Team VTV02:45 PM, 26 Nov 20
| Updated: 03:50 PM, 26 Nov 20
કોરોના મહામારીમાં ગુજરાતમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને તમામ કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે તેવો સૌથી મોટા તંત્રના દાવાની પોલ ખુલી ગઈ છે. સરકારી ચોપડે નોંધાતા મૃત્યુના આંકડાની સામે સ્મશાનગૃહમાં કોવિડ પ્રોટોકોલથી કરાયેલી અંતિમ સંસ્કારના આંકડામાં મસમોટ તફાવત જોવા મળ્યો હતો. જેનાથી સ્થાનિક તંત્રએ મોતના આંકડા છુપાવ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ આવે છે.
ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવાતા હોવાનો ખુલાસો થયો છે જેમાં છેલ્લા 10 દિવસમાં 118 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે સરકારી ચોપડે 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં સરકારી ચોપડે માત્ર 2 જ મોત નોંધાયા છે. આમ જોઈએ 116 જેટલો મોટો તફાવત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
સ્થાનિક તંત્ર મરણના આંકડા છુપાવતું હોવાની વિગત આવી સામે
ગાંધીનગરના સેકટર 30ના સ્મશાન ગૃહમાં 118 ડેડબોડીને અગ્નિદાહ અપાયો હોવાની માહિતી મળી છે. સ્મશાન ગૃહના ચોપડે 10 દિવસમાં 118 લોકોના મોત થયા છે કારણ કે 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં સ્મશાનગૃહમાં 118 લોકોને અગ્નિદાહ અપાયાનો રેકોર્ડ ઉપલબ્ધ છે. બીજી બાજુ સરકાર ચોપડે આ 10 દિવસ દરમ્યાન માત્ર 2 જ મોત નોંધાયા છે.
બીજી બાજુ ઍમ્બ્યુલન્સમાં એકસાથે 4 ડેડબોડી જોવા મળી
ગાંધીનગર સેકટર-30ના સ્મશાનમાં એક એમ્બ્યુલન્સમાં ચાર બોડી લવવામાં આવી છે. જેથી ગુજરાતમાં કોરોના મૃત્યુદર વધારે હોવાની સ્થિતિ સામે આવી છે. એમ્બ્યુલન્સની અછતને કારણે એક ગાડીમાં વધારે મૃતદેહ લાવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં સરકારી ચોપડે એક પણ મૃત્ય નોંધાયા નથી. જો 3 દિવસમાં સરકારી ચોપડે મોત નથી નોંધાયા તો ડેડ બોડી ક્યાંથી આવી?
નીતિન પટેલે તાપસના આદેશ આપ્યા
રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ ઘટનાને લઇને જણાવતાં કહ્યું પ્રોટોકોલ પ્રમાણે કામગીરી થશે. આ ઘટના મારી જાણમાં નથી. આ ઘટનાને લઇને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
ગાંધીનગર મેયર રીટાબેનની પ્રતિક્રિયા
ગાંધીનગરમાં સ્થાનિક તંત્ર કોરોનાને લઇને મરણના આંકડા છુપાવતું હોવાની વિગત આવી સામે આવી હતી. જેને શહેરના મેયર રીટાબેન પ્રતિક્રિયા આપતાં કહ્યું કે કોઇ આંકડા છુપાવામાં આવતા નથી. આ ઘટનાને લઇને સમગ્ર મામલે તપાસ કરાવીશું અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરાવીશું. સિવિલ હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લામાંથી પણ મૃતદેહો લાવવામાં આવે છે.
સળગતા સવાલ
ગુજરાતમાં ખરેખર કોરોનાથી વધારે મૃત્યુ થઇ રહ્યાં છે?
શું સરકાર કોરોનાનો મૃત્યુઆંક છૂપાવી રહી છે?
10 દિવસમાં માત્ર 2 મૃત્યુ થયા છે તો આ ડેડ બોડી આવી ક્યાંથી?