બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / એક કૉલ આવ્યો અને કિરણ સેઠીની જીંદગી બદલાઈ, પછી લેડી પોલીસ ઓફિસરે 200થી વધુ સેક્સ વર્કર્સને 'નર્કાગાર'માંથી ઉગારી, સંઘર્ષ જાણીને કરશો સલામ

નવદુર્ગા / એક કૉલ આવ્યો અને કિરણ સેઠીની જીંદગી બદલાઈ, પછી લેડી પોલીસ ઓફિસરે 200થી વધુ સેક્સ વર્કર્સને 'નર્કાગાર'માંથી ઉગારી, સંઘર્ષ જાણીને કરશો સલામ

Nidhi Panchal

Last Updated: 08:17 AM, 5 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

57 વર્ષની ઉંમરના કિરણ સેઠીનું કામ એવું છે કે તેમના વિસ્તારમાં લુખ્ખા તત્વો તેમની હાજરી માત્રથી થર થર કાંપે છે. કોરોના મહામારી વખતે તેમની સખત મહેનત ફરજ પરાસ્તતાને કારણે તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાયાં હતા.

નવરાત્રીના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પૂજા-આરાધના કરાય છે. દેવી ચંદ્રઘંટા આઠ ભુજાઓવાળી માતા સ્વરૂપ સોના જેવા તેજસ્વી છે. તેમની આઠ ભુજાઓ કમળ, ધનુષ્ય, બાણ, તલવાર, કમંડળ, તલવાર, ત્રિશૂળ અને ગદા વગેરે શસ્ત્રોથી સુશોભિત છે, માથા પર રત્ન જડિત મુગટ છે. મા ચંદ્રઘંટા હંમેશા લડાઈની મુદ્રામાં રહીને અન્યાય સામે ઊભા રહેતાં હોય છે અને આસૂરી શક્તિનો વિનાશ કરે છે. મા ચંદ્રઘંટા પ્રતીક છે, આસુરી શક્તિને નાથવાનું, જેવી રીતે દિલ્હીના મહિલા કોન્સ્ટેબલ કિરણ સેઠી દરેક નેગેટિવ એનર્જીને રિયલ લાઈફમાં નાથી રહ્યા છે. 57 વર્ષની ઉંમરના કિરણ સેઠીનું કામ એવું છે કે તેમના વિસ્તારમાં લુખ્ખા તત્વો તેમની હાજરી માત્રથી થર થર કાંપે છે. કોરોના મહામારી વખતે તેમની સખત મહેનત ફરજ પરાસ્તતાને કારણે તેમને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાયાં હતા.

Collage

નવરાત્રી એટલે શક્તિની આરાધના ઉપાસનાનો પર્વ. દિલ્હીના કિરણ સેઠી એવા જ શક્તિ સ્વરૂપા છે, જેમને દિલ્હીની પોલીસ લેડી સિંઘમ તરીકે ઓળખે છે. દિલ્હીના રાજેન્દ્ર નગરમાં રોડસાઈટ ઢાબુ ચલાવનાર એક સામાન્ય મહિલાને ત્યાં જન્મેલા કિરણની માતાએ આકરો સંઘર્ષ કરીને તેમને મોટા કર્યા, ભણાવ્યા. કિરણ સેઠીએ પણ બાળપણથી જ કંઈક કરી બતાવવાનું પ્રણ લીધું અને પોલીસ બેડામાં સામેલ થઈ ગયા. જો કે, તેમની ખરી સફર અને સફળતાઓ તો દિલ્હી પોલીસમાં આવ્યા પછી જ શરૂ થઈ છે. હજારો મહિલાઓ માટે કિરણ સેઠી આફતમાંથી બચાવનાર શક્તિ સ્વરૂપા બન્યા ચે.

પોલીસ નહીં નર્સ બનવું હતું!

