જામનગરના જોડીયામાં ડ્રગ્સ પેડલરના ઘરેથી 4.45 લાખની વીજ ચોરી ઝડપાતા ચર્ચા જાગી છે. જામનગર પોલીસ દ્વારા ડ્રગ્સકાંડ અંગે જોડીયાના ડ્રગ્સ પેડલરના ઘરે તપાસ કરવામાં આવી હતી. જેમાં જામનગરના SP પ્રેમસુખ ડેલું પણ જોડાયા હતા. આ દરમિયાન રહેણાંકનો પુરાવો માગતા લાઈટ બીલ બતાવવામાં આવ્યું હતું. જેમાં ડ્રગ્સ પેડલરના બંગલામાં પાંચ એસી હોવા છતાં વિજબીલ માત્ર રૂ. ૫૦૦ જોઈ એસપી સહિતના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને ત્યારબાદ PGVCLએ તપાસ કરીને રૂપિયા 5.45 લાખનો દંડ ફટકાર્યો હતો.
ઘર તપાસ કરવા ગયેલ પોલીસે 5.45 લાખની વીજ ચોરી ઝડપી પાડી
મોરબી જિલ્લાના ઝિંઝુડા પંથકમાં એટીએસ પાડેલા દરોડામાં ડ્રગ્સનો કરોડોનો જથ્થો પકડાયો હતો. જેમાં જોડીયાના બે શખસોની પણ સંડોવણી ખુલી હતી. આ પ્રકરણને પગલે તપાસ અર્થે ઇશા હુશેન રાવ અને મુખ્તાર ઉર્ફે જબ્બા નુરમામદ રાવના ઘરે એસ.પી સહિતનો પોલીસ પહોંચ્યો હતો. પોલીસે બંનેના રહેણાંકના આધાર માંગતા વિજળીનુ બિલ રજુ કરાયુ હતુ.જોકે, આ લાઇટ બીલની રકમ નજીવી દર્શાવાઇ હતી.જેને લઈને શંકા જતા એસ.પી.એ તાત્કાલિક પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરી આ અંગે તપાસ કરવા જણાવ્યું હોય અને પીજીવીસીએલના અધિકારીઓ તાત્કાલિક આરોપીના ઘરે પહોંચીને તપાસ કરતા મોટી વીજચોરી અંગેનો ઘટસ્ફોટ થયો હતો.મીટરમાં ટેમ્પરીગ કરી વીજ ચોરી કરતા હોવાનુ સામે આવતા પીજીવીસીએલ કંપનીના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરી તેઓના ઘરનુ વીજ જોડાણ કાપી નાખ્યું હતું.
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતનો સ્ટાફ જોડાયો
આ કામગીરી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઇ. આર.વી. વીંછી તથા પીએસઆઈ કે.આર સિસોદીયા તથા એસ.ઓ.જી. ટીમ તથા જોડીયા પોલીસ મથકના જી.જી.જાડેજા તથા વી.વી.બકુત્રા સહિતનો સ્ટાફ ફરજ પર હાજર રહ્યો હતો.
સળગતા સવાલ
5 ACમાં માત્ર 500 રૂપિયા બિલ કેવી રીતે આવે ?
ડ્રગ્સ પેડલર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે?
કેટલા સમયથી ડ્રગ્સ પેડલર વીજચોરી કરતો હતો?
વીજ કંપનીઓએ ડ્રગ્સ પેડલર વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરી ?