Detailed discussion of pre-planning including vigilance-preparedness-public awareness in Gujarat keeping in view the possible condition of Covid.
ગાંધીનગર /
કોરોના 17 હજારને પાર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, તાત્કાલિક કર્યું આ કામ
Team VTV11:13 PM, 18 Jan 22
| Updated: 11:30 PM, 18 Jan 22
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 17 હજારને પાર થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રીએ તાત્કાલિક એક્સપર્ટ્સ ડોક્ટરોની ટીમ સાથે બેઠક કરી.
મુખ્યમંત્રી સાથે એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની બેઠક
સંક્રમણ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા
આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા તૈયારી
રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ ઉપાયો, સારવાર સૂચનો અને ભાવિ રણનીતિમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે રચાયેલા એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાઇ હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉપસ્થિત રહેલા ટાસ્કફોર્સના સર્વે તબીબોએ રાજ્યમાં આગામી દિવસોમાં સંક્રમણનો વ્યાપ વધે નહિં તે માટે જનજાગૃતિ અને સતર્કતા અંતર્ગત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર અપનાવવા અને વારંવાર હાથ ધોવા તથા ભીડભાડ વાળી જગ્યા-પ્રસંગોથી દૂર રહેવાની જન જાગૃતિ ઝૂંબેશ ચલાવવા ખાસ તાકિદ કરી હતી
સરકારની પ્રતિબદ્ધતા
આ તબીબોએ એવો સ્પષ્ટ મત દર્શાવ્યો કે, હાલ જે સંક્રમણની સ્થિતી છે તેની ગંભીરતા લોકો સુધી પહોચે અને જનતા જનાર્દન સ્વયંભૂ SMS-સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝર અપનાવે તેવી વ્યાપક પ્રચાર-પ્રસાર સઘન વ્યવસ્થા થાય તે સમયની માંગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી જનજાગૃતિ માટે રાજ્ય સરકાર આવશ્યક પગલાં લેશે. એટલું જ નહિ, કોરોના સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટેના પહેલી બે લહેરના અનુભવોના આધારે રાજ્યમાં આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓનું માળખું વધુ સુગ્રથિત કરવા અને બાકી રહેલા લોકોના ઝડપથી સૌનું વેક્સિનેશન કરવાની રણનીતિ સરકાર આયોજનબદ્ધ રીતે અપનાવશે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં રજૂ કરાયા તારણો
તેમણે રાજ્યમાં હરેક વ્યક્તિ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે માટેની સતર્કતા અને રાજ્ય સરકારના પ્રસાર-પ્રચારમાં તબીબો પણ સહયોગી થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબહેન તેમજ એક્સપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સના તજજ્ઞો સર્વ ડૉ. વી. એન. શાહ, સુધીરભાઇ શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકરે કોવિડ-ઓમીક્રોન પેશન્ટસની ટ્રીટમેન્ટના પોતાના અનુભવો અને આગામી દિવસોની સંભવિત સ્થિતીના તારણો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીએ આ તજજ્ઞ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી તેમના અનુભવનું માર્ગદર્શન રાજ્ય સરકાર મેળવશે અને તે મુજબ સારવાર, ટ્રિટમેન્ટ પ્રોટોકોલ, ટેસ્ટીંગ, ટ્રેકિંગ વગેરેમાં હોસ્પિટલાઇઝેશન ગાઇડલાઇન્સ વગેરેમાં જરૂરિયાત મુજબ સુધારા-વધારા પણ કરશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા હતા.