ગુજરાતમાં વધતાં કોરોના કેસની વચ્ચે હવે બોર્ડની પરીક્ષાઓને પાછી ઠેલવવા માંગ તેજ કરવામાં આવી છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષા જુનમાં લેવા માંગ
ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
"અત્યારે ગુજરાતની ખૂબ ખરાબ પરિસ્થિતિ છે"
"પરિસ્થિતિ જોતા બોર્ડની પરીક્ષા જુનમાં લેવી"
File photo
ઓલ ગુજરાત વાલી મંડળે શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. પહેલી લહેર કરતાં પણ વધારે કેસ અત્યારે સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતના 20 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતની બોર્ડની પરીક્ષાને પાછી ઠેલવવા માટે માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કહેરને જોતાં શાળાઓને પહેલા જ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે હવે બોર્ડની પરીક્ષાને લઈને પણ માંગ તેજ કરવામાં આવી રહી છે.
File photo
કોરોનાની સ્થિતિને જોતા પરીક્ષા પાછી ઠેલવવા માંગ
ગુજરાતમાં મે મહિનામાં બોર્ડની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઓલ ગુજરાત વાલીમંડળે શિક્ષણમંત્રીને પત્ર લખીને બોર્ડની પરીક્ષાને જૂન મહિનામાં લેવા માટે માંગ કરી છે. વાલીમંડળનું માનવું છે કે અત્યારે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ છે અને તેને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષાઓ જૂન મહિનામાં લેવી જોઈએ.
નોંધનીય છે કે ભારતના એવા ઘણા રાજ્યો છે જ્યાં બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર-છત્તીસગઢમાં બોર્ડ સિવાયના તથા તામિલનાડુમાં 9થી 11 ધોરણના વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પ્રાથમિક તથા આસામમાં ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં ચડાવી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોના વાયરસ કેસ અપડેટ (8 એપ્રિલ)
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે ગઇકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે. તો સાથે કોરોનાના કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 4021 કેસ નોંધાયા છે અને 2197 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
ભારતમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ
ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 1,31,968 કેસ આવતા હડકંપ મચી ગયો છે. પહેલીવાર આટલા બધા કેસ સામે આવ્યા છે જ્યારે 24 જ કલાકમાં 780 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 9,79,608 થઈ ગઈ છે.