Do pooja On Maha Shivratri with Faith and Got Blessings From Lord Shiv
ધર્મ /
મહાશિવરાત્રિએ આ ભાવ સાથે કરો શિવજીની આરાધના, મળશે અઢળક પુણ્ય
Team VTV02:44 PM, 12 Feb 20
| Updated: 06:07 PM, 19 Feb 20
શિવનાં ચિત્રોમાં આપણે અંગ પર લગાવેલી ભસ્મ જે જોઈએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. ભસ્મનો શણગાર કરેલા શિવ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવરાત્રિએ શિવજીની આરાધના કરવી પણ જો તે યોગ્ય રીતે અને ભાવ સાથે કરવામાં આવે તો પુણ્ય મળી શકે છે. તો જાણી લો આવનારી 21 ફેબ્રુઆરી 2020ની મહાશિવરાત્રિએ કયા ભાવ સાથે આરાધના કરશો.
મહાશિવરાત્રિએ આ રીતે માણો શિવજીને
ચિદાનંદ રૂપ શિવોહમ્ છે
શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવાયા છે
શિવોહમ્ હું જ શિવ છુંનો ભાવ
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પંચ તત્વોથી તો આપણે સુપરિચિત છીએ એમ માની લઈએ. પંચમહાભૂતમાંથી બનેલું આપણું શરીર છેવેટે આ જ પંચમહાભૂતમાં વિસર્જિત થાય છે. જીવનભર આ પંચ તત્વો સાથે અનાયાસ આપણે જોડાયેલા રહીએ છીએ. આ પાંચથી ઉપર છઠ્ઠું તત્વ જેને માનવામાં આવે છે એ છે શિવ તત્ત્વ. નિર્વાણ અષ્ટક્મ્ માં ‘શિવોહમ્...શિવોહમ્’ એવું કહેવાય છે જેનો અર્થ થાય કે હું જ શિવ છું. ચિદાનંદ રૂપ શિવોહમ, આ ચિદાનંદને આપણે ભૌતિકતામાં રચ્યાપચ્યા રહીને ક્યારનાય ભૂલી ગયા છીએ. ચિદાનંદ એટલે ચિત્ વત્તા આનંદ શરીરના આનંદમાં રમમાણ રહીને માણસ આત્માના આનંદને વિસરી ચૂક્યો છે. જગતની બધી જ ભૌતિક્તાનાં અંતે જે શેષ બચે છે એ છે શૂન્ય અને શૂન્યની પર જઈને બેઠુ છે શિવતત્વ. આનો અર્થ તો એ થાય કે શિવને પામવા કે શિવ થવા માટે બધી જ ભૌતિકતા વળોટીને શૂન્યને પણ ઓળંગીને જવું પડે. શિવને આદિયોગી પણ કહ્યા છે. યોગ એટલે જીવનની ઉર્જાને ઉચ્ચસ્તરે લઈ જવાની પ્રક્રિયા. યોગ પ્રધાનને બદલે આધુનિક જીવન શૈલી ભોગ પ્રધાન બની ગઈ છે. દુન્યવી સુખ સુવિધાઓને ‘માયા’ નામ આપવામાં આવ્યું છે. કાયા અને માયામાંથી મુક્ત થઈએ ત્યારે જ શિવનાં સાનિધ્યની પળ મેળવવા આપણે હક્કદાર બની શકીએ.
શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવાયા છે
શિવનાં ચિત્રોમાં આપણે અંગ પર લગાવેલી ભસ્મ જે જોઈએ છીએ એ ભસ્મ ભૌતિક માયાઓને ભસ્મીભૂત કરવાનો સૂચક છે. ભસ્મનો શણગાર કરેલા શિવ દુનિયાની માયાથી પર થવાનું સૂચવે છે. શિવને ‘ત્ર્યંબક’ પણ કહેવાયા છે. શિવનાં લલાટ પર રહેલું ત્રીજું નેત્ર એ બહારનું જોવા કરતા ભીતરમાં જોવાનું સૂચક છે. બે આંખોથી આપણે બહારની દુનિયા જોઈ શકીએ છીએ. બાહરી રંગોથી અંજાયેલી બે આંખ મીંચીને આપણા ત્રીજા નેત્રને શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. શિવનાં ત્રીજા નેત્ર નો ઉલ્લેખ આમ તો સંહારના સંદર્ભમાં કથાઓમાં કરવામાં આવ્યો છે પરંતુ એનો અર્થ એ છે કે અંતરમાં અજવાળું રોપવા માટે પહેલા આંખ સામે રહેલા બહારનાં કામ ચલાઉ અજવાળાંઓનો નાશ કરવો અનિવાર્ય છે. સૃષ્ટિની ઉત્પતિ પહેલા બધે જ અંધકાર હતો. અને પછી ઊર્જાના કોઈ વિસ્ફોટથી બ્રહ્માંડનું નિર્માણ થયું એમ માનવામાં આવે છે. સર્વવ્યાપ્ત એવા એ અંધકાર ને પણ ‘શિવ’ માનવામાં આવે છે.
પૌરાણિક ગ્રંથોમાં એક વાત એવી લખવામાં આવી છે. કે શિવમાંથી જ બધું સર્જન થયું છે. અને છેવટે શિવમાં જ પાછું એનું વિસર્જન થશે.
આડંબર ખંખેરીને કરી લો શિવભક્તિ
સત્યમ્ - શિવમ્ - સુંદરમ્નાં પાયા પર ઊભેલી પ્રાચીન જીવનશૈલીને નેવે મૂકીને આજનો માણસ સુખ શાંતિ કેવી રીતે પામી શકે ? સત્ ચિત આનંદની પ્રાચીન પ્રણાલી વિસરાઈ ગઈ છે. ત્યારે આજે સત્ય સાથે આપણે કશી લેવા દેવા નથી. સુંદરને માણવા પ્રમાણવાની દૃષ્ટિ નથી રહી તો પછી જીવનમાં શિવ તત્વનું આહ્વાન તો શક્ય જ કંઈ રીતે બને !? જીવને શિવમય બનાવવા માટે આડંબરોને ખંખેરી, આત્માની ઊર્જાને ઉજાગર કરીને, ભૌતિકતાના ભેદભરમને છેટે મૂકીને, માયામાંથી કાયાને અલિપ્ત કરીને, શૂન્યમાં તન્મય થવાની કોશિશ કરીએ તો કદાચ ભીતરમાં ઓમકારનો નાદ ગૂંજે.
ભભૂતિની કિંમતથી જ વિભૂતિ આકાર પામે છે
એક બિલ્વપત્ર ચડાવતી વખતે સાથો સાથ આપણો એક એક દુર્ગણ ઉતારતા પણ જવાનો હોય છે. શિવનો નંદિ જે રીતે શિવ સામે એક ચિત્ત થઈને ધ્યાનસ્થ રહે છે. એમ આપણો પણ સદ્વૃત્તિઓને અને સત્કર્મને હૃદયસ્થ કરતા રહીને શિવ પર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું. અહંકાર અને ઓમકાર બંનેને એક જગ્યાએ એક સાથે રાખી શક્તા નથી. ભભૂતિની સાચી કિંમતનું જ્ઞાન થયા પછી જ આપણી અંદર એક વિભૂતિ આકાર લઈ શકે છે.
આ સ્વરૂપ જન્મ-કર્મ-મૃત્યુનું સ્વરૃપ મહાદેવ તમારું મુક્ત કરશે. અન્યથા કર્મ મુજબ બુદ્ધિ ભેદનો ભાવ ઉત્પન્ન કરી માનવ શિવ શિવ ભજે છે. માયા સાથે કર્મની સજા ઈશ્વર ચોક્કસ આપી ફરી પૃથ્વી ઉપર મહાદેવ તમને જન્મ આપે છે. આ ઈશ્વરનું કાલ ચક્ર છે. માનવ દેહનું માયા સાથેના જગતનું અસ્તિત્વ દૂર બની ગયું. માનવનો વિષ્ણુ સ્વરૂપ મનનાં પ્રપંચનો દંડ દૂર બની જીવન અને આત્મા સાથે મન આંતરિક પરમાણુ બુદ્ધિ એક બન્યા.