આમ તો કિરણને આર્મીમાં જઈને, નર્સ બનવું હતું, કારણ કે તેઓ યુદ્ધભૂમિમાં ઘાયલ દેશના નરબંકાઓની સારવાર અને સેવા કરતા ઈચ્છતા હતા. પરંતુ સંજોગોવશાત્ તેઓ દિલ્હી પોલીસનો ભાગ બન્યા. એમના જ શબ્દોમાં સાંભળીએ તો,'હું 5 વર્ષની હતી, ત્યારે જીવન અચાનક બદલાઈ ગયું. કોઈએ મારા પિતાની ઝેર આપીને હત્યા કરી. નાની ઉંમરે માથા પરથી મોભ ગુમાવ્યો. આજે નવદુર્ગામાં તમે મારી સફરની વાત કરો છો, પરંતુ મારા માતા મારા જીવનમાં ખરેખર શક્તિ પ્રદાન કરતા રહ્યા છે, તેમણએ દરેકે દરેક જવાબદારી ઉપાડી, ઢાબુ ચલાવ્યુ અને અમને દરેક ભાઈ બહેનને ભણાવ્યા.' 19 વર્ષની ઉંમરે તો કિરણ સેઠી દિલ્હી પોલીસમાં સામેલ થઈ ચૂક્યા હતા.

GFX

ત્રણ વખત મળ્યું પ્રમોશન

નાનપણથી જ સંઘર્ષો વચ્ચે ઉછરેલા કિરણે જીસસ એન્ડ મેરી કોલેજ, દિલ્હીમાંથી સ્નાતક થયા અને પછી સમાજ સેવામાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને દિલ્હી પોલીસમાં એક સામાન્ય કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. જો કે છેક 80ના દાયકામાં મહિલા તરીકે પોલીસ બનવું સરળ ન હોતું. ત્યારે ટ્રેનિંગમાં મહિલાઓ ઓછી હતી, એટલે તાલીમ પણ પુરુષોની સાથે જ થતી. જો કે, કિરણ સેઠીના યોગદાને ધ્યાનમાં રાખતા દિલ્હી પોલીસ તેમને ત્રણ વખત પ્રમોટ કરી ચૂકી છે. કિરણને 1994માં હેડ કોન્સ્ટેબલ, 1999માં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અને 2020માં સબ-ઇન્સ્પેક્ટર બનાવાયા હતા. હાલમાં તેઓ કમલા માર્કેટ વિસ્તારમાં શ્રદ્ધાનંદ રોડ પર પિંક મહિલા પોલીસ ચોકીના ઈન્ચાર્જ છે. આજે દિલ્હીની ઘણી શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, MNC અને CBI સહિત દિલ્હી પોલીસ કર્મચારીઓના બાળકોને તાલીમ આપી રહ્યા છે.

એક ફોને બદલી નાખ્યો રસ્તો!

પિંક મહિલા પોલીસ ચોકીની વાત સાંભળીને અમે કિરણ મેમને તેના વિશે વધુ જણાવવા કહ્યું. કિરણ સેઠીનું કહેવું છે કે એક કૉલ આવ્યો અને મારી આખી સફર બદલાઈ ગઈ. કિરણ મેમ ઉત્સાહથી કહે છે કે,"2020માં કોરોના વખતે એક દિવસ DCP સંજય ભાટિયા સરે કહ્યું કે સવારે 9:30 મને રિપોર્ટ કરશો તમે. અને જે સમય આપ્યો હતો એ જ સમયે હું ગઇ ઓફિસમાં, મને સરે કહ્યું કે એવું કામ કરશો જેમાં જીવને જોખમ હોય? તો મેં પણ એક સાહસથી કીધું હા કરીશ. પછી તેમણે કહ્યું હવે જઈ શકો છો. પછી રાત્રે 11:30 વાગે ફોન આવ્યો અને મને GB રોડ પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવી છે,આ સાંભળીને મને પોતાની જાતને ગર્વ થયો કારણ કે, હું પહેલી મહિલા સબ-ઇન્સ્પેક્ટર હતી જેમનું પોસ્ટિંગ ત્યાં થયું હતું. કારણ કે GB રોડ દિલ્હીનો એક રેડ લાઈટ એરિયા માનવામાં આવે છે. ત્યાં મોટાભાગે પુરુષ ઓફિસરનું જ પોસ્ટિંગ થતું હોય છે. મેં આ વાત મારા પરિવારમાં કહી તો મને કહ્યું GB રોડમાં પોસ્ટિંગ એટલે પોતાના 'પગ પર કુહાડી મારવા' જેવું છે. પણ મારા મનમાં આખી રાત GB રોડ ફરતો રહ્યો. મનમાં એવો જુસ્સો હતો કે મારે કંઈક સારુ કરી દેખાડી દેવું છે.

