અમદાવાદમાં ધોળા દિવસે પણ કેટલાક લોકો પોતાની ચાલાકીથી શહેરીજનોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુનાઓના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.
કાર ચાલકોએ કિંમતી સાધન રાખતી વખતે રાખવું આ ધ્યાન
ધોળા દિવસે ગઠિયાઓ તમને લૂંટી લેશે અને ખબર પણ પડશે નહીં
અમદવાદમાં ચોરી અને લૂંટની ઘટનાઓમાં થઈ રહ્યો છે વધારો
અમદાવાદમાં ધોળા દિવસે પણ કેટલાક લોકો પોતાની ચાલાકીથી શહેરીજનોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ગુનાઓના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકોએ પોતાની સાવચેતી જાતે જ લેવી રહી છે. અવાર-નવાર લોકોનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. તો મોબાઈલની સ્નેચિંગની ઘટના પણ દિન-પ્રતિદિન વધી રહી છે.
કારમાંથી ‘ઓઇલ ટપકે છે’નો ઇશારો કરીને ગઠિયાએ લેપટોપ ચોરી લીધું
અમદાવાદના એક ચાલકને કારમાંથી ઓઇલ ટપકે છે તેવું કહીને ગઠિયાઓ કારમાંથી કિંમતી ચીજવસ્તુઓ ચોરી કરીને નાસી ગયા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે ગઈકાલે અંજલિ બ્રિજ નજીક કારમાંથી ઓઈલ ટપકે છે તેવું કહીને ગઠિયો કારમાંથી લેપટોપ લઈને નાસી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
કાર ચાલક ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે અને પોતાની કાર લઈને કંપનીના કામથી નીકળ્યા હતા. અંજલિ ઓવર બ્રિજ પહેલાં તેમના મોબાઇલ પર એક કોલ આવતાં ચાલક કાર સાઈડમાં ઊભી રાખી હતી. ચાલક ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે સામેની સાઈડથી એક છોકરાએ ગાડીની નીચે જોવાનો ઈશારો કર્યો હતો. ચાલકે કારમાંથી નીચે ઊતરીને જોયું તો ઓઇલ ઢોળાયેલું હતું.
બાદમાં ચાલકે એ પોતાની કારનું બોનેટ ખોલીને જોયું તો ઓઇલ લીકેજ હતું નહીં. જેથી તેઓ બોનેટ બંધ કરી કારમાં બેસવા જતાં હતા. ત્યારે પાછળનો દરવાજો અડધો ખુલ્લો હતો. ચાલકે પાછળની સીટ પર મૂકેલી બેગ ચેક કરી હતી. જેમાંથી લેપટોપ ગાયબ હતું. ગઠિયો માત્ર લેપટોલ લઇને ગયો હતો પરંતુ બેગમાં પડેલા અન્ય ડોક્યુમેન્ટ ચોરાયા હતા નહીં. જગદીશભાઇએ તરત જ પોલીસને જાણ કરી હતી. જેમાં વાસણા પોલીસે તાત્કાલીક ચોરીનો ગુનો નોંધીને ગઠિયાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.
એલિસબ્રિજના ધારાસભ્યના ડ્રાઈવરનો મોબાઇલ ફોન ઝૂંટવી બે શખ્સ ફરાર
એલિસબ્રિજના ધારાસભ્યના ડ્રાઈવરના હાથમાંથી બાઇક પર આવેલા બે શખ્સો મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા હતા. જમાલપુર વિસ્તારમાં આવેલ મારવાડી લુહારની ચાલીમાં રહેતા અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહના ઘરે ડ્રાઇવર તરીકે નોકરી કરતા અશોક ઠાકોરે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગઈકાલે રાતના નવ વાગ્યાની આસપાસ અશોક તેની નોકરી પરથી ઘરે જવા માટે ચાલતાં ચલતાં એનઆઈડીથી સરદારબ્રિજ તરફ જતો હતો. અશોક તેના મિત્ર સાથે મોબાઈલમાં મેસેજથી વાત કરતાં કરતાં ગણપતિ મંદિર પાસે પહોંચ્યો હતો. દરમિયાન જમાલપુર ચાર રસ્તા તરફથી બે અજાણ્યા યુવકો બાઇક લઇ આવ્યા હતા અને ગણતરીની સેકન્ડમાં જ અશોકના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને નાસી ગયા હતા.
વાસણાની દુકાનમાંથી તસ્કરો ૧.૫૬ લાખની ચોરી કરી ફરાર
શહેરના વાસણા વિસ્તારમાં આવેલ ઉષા ટુલ્સ એન્ડ રીપેરિંગ સેન્ટરમાં તસ્કરો દુકાનનું શટર તોડી પ્રવેશ કરી ૧.૫૬ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા છે. વેજલપુરના સ્તવન એરાઈઝના રહીશ પરાગભાઈ શાહે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. પરાગભાઈની બિનોરી કોમ્પ્લેક્સમાં ઉષા ટુલ્સ એન્ડ રીપેરિંગ નામની દુકાન આવેલી છે. રાબેતા મુજબ સાંજના રાત્રીના નવ વાગે બંધ કરીને ઘરે ગયા હતા . ગઈ કાલે સવારે પરાગભાઈએ તેમની દુકાન ગયા ત્યારે શટર તૂટેલી હાલતમાં હતું. મોડી રાતે તસ્કરો દુકાનમાં પ્રવેશ કરી ૧.૫૬ લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.