Demolition of surrounding building for Surat Airport Runway?
આયોજન વગર ઉડાન? /
સુરતમાં 47000 લોકો ઘર વિના નોંધારા બનશે? પહેલા બાંધકામ માટે NOC, BU આપ્યું હવે એ જ તંત્ર બુલડોઝર ફેરવશે
Team VTV01:07 PM, 25 Aug 21
| Updated: 01:15 PM, 25 Aug 21
પહેલા બાંધકામ માટે પરમિશન આપી હવે રન-વે બનાવવા ડિમોલેશન લાવશે..! ફ્લેટ ધારકોની 1 હજાર કરોડની લોન પણ ચાલુ છે ત્યારે કઈ રીતે બુલડોઝર ફેરવી શકાય?
સુરતના વેસુ વિસ્તારમાં ડિમોલિશેનને લઇ વિવાદ
198 બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી
બિલ્ડરોને બચાવવા ક્રેડાઇ આવ્યું મેદાનમાં
સુરતના વેસુ વિસ્તારના એરપોર્ટના રન-વે માટે આજુબાજૂની ઊંચી ઈમારતો પર તવાઈ બોલાવવાની શકયાતાઓ છે સંભવિત ડિમોલિશનને કારણે રન-વેને નડતી 198 બિલ્ડિંગને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ શકે છે. 1440 ફ્લેટ તૂટે તો 47 હજાર 520 લોકો ઘર વિનાના નોંધારા થશે. હાલ નડતરરૂપ પ્રોજેકટમાં ફ્લેટ ધારકોની 1 હજાર કરોડની લોન પણ ચાલુ છે. ત્યારે ક્રેડાઇ બિલ્ડરોને બચાવવા મેદાને આવ્યું છે.
પેહલા બાંધકામ માટે NOC, BU આપ્યું હતું હવે ગેરકાયદે કઈ રીતે થાય : ક્રેડાઇ
સુરતમાં વેસુ સહિતના પ્રોજેકટના સંભવિત ડિમોલિશન મામલે ક્રેડાઈ મેદાનમાં આવ્યું છે. ક્રેડાઇએ કહ્યું કે બાંધકામ સામે NOC, BU આપ્યું હતું તો હવે ગેરકાયદેસર કેવી રીતે થાય, કારણ કે સુરત તંત્ર દ્વારા એરપોર્ટની આસપાસ બાંધકામ માટે પહેલાથી જ NOC, BU પરમિશન આપી દેવામાં આવી હતી જે બાદ બિલ્ડરોએ અહી બાંધકામ કર્યું છે. તો શું હવે રન-વે માટે સંભવિત ડિમોલેશનની કામગીરી તંત્ર વિચારી પણ કેમ શકે. જો સંભવિત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવે તો એક બિલ્ડિંગ નહીં 198 બિલ્ડિંગ પર બુલડોઝર ફરી શકે છે અને આથી 1440 ફ્લેટ તૂટે તો 47 હજાર 520 લોકોને ઘર છોડી રસ્તા પર આવવાનો વારો આવી શકે છે.
પાંચ હજાર ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર સુપ્રીમકોર્ટેની રોક
સુરતના ઉધનાથી જલગાંવ વચ્ચે આકાર પામનારા રેલવે પ્રોજેક્ટ માટે પાંચ હજાર ઝૂંપડપટ્ટીના ડિમોલિશન પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે અને સ્ટેટસ ક્વો ઇશ્યુ કરી યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી સે સુરત-જલગાંવ વચ્ચેના રેલવે પ્રોજેક્ટ માટે તેમની ઝૂંપડપટ્ટીઓનું ડિમોલિશન થવાનું છે અને હાઇકોર્ટે 2014માં આપેલા સ્ટેને ગત 19મીએ હટાવવામાં આવ્યો છે. તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા હોવા છતાં તેમના પુનર્વસન અંગે કોઇ નીતિ ઘડવામાં આવી નથી. આ ઉપરાંત તેમને યોગ્ય સમય આપ્યા વિના 24 કલાકમાં ઝૂંપડપટ્ટી ખાલી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે બિલ્ડરોની પડખે ઊભા રહી ક્રેડાઇનો આ કૂદકો લોકોને બેઘર થવાથી બચાવી શકે છે કે નહીં તે તો આગળના સમયમાં જ ખબર પડશે પણ હાલ તો ડિમોલેશનની વાતથી જ લોકોમાં પોતાના ઘર પર વિકાસનો રન-વે દેખાઈ રહ્યો છે. તંત્રના આ નિર્ણયનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.