સાથી પોલીસ કર્મીઓએ પણ ના પાડી દીધી!

દિલ્હીનો GB રોડ રેડ લાઈટ એરિયા તરીકે જાણીતો છે, જ્યાં 100 જેટલા મકાનોમાં મહિલા સેક્સ વર્કર્સ કામ કરે છે. એવું કહેવાય છે કે આખા ભારતના મોટા મોટા ગુંડાઓ પણ અહીં આવે છે. કિરણ સેઠી જ્યારે પોલીસ ચોકી પહોંચ્યા અને ચેકિંગ માટે નીકળ્યા તો તેમના સાથી પોલીસ કર્મીઓએ પણ GB રોડ પર આવવાની ના પાડી દીધી, કારણ કે કોઈની અંદર જવાની હિંમત નહોતી. પરંતુ આપણા લેડી સિંઘમ એમ માને એમ નહોતા. તેઓ એકલા GB રોડ પર ગયા તો ત્યાં કામ કરતા લોકોએ પહેલા તો સવાલોની ઝડી વરસાવી અને કિરણે પોતાની ઓળખ સબ ઈન્સ્પેક્ટર તરીકે આપી. તો ત્યાં કામ કરતા લોકોએ સીધો જ પોલીસ સ્ટેશનમાં ફોન ઘુમાવ્યો. જો કે, કિરણ સેઠીએ કહ્યું કે હું તપાસ કરવા નથી આવી, કોરોના ચાલે છે અને અહીંની મહિલાઓે યોગની જરૂર છે, હું તેમને યોગ શીખવવા ઈચ્છું છું. એટલે ત્યારે તો તેમને પાછા ધકેલવા હા કાલે આવજો કહી દેવાયું. મહિલાઓને યોગાની ખુબ જરૂર છે. તેમની હાલત જુઓ તો હું તેમને યોગા શીખવાડીશ અને એમ પણ અત્યારે કોરોના ચાલે છે ત્યારે તેની જરૂર છે. મને ત્યાંથી કાઢવા માટે તે સમયે કંઈ દીધું કે સારુ કાલે આવી જજો, શીખવાડીશ. એમ કહીને મને જવાનું કહ્યું.

અને યોગા ક્લાસ શરૂ થયા!

કિરણ સેઠી તો બીજા દિવસે ખરેખર યોગા ડ્રેસમાં પહોંચી ગયા અને ત્યાં કામ કરતી મુખ્ય મહિલાએ બધી મહિલાઓને કમને ભેગી કરી, યોગ શીખવા કહ્યું. પછી તો રૂટિન થઈ ગયું અને રોજ થોડા થોડા મકાનોમાં યોગ શીખવવાની શરૂઆત કરી. આ દરમિયાન જ કિરણને અહીં કામ કરતી છોકરીઓની તકલીફો વિશે ખબર પડી. મોટા ભાગની છોકરીઓ આ નર્કાગારમાંથી નીકળવા ઈચ્છતી હતી. કિરણ સેઠીએ પોતાના ઉપરી અધિકારીને વાત કરીને, કાર્યવાહી માટે પરમિશન લીધી અને સેક્સ વર્કર મહિલાઓે છુપાઈ છુપાઈને દીવા બનાવતા, પેપર બેગ બનાવતા શીખવ્યું, જેથી તેઓ અહીંથી બહાર નીકળીને કમાઈ શકે. આ બધા જ દીવા પોલીસ ડિપાર્ટમેન્ટે ખરીદ્યા. અંતે એક મહિલાએ કિરણ સેઠીના સપોર્ટથી હિંમત કરી અને આ લોહીનો વેપાર છોડ્યો. કિરણનું કહેવું છે કે આજે તે મહિલા એક સારી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરી રહી છે.

