Despite economic slowdown financial system in country is robust claims RBI
અર્થતંત્ર /
RBIના રિપોર્ટ પ્રમાણે આર્થિક સુસ્તી છતાં સિસ્ટમ મજબૂત , પરંતુ એક ચેતવણી ચિંતાજનક
Team VTV04:43 PM, 28 Dec 19
| Updated: 04:49 PM, 28 Dec 19
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પોતાના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ (એફએસઆર) માં જણાવ્યું છે કે આર્થિક વિકાસદરમાં ઘટાડો છતાં દેશની ફાઇનાન્શિયલ સિસ્ટમ સ્થિર અને મજબૂત છે.
બેન્કોની બેડ લોન અને એનપીએ વધી શકે છે : RBIની ચેતવણી
કોબ્રા ઈફેક્ટ સામે સાવધાન રહેવાની જરૂર
દેશનો ગ્રોથ રેટ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં માત્ર ૪.૫ ટકા રહ્યો છે. તેના કારણે આરબીઆઇએ ચાલુ વર્ષ માટે વિકાસદરનું અનુમાન ૨.૪૦ ટકા ઘટાડીને પાંચ ટકા કર્યું છે, પરંતુ આરબીઆઇનું માનવું છે કે અર્થતંત્રના દરેક ક્ષેત્ર સાથે જોખમ સંકળાયેલું હોવા છતાં આગામી એક વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં સુધારાની તક રહેલી છે.
બેન્કોમાં ફસાયેલા કરજ (NPA)માં હજુ વધારો થઇ શકે છે
રિપોર્ટમાં જણાવાયું છે કે સ્ટ્રેસ્ડ એસેટ્સના નિકાલની બાબતમાં ઇનસોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ દ્વારા સ્થિતિમાં સતત સુધારો થઇ રહ્યો છે, જોકે રિપોર્ટમાં એવી પણ ચેતવણી અપાઇ છે કે આગામી નવ મહિનામાં બેન્કોમાં ફસાયેલા કરજ (એનપીએ)માં હજુ વધારો થઇ શકે છે અને વધીને ૯.૯ ટકા સુધી પહોંચી જશે. રિઝર્વ બેન્કે જણાવ્યું છે કે તેનું કારણ અર્થતંત્ર ની સુસ્તી, લોન પેમેન્ટ કરવામાં નિષ્ફળતા અને ક્રેડિટ ગ્રોથમાં ઘટાડો છે. આમ, આરબીઆઇએ ચેતવણી આપી છે કે બેન્કોની બેડ લોન ફરીથી વધી શકે છે.
વર્ષમાં બે વખત જૂન અને ડિસેમ્બરમાં પ્રસિદ્ધ થતા આરબીઆઇના ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં મધ્યમ રેટિંગવાળી કંપનીઓ દ્વારા રેટિંગ શોપિંગ (પસંદગીનું રેટિંગ મેળવવા માટે મરજી મુજબની એજન્સીની સેવા લેવી) પ્રત્યે પણ ધ્યાન ખેંચ્યું છે.
રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે સરકારી બેન્કોનો જીએનપીએ સપ્ટેમ્બર-૨૦૨૦ સુધીમાં વધીને ૧૩.૨ ટકા થઇ શકે છે. સપ્ટેમ્બર-૨૦૧૯માં જીએનપીએ ૧૨.૭ ટકા હતો. આરબીઆઇ ગવર્નરે પણ બેન્કો અને કંપનીઓને એવી સલાહ આપી છે કે અર્થતંત્રમાં કોબ્રા ઇફેક્ટ સામે સાવધ રહેવાની જરૂર છે.