બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 05:52 PM, 9 June 2020
ADVERTISEMENT
ADVERTISEMENT
યુરોપમાં પણ લોકડાઉનને લઈ રિસર્ચ કરવામાં આવ્યું છે તે મુજબ યુરોપમાં સમયસર લોકડાઉન લાગુ કરીને ઓછામાં ઓછા ૩૦ લાખ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા હતા.
લંડનના ઇિમ્પરિયલ કોલેજના વૈજ્ઞાનિકોએ યુરોપના ૧૧ દેશના લોકડાઉન પર રિસર્ચ કર્યું છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રિટન, ડેન્માર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, નોર્વે, સ્પેન, સ્વિડન અને સ્વિટ્ઝર્લેન્ડ સામેલ છે. વિજ્ઞાનીઓની ટીમ એ તારણ પર પહોંચી છે કે લોકડાઉને યુરોપમાં કોરોનાથી થનારા લગભગ ૩૦ લાખ લોકોનાં મોતને ટાળી દીધાં છે. સ્ટડી મુજબ લોકડાઉને કોરોનાના ફેલાવાના દરને પણ ઘણો ઓછો કરી દીધો છે.
આ રિસર્ચમાં રિપ્રોડક્શન રેટ કે આર-વેલ્યૂ પર ભાર મૂકવામાં આવ્યો છે. આર-વેલ્યૂમાં જોઈ શકાય છે કે એક સંક્રમિત વ્યક્તિથી સંક્રમણ કેટલા લોકોમાં ફેલાઈ શકે છે. એકથી વધુની આર-વેલ્યૂ ઘાતક સાબિત થઈ શકે છે. ઇિમ્પરિયલ ટીમે અનુમાન લગાવ્યું કે મેના પ્રારંભમાં 11 દેશમાં 1.2થી 1.5 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ શકતા હતા, પરંતુ તેવુ ન થયું, કારણ કે યુરોપના મોટા ભાગના દેશોમાં માર્ચમાં જ પ્રભાવી પગલાં ભરવામાં આવ્યાં હતાં, તેમાં સ્કૂલો-દુકાનો અને ટ્રાન્સપોર્ટેશન બંધ કરવા જેવા નિર્ણયો સામેલ હતા. તેનાથી મેની શરૂઆતમાં જ સંક્રમણનો દર નીચે લાવવામાં ઘણી મદદ મળી હતી.
અમેરિકામાં પણ એક આવો જ એક અભ્યાસ થયો છે, જે જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે, તેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ચીન, દક્ષિણ કોરિયા, ઈટાલી, ઈરાન, ફ્રાન્સ અને અમેરિકામાં લોકડાઉને લગભગ 53 કરોડ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવી લીધા છે. આ દરમિયાન ભારતમાં લોકડાઉન પર પણ વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે. ભારતમાં લોકડાઉન 25 માર્ચથી લાગુ થયું હતું. હવે ભારત લોકડાઉનથી અનલોક-1 તરફ આગળ વધી રહ્યું છે.
તેનો સીધો અર્થ એ છે કે મોટા ભાગના હિસ્સામાં લોકડાઉનના પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યા છે. યુરોપના તમામ દેશો અને ભારતના લોકડાઉન હટાવવામાં એક મોટો ફરક છે. યુરોપમાં લોકડાઉન ત્યારે હટાવાયું જ્યારે ત્યાં કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું હતું. ભારતમાં જ્યારે લોકડાઉનને અનલોક કરવામાં આવ્યું ત્યારે અહીં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં સમય કરતાં પહેલાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જોકે સરકારનું કહેવું છે કે વહેલું લોકડાઉન લાગુ કરવાથી તેમને બાકીની તૈયારીઓ કરવા માટેનો સમય મળી ગયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.