GFX - 2_

200 સેક્સ વર્કર્સને નર્કાગારમાંથી બહાર કાઢીને ભવિષ્ય સુધાર્યું

જીબી રોડમાં અંદર ફરતાં બીજી એક છોકરીની મુલાકાતમાં આવ્યાં. જીબી રોડ પર એક વેશ્યાલયમાં રહેતી પિંકીની( નામ બદલ્યું છે) માતા શરૂઆતમાં આ અંગે વાત કરતા અને અહિંયાથી બહાર નિકળવા ગભરાતી હતી પરંતુ સેઠીએ તેને મનાવી લીધી હતી. કિરણ સેઠી કહે છે કે “જ્યારે હું છોકરીને મળી, ત્યારે મને એટલી સક્રિય, બુદ્ધિશાળી અને લાગણીશીલ લાગી; સાથે તેને અભ્યાસમાં ઊંડો રસ દાખવ્યો. તે દુ:ખી હતી કે તેણી તેની ઇચ્છા પૂરી કરવા માટે અભ્યાસ કરી શકતી નથી," સેઠીએ કહ્યું. “મેં તેની માતા સાથે વાત કરી અને તેને સમજાવ્યું કે આ કામ તેના બાળકનું ભવિષ્ય બર્બાદ કરી શકે છે, માતા મારી વાત માની ગયાં અને મારા વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી, મેં મયુર વિહાર ખાતે બાળ કલ્યાણ સમિતિ દ્વારા છોકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું," ત્યાર બાદ તેને પૂછવામાં આવ્યું કે તે શું બનવા માંગે છે તો તેણે ડોક્ટર નહિં પણ કિરણ સેઠી કહ્યું અને તે સાંભળીને મને થયું કે મારુ જીવન સફળ છે. જો કે અત્યારે તે છોકરી ભણી રહી છે અને તેની માતાનું તો તેને બહાર લાવ્યા બાદ બીજા જ દિવસે ખુન થઇ ગયું હતું. ત્યાર બાદ આવી અનેક મહિલાઓ લગભાગ 200 જેટલી સેક્સ વર્કર્સને નર્કાગારમાંથી બહાર કાઢીને તેમનું ભવિષ્ય સુધાર્યું છે.

GFX - 3

જો કે, આ તો પાશેરામાં પહેલી પૂણી હતી. હજી અનેક છોકરીઓ નર્કાગારમાં સડતી હતી, અને તેમને બહાર કાઢવાનો કોઈ રસ્તો નહોતો. આખરે કિરણે તેમનું કાઉન્સેલિંગ શરૂ કર્યું અને તેમને નવું કામ શીખવવાની શરૂઆત કરી. 2020માં વળી બે છોકરીઓએ આ કામ છોડ્યું, અને આજે પણ તેઓ સારી કંપનીમાં સન્માનજનક પોસ્ટ પર કામ કરે છે. કિરણ સેઠીએ સેક્સ વર્કર મહિલાઓને સિલાઈ મશીન ચલાવતા, દીવડા બનાવતા, કવર બનાવતા, પેઈન્ટિંગ કરતા શીખવ્યું એટલું જ નહીં, આ વસ્તુઓ માર્કેટમાં વેચાય તેની પણ સગવડ કરી અને સાથે સાથે યુવતીઓને આ કામ છોડવા પણ સમજાવી.

