Friday, August 23, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સિદ્ધિ / ડાયનાસોર પાર્કઃ અમદાવાદ નજીક બન્યું વિશ્વનું ત્રીજા નંબરનું મ્યુઝિયમ, જાણો ખાસિયતો

ડાયનાસોર પાર્કઃ અમદાવાદ નજીક બન્યું વિશ્વનું ત્રીજા નંબરનું મ્યુઝિયમ, જાણો ખાસિયતો

ગુજરાતમાં ડાયનાસોર હતા તેના પુરાવા મળવાની સાથે આખા વિશ્વની નજર ગુજરાતના બાલાસિનોર પર પડી હતી અને સંશોધનની શરૂઆત થઈ હતી. હવે અહીં સંશોધન બાદ ટુરિઝમનો વિકાસ થયો છે.  જેને લઈને સમગ્ર વિશ્વમાં બાલાસિનોરનું રૈયોલી ગામ વિશ્વના નકશા પર  સ્થાન પામી ચૂક્યું છે. એટલું જ નહીં, સંશોધન કર્તાઓ અને જિજ્ઞાસુ લોકો ડાયનોસર વિશે વધારે માહિતી મેળવે તેવા હેતુથી ગુજરાત સરકારે અહીં ભવ્ય મ્યુઝિયમનું  નિર્માણ કરી વિશ્વના ત્રીજા ક્રમના મ્યુઝિયમમાં ગુજરાતનું સ્થાન અંકિત કરી દીધું છે. જોઈએ પુરાતન જીવના અધ્યતન અવતારનો આ અહેવાલ.  

ઉલ્લેખનીય છે કે, દુનિયામાં વિશાળકાય પ્રાણીઓનીની કલ્પના કરીએ તો આપણી નજર સમક્ષ સૌપ્રથમ ડાયનાસોર આવે. પરંતુ આપણા  કમનસીબે આ વિશાળકાય પ્રાણી હવે આ પૃથ્વી ઉપર રહયા નથી.  પણ જો આપણે સ્ટીવન પિલબર્ગની જુરાસિક પાર્ક ફિલ્મ જોઈ હોય તો `હાશ આપણે બચી ગયા'ની લાગણી થયા વિના ન રહે.

ત્યારે હવે એક ગુજરાતી તરીકે ગૌરવ લેવા જેવી બાબત ગણીએ તો ગુજરાતના મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે ડાયનાસોર ફોસિયલ પાર્ક હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. ડાયનાસોરના  અશ્મિઓનો સૌથી લાંબો સમય ગાળો એટલે કે અંદાજિત 6.5 કરોડ વર્ષનો ઇતિહાસ ધરાવતા અને પ્રવાસન સ્થળને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા  ખૂલ્લું મુકવામાં આવ્યુ છે.  

આપને જણાવી દઇએ કે, 6.5 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર યુગ  હતો. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવશેષો મળી આવ્યા બાદ હવે આ સ્થળ ને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને લોકો પણ ડાયનાસોર અંગે નજીકથી માહિતી મેળવી શકે  તેવો હેતુ રખાયો છે. 

આ ડાયનાસોર પાર્ક બન્યા બાદ હવે રૈયોલી અને મહીસાગર જિલ્લાનું નામ વિશ્વમાં ગુંજતુ થશે. આ પાર્કમાં પ્રવાસીઓને ડાયનાસોરના ઇતિહાસની માહિતી સરળતાથી પ્રાપ્ત થઇ શકે તેવી વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે.  વિશ્વનો ત્રીજો અને દેશનો સૌથી મોટો ડાયનાસોર મ્યુઝિયમ રૈયોલીમાં વૃક્ષોના માળખા, ટોપોગ્રાફી અને પ્રાગ એતિહાસિક થીમ દ્વારા જંગલ જેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.  

જે યુગો પૂર્વેના ડાયનાસોરના અંદાજિત આકાર અને કદનું વર્ણન કરે તેવી અંદાજિત 50 જેટલી નાની મોટી પ્રતિકૃતિઓ ની રચના પણ આ મ્યુઝિયમમાં કરવામાં આવી છે. .તેમજ અહીં પ્રોજેક્ટર દ્વારા પણ ડાયનાસોરને મોટા પરદા પર બતાવવામાં આવશે. વિભિન્ન 10 ગેલેરીઓમાં ફેલાયેલું આ મ્યુઝિયમ એક સધન માહિતી કેન્દ્ર સમાન બન્યું છે.  

સિનેમા ઘરોમાં પડદા પર ડાયનાસોર જોઈને લોકો રોમાંચ અને જિજ્ઞાસા જાગે તે સ્વાભાવિક બાબત છે. ત્યારે હવે  બાળકોને ડાયનાસોર વિશે જાણવામાં વધુ રસ પડે છે તેવું થીએટર પણ આ રૈયોલી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવ્યું છે. જે બાળકો માટે  આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ડાયનાસોર પાર્ક અને તેના દ્વારા થનારા સંશોધનો વિશ્વફલક પર ભારતનું નામ રોશન કરશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