બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:02 AM, 9 February 2025
હિન્દુ ધર્મમાં તેરસ તિથી ખૂબ વિશેષ માનવામાં આવે છે. દર મહિને બે વાર તેરસ તિથી આવે છે શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ આ બંને તિથીઓ પર પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ મહત્ત્વ છે. આ વ્રત ભગવાન શંકરને સમર્પિત છે. જ્યારે પ્રદોષ વ્રત રવિવારે આવે છે ત્યારે તે રવિ પ્રદોષ વ્રત કહેવાય છે.
ADVERTISEMENT
હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર જે પણ પ્રદોષ વ્રત કરે છે તેના જીવનના તમામ કષ્ટ અને દુખ દૂર થાય છે સતહ જ જીવનમાં ખુશહાલી આવે છે. પ્રદોષ વ્રતના દિવસે વ્રત સાથે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે. પ્રદોષ વ્રતના દિવસે પૂજાના સમયે તેની વ્રત કથા પણ વાંચવી જોઈએ. વ્રત કથા વિના પૂજા અધૂરી માનવામાં આવે છે અને તેનું ફળ પ્રાપ્ત થતું નથી.
ADVERTISEMENT
ક્યારે છે રવિ પ્રદોષ વ્રત?
વૈદિક પંચાંગ અનુસાર ત્રયોદશી તિથી આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ સાંજે 7:25 વાગે શરૂ થશે અને તેનું સમાપન આવતી કાલે 10 ફેબ્રુઆરી સાંજે 6:57 વાગે થશે. પ્રદોષ વ્રતમાં સાંજની પૂજાનું મહત્ત્વ છે માટે આજે પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આજે રવિવાર છે માટે તેને રવિ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે.
વધુ વાંચો: ચૂડેલનું નામ સાંભળી લોકો ડરે, પરંતુ અહીં થાય છે પૂજા, હાઈકોર્ટ ઓફ કુણઘેરનો અનોખો મહિમા
રવિ પ્રદોષ વ્રતની કથા
પ્રાચીન સમયમાં, એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતા હતા. બ્રાહ્મણ ખૂબ જ ગરીબ હતો. તેમની પત્ની પ્રદોષ વ્રત રાખતી હતી. તેમને એક દીકરો હતો. એક દિવસ, ગંગામાં સ્નાન કરવા જતા, તેમના પુત્રને ચોરોએ પકડી લીધો. ચોરોએ તેને કહ્યું કે જો તે તેમને તેના પિતાની ગુપ્ત સંપત્તિ વિશે માહિતી આપશે, તો તેઓ તેને મારી નાખશે નહીં. આના પર છોકરાએ કહ્યું કે તેના માતા-પિતા ગરીબ છે અને તેમની પાસે કોઈ છુપી સંપત્તિ નથી. પછી ચોરોએ છોકરાને પૂછ્યું કે તેની પાસે રહેલી પોટલીમાં શું છે? તે છોકરાએ કહ્યું કે તેની માતાએ બનાવેલી રોટલી તે પોટલીમાં છે. આ સાંભળીને ચોરોએ તેને છોડી દીધો.
આ પછી છોકરો ચાલતો રહ્યો અને એક શહેરમાં પહોંચ્યો. તે છોકરો તે શહેરમાં એક વડના ઝાડની છાયા નીચે આરામ કરવા લાગ્યો. આ દરમિયાન તેને ઊંઘ આવી અને તે સૂઈ ગયો. તે જ સમયે, શહેરના પોલીસકર્મીઓ ચોરોની શોધમાં નીકળી પડ્યા હતા. તેણે છોકરાને વડના ઝાડ નીચે સૂતો જોયો. પછી તેઓએ છોકરાને ચોર સમજીને ધરપકડ કરી અને રાજા સમક્ષ રજૂ કર્યો. રાજાએ છોકરાને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો. બીજી બાજુ, જ્યારે છોકરો ઘરે પાછો ન ફર્યો, ત્યારે તેના માતાપિતાને તેમના પુત્રની ચિંતા થવા લાગી. બીજા દિવસે પ્રદોષ વ્રત હતું. બ્રાહ્મણ સ્ત્રીએ વિધિ મુજબ પ્રદોષ વ્રત રાખ્યું અને પોતાના પુત્ર માટે ભગવાન શિવને પ્રાર્થના કરી. ભગવાન શિવે તેમની પ્રાર્થના સ્વીકારી.
આ વ્રત પછી તે જ રાત્રે ભગવાન શિવ રાજાના સ્વપ્નમાં આવ્યા અને તેમને છોકરાને મુક્ત કરવાનો આદેશ આપ્યો. ભગવાન શિવે રાજાને એમ પણ કહ્યું કે જો તેને મુક્ત નહીં કરે તો તેના રાજ્યનો મહિમા નાશ પામશે. પછી સવારે રાજાએ તેને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ પછી છોકરાએ આખી વાત રાજાને કહી. પછી રાજાએ તેના સૈનિકોને છોકરાના માતાપિતાને લાવવાનો આદેશ આપ્યો અને રાજાએ બ્રાહ્મણને પાંચ ગામો દાનમાં આપ્યા. ભગવાન શિવની કૃપાથી બ્રાહ્મણની ગરીબી દૂર થઈ ગઈ. પછી તે અને તેનો પરિવાર સુખી જીવન જીવવા લાગ્યા.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.