Delhi Police in action regarding the protest at the Indian Embassy
એક્શન /
ભારતના જ પાસપોર્ટ પર વિદેશ જવાનું અને ભારતનો જ વિરોધ કરવાનો? ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડા લઈને નીકળી પડેલા લોકો સામે ભારત સરકારનું સૌથી મોટું પગલું
Team VTV12:57 PM, 24 Mar 23
| Updated: 01:07 PM, 24 Mar 23
19 માર્ચે લંડનમાં ભારતીય દૂતાવાસ ખાતે થયેલા વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી છે.
લંડનમાં ભારતીય દૂતાવાસ ખાતે પ્રદર્શનનો મામલો
વિરોધ પ્રદર્શન મામલે દિલ્હી પોલીસ એક્શનમાં
ગૃહ મંત્રાલયના નિર્દેશ પર કરી આ કાર્યવાહી
ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ પંજાબ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. અત્યાર સુધીમાં તેના 150થી વધુ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આના વિરોધમાં 19 માર્ચે લંડન ખાતે આવેલા ભારતીય દૂતાવાસમાં થયેલા વિરોધ-પ્રદર્શન મામલે દિલ્હી પોલીસે ફરિયાદ નોંધી છે. દિલ્હી પોલીસે ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આ કાર્યવાહી કરી છે.
લંડનમાં ખાલિસ્તાનીઓએ કર્યો હતો વિરોધ
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 19 માર્ચે લંડન સ્થિત ભારતીય દૂતાવાસ (હાઈ કમિશન)ની ટોચ પર લહેરાઈ રહેલો ત્રિરંગો કેટલાક પ્રદર્શનકારીઓએ ઉતારી લીધો હતો અને ત્યાં ખાલિસ્તાની ધ્વજ ફરકાવી દીધો હતો. આ સાથે તેઓએ ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા, જેના કારણે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. દૂતાવાસ ખાતે કરાયેલા વિરોધ પ્રદર્શનમાં કેટલાક ભારતીય નાગરિકતા ધરાવતા લોકો પણ સામેલ હતા.
દિલ્હી પોલીસે નોંધ્યો કેસ
તેઓએ જણાવ્યું કે, આ મામલે આ લોકો વિરુદ્ધ દિલ્હી પોલીસે IPC, UAPA, PDPP હેઠળ કેસ નોંધ્યો છે. સ્પેશિયલ સેલે તપાસ શરૂ કરી છે. તેઓએ જણાવ્યું કે, આ પ્રદર્શન અને તોડફોડમાં સામેલ ભારતના નાગરિક જ્યારે ભારત પરત આવશે, ત્યારે તેમની ધરપકડ સહિતની કાર્યવાહી કરાશે.
અજનલા પોલીસ સ્ટેશન પર કર્યો હતો હુમલો
અમૃતપાલે તેના સમર્થકો સાથે ફેબ્રુઆરીમાં અજનલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ દરમિયાન 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. અમૃતપાલ તેના તુફાન સિંહને છોડાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તુફાન સિંહની પોલીસે અપહરણ અને મારપીટના કેસમાં ધરપકડ કરી હતી. આ પછી પોલીસે અમૃતપાલની ધરપકડ કરવાની યોજના બનાવી હતી. 18 માર્ચે પોલીસે અમૃતપાલને પકડવા માટે સાત જિલ્લાની પોલીસ ટીમ બનાવી હતી. આમ છતાં અમૃતપાલ ભાગવામાં સફળ રહ્યો.
વિદેશી ફંડિંગના મળ્યા પુરાવા
તપાસમાં લાગેલી પંજાબ પોલીસને અમૃતપાલને વિદેશી ફંડિંગ મળ્યાના પુરાવા મળ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે અમૃતપાલના પરિવાર અને નજીકના સહયોગીઓને 158 ભારતીય અને વિદેશી બેંક ખાતાઓમાંથી ફંડિગ થયું છે. 5 બેંક ખાતામાંથી 5 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા છે. બીજી તરફ અમૃતપાલના ફાયનાન્સર જલજીત સિંહને છેલ્લા બે વર્ષમાં 35 કરોડ રૂપિયા મળ્યા છે. હવે આ ખાતાઓની તપાસ માટે કપૂરથલા, અમૃતસર, તરનતારન, ગુરદાસપુર અને જલંધરની પોલીસ અને સિવિલ અધિકારીઓની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે. આ સિવાય એજન્સીઓ કથિત હવાલા લેવડ-દેવડમાં સામેલ કેટલાક બિઝનેસમેન અને આંતરરાષ્ટ્રીય મની ટ્રાન્સફર બિઝનેસ સાથે સંકળાયેલા અડધો ડઝન લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
8 રાજ્યોમાં એલર્ટ
પંજાબ પોલીસ અમૃતપાલને શોધી રહી છે. તે દેશના જ કોઈ ખુણામાં છુપાયો હોવાની આશંકા છે. આવી સ્થિતિમાં પંજાબ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમૃતપાલ આમાંથી કોઈપણ રાજ્યમાં છુપાયો હોવાની શક્યતા છે. છેલ્લી વાર તેનું લોકેશન હરિયાણામાં મળ્યું હતું. આવી સ્થિતિમાં પંજાબ પોલીસ આ રાજ્યોની પોલીસની પણ મદદ લઈ રહી છે. અમૃતપાલ વિદેશ ભાગી ન જાય તે માટે પાકિસ્તાન અને નેપાળને અડીને આવેલી બોર્ડર પર BSF અને SSBને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.