન થવા બન્યું નથી, તે ખુલ્લું રહેવા બન્યું છે. USના અત્યારના લોક ડાઉનને ઝડપથી ખોલવામાં આવશે એ દિશામાં તેમણે સંકેત આપ્યો છે.
શું છે અમેરિકાના આંકડા
નોંધનીય છે કે અમેરિકામાં છેલ્લા ૨ દિવસથી ૧૦-૧૦ હજાર નવા કેસ સામે આવી રહ્યા છે. મૃત્યુ આંક રોજ નવા વિક્રમ તોડી રહ્યો છે. અમેરિકાના હ્રદય સમા ન્યુ યોર્કમાં જંગી ૨૬૦૦૦થી વધુ કેસ નોંધાયેલા છે. ૭૮૦થી વધુ મોત અને ૫૪૦૦૦થી વધુ કેસ સાથે અમેરિકા ઝડપથી ઇટાલીના પગલે જઈ રહ્યું હોય તેમ જણાય છે.
Source : WorldOMeters.Info
ટ્રમ્પ એમ પણ બોલ્યા હતા કે જો ડોક્ટરોનું ચાલે તો તેઓ આખી દુનિયાને લોક ડાઉનમાં મૂકી દે. આ નિવેદનની ખૂબ ટીકા થઇ રહી છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે ટ્રમ્પ બિઝનેસ, અર્થતંત્ર અને શેર બજારને લોકોના જીવ કરતા પણ વધુ મહત્વ આપી રહ્યા છે.
ટ્રમ્પ સરકાર પોતે બે છાવણીમાં વહેચાઈ ગઈ છે જેમાં એક તેના આરોગ્ય અધિકારીઓ છે કે લોક ડાઉનના સમર્થનમાં છે જયારે બીજા તેના રાજકીય અને નાણા વિભાગના અધિકારીઓ છે જે અર્થતંત્રને બચાવવાની હિમાયત કરી રહ્યા છે.
એવા સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પ સરકાર ધીમે ધીમે અને કાળજીપૂર્વક લોક ડાઉન ખોલવાનો પ્લાન તૈયાર કરી રહી છે જેમાં સૌથી પહેલા યુવાન લોકો મુક્ત થશે જેમને ઇન્ફેકશનનો ખતરો પ્રમાણમાં ઓછો છે.
શું કહ્યું છે WHOએ?
પ્રતિકાત્મક તસ્વીર
WHOના પ્રવક્તા માર્ગરેટ હેરિસનને જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે શું અમેરિકામાં સંક્રમણના કેસની સંખ્યા યુરોપની તુલનામાં વધારે થવાની આશંકા છે, ત્યારે તેઓએ કહ્યું કે, અમે અમેરિકામાં સામે આવી રહેલા કેસની સંખ્યામાં ખુબ જ તેજી જોઇ રહ્યા છે ત્યારે આમ બનવાની પૂર્ણ આશંકા છે.
એ પણ ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા લોક ડાઉન બાબતે લેવાયેલા પગલાના WHOએ વખાણ કર્યા છે અને તમામ દેશોને તાકીદ કરાઈ છે કે આ સંજોગોમાં લોક ડાઉન જ સૌથી અસરકારક રસ્તો છે. એવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનથી લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ ફેલાયો છે.
શું આ ચુંટણી જીતવા માટે લેવાયેલો નિર્ણય હશે?
નોંધનીય છે કે પોતાના વિવાદાસ્પદ નિર્ણયો માટે જાણીતા ટ્રમ્પે પોતાના નિવેદનો અને વિચારોથી ઘણી ટીકાઓ વહોરી છે. પોતાના ટીકાકારોને ચૂપ કરાવવા માટે ટ્રમ્પ પાસે એક જ હથિયાર છે જે છે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકાનું અર્થતંત્ર સુધર્યું છે. હવે ૨૦૨૦ના અંતમાં ફરીથી અમેરિકામાં ચુંટણી છે. જો આ સમયે અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ હશે તો ટ્રમ્પને નુકશાન જઈ શકે છે. આ માટે ટ્રમ્પ પોતાની પ્રજાના જીવના જોખમે પણ લોક ડાઉન હટાવવા માંગે છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.