'લેડી સિંઘમ'નું બિરુદ કેવી રીતે મળ્યું?

આ ઘટના લગભગ સવારે 9.45 વાગ્યે બની હતી, જ્યારે ASI કિરણ સેઠી તીસ હજારી કોર્ટમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે રાજેન્દ્ર નગર વિસ્તારમાં જાનકી દેવી મેમોરિયલ કોલેજની સામેના બસ સ્ટોપ પર એક વ્યક્તિને અંધ છોકરીને બળજબરીપૂર્વક ઓટોમાં બેસાડવાનો પ્રયાસ કરતા જોયો હતો, કિરણે પોતાનું સ્કૂટી રોક્યું અને પૂછપરછ કરવા છોકરી પાસે પહોંચ્યા. છોકરીએ તેને કહ્યું કે તે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થી છે અને તેની કૉલેજ જઈ રહી હતી આ છોકરો તેની સાથે લઈ જવા આગ્રહ કરી રહ્યો હતો. તે તેને ઓટો રિક્ષામાં બેસવા માટે દબાણ કરી રહ્યો હતો. તે વખતે સેઠી સિવિલ ડ્રેસમાં હોવાથી બદમાશ યુવક તેમને ઓળખી ન શક્યો અને પોતાની વાતમાં માથું ન મારવાનું કહ્યું આ પછી બન્ને વચ્ચે માથાકૂટ થઈ અને જેવું કિરણે પોતાની ઓળખ આપી, અને યુવક તરત જ પોબારા ગણી ગયો. પરંતુ બદમાશને ખબર નહોતી કે તેનો પાલો મા ચંદ્રઘંટા જેવા મહિલા સાથે પડ્યો છે. આ પછી જુડો, કરાટે અને તાઈકવૉન્ડોમાં તાલીમ પામેલા સેઠીએ સંદીપનો પીછો કર્યો, ઝડપીને સ્થાનિક પોલીસને સોંપ્યો. પોલીસની એક ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને સંદીપની ધરપકડ કરવામાં આવી.આ ઘટના બાદ તેઓ 'લેડી સિંઘમ' તરીકે જાણીતાં બન્યાં.

વધુ વાંચો : પોલીસ પણ નહોતી જતી, તેવા ગામમાં જઈ સેજલબહેને બદલ્યું 500થી વધુ મહિલાઓનું જીવન, ધમકીઓ છતાંય ન છોડી સેવા

મહિલાઓને આપ્યો આ ખાસ મેસેજ

'હિંસાને અટકાવા તમે શું સંદેશ આપશો' તેના જવાબમાં કિરણ સેઠીએ કહ્યું કે દુનિયામાં મહિલાઓ અને છોકરીઓ સામેની હિંસા ત્યારે જ અટકી શકે છે જ્યારે પરિવારો તેમના બાળકો અને પુરુષોને સમજાવે કે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. તેમની સાથે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ. જો આમ થાય તો મહિલાઓ સામેના 99 ટકા ગુનાઓ આપોઆપ ઘટી શકે છે. જ્યાં સુધી દિલ્હી પોલીસનો સવાલ છે, મહિલાઓ અને બાળકો સાથે સંબંધિત ગુનાઓને ઘટાડવા માટે ઘણા પ્રકારના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલા પોલીસ કર્મચારીઓ પણ ઘણી જગ્યાએ જઈને સ્વરક્ષણની તાલીમ આપે છે. આ સિવાય દરેક રાજ્યની જેમ દિલ્હીમાં પણ 112 મહિલા સુરક્ષા હેલ્પલાઇન નંબર છે. જો કોઈ મહિલા સાથે કોઈ ગુનો બને તો તેની તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ. આમ કરવાથી ગુનેગારોના મનમાં ડર પેદા થશે અને ગુનામાં ઘટાડો થશે. કોઈપણ પ્રકારના ગુનાને છુપાવવાથી ગુનાને પ્રોત્સાહન મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navratri navdurga Navratri Special
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