રાજ્યમાં લોકસભા ચૂંટણીને ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે ચૂંટણી તંત્ર દુર્ગમ તેમજ સુગમ સ્થળોએ એક પણ મતદાર છૂટી ન જાય તે માટે તૈયારીમાં લાગી ગયું છે. ત્યારે બારડોલી લોકસભા મતવિસ્તારનું એક એવું પણ ગામ છે કે જ્યાંથી 114 જેટલાં મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરે છે. ત્યાંથી પણ સો ટકા મતદાન થાય તે માટે ચૂંટણીતંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. પરંતુ ગામ લોકોનું કહેવું છે કે ગામનાં વિકાસ માટે આવી તડામાર તૈયારી ક્યારે જોવાં મળી નથી.
અહીં અમે વાત કરી રહ્યાં છીએ બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં એક્વાગોલણ ગામની. આ ગામ આજે આઝાદીનાં સાત દાયકા બાદ પણ પાયાની અનેક સુવિધાઓ અને સરકારી યોજનાઓની પહોંચથી વંચિત રહ્યું છે. ગુજરાતનાં આ ગામમાં પ્રવેશવું હોય તો મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને જવું પડે છે. અહીં શાળા છે પરંતુ માત્ર ધોરણ 4 સુધીની જ સુવિધા છે.
સસ્તા અનાજની દુકાને જવા માટે 25 કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે અને એ પણ પગે ચાલીને કેમ કે સારા રસ્તાનાં અભાવે સરકારી બસો કે ખાનગી વાહનો આ ગામમાં આવી શકતા નથી. તો પછી એમ્બ્યુલન્સ સેવા તો માત્ર સપનું જ ગણવું. પીવાનાં પાણીની ટાંકી વર્ષો પહેલાં બનાવી છે પરંતુ એ ટાંકીમાં આજ સુધી પાણી ઠલવાયું નથી. માટે પીવાનાં પાણી માટે કિલોમીટરો સુધી દૂર જવું પડે છે. પેટ ભરવા લોકો પથરાળ જમીન પર ખેતી કરવાની જહેમત તો ઉઠાવે છે પરંતુ પિયતનાં અભાવે ખેતી હંમેશા ફજેતી જ બની રહે છે.
મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને પહાડોની વચ્ચે આવેલાં બારડોલી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એક્વાગોલણ ગામ સૌથી નાનું અને ઓછી વસ્તી ધરાવતું ગામ છે, અહીં 114 જેટલા મતદારો 2017ની વિધાનસભા ચૂંટણીમાં નોંધાયાં હતાં. આ ગામ દરેક ચૂંટણીમાં પોતાનું મહામૂલું દાન એટલે મતદાન કરવાનું ચૂકતાં નથી. પરંતુ નેતાઓ ચૂંટાયાં બાદ પોતાનાં વચનો ભૂલી જાય છે પરિણામે આ ગામનાં લોકોની ફરિયાદો દર ચૂંટણી વખતે ફરી પાછી તાજી થાય છે. જો કે તેમ છતાં આ ગામનાં ગ્રામજનો પોતાની નૈતિક ફરજ બખૂબી નિભાવી દરેક ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરે છે અને ચૂંટણી તંત્ર પણ તે બાબતનું ગૌરવ અનુભવે છે.
આ વિસ્તારમાં બીજેપી અને કોંગ્રેસ એમ બન્ને પક્ષ સત્તા સાંભળી ચુક્યાં છે, પરંતુ આ ગામમાં હજુ સુધી કોઈ પણ ચૂંટાયેલ પ્રતિનિધિ ફરક્યાં નથી. જો કે તેમ છતાં અહીંનાં ગ્રામજનોને આશા છે કે કોઈ નેતા તો આવશે કે જે તેમને આઝાદી કાળથી સતાવતી આ સમસ્યાથી દૂર કરશે.