બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આજથી 23 વર્ષ પહેલા..5 આતંકીઓએ 42 મિનિટ સુધી સંસદમાં ઘૂસી કર્યો હતો ગોળીબાર, દ્રશ્યો આંખ સામે તર્યા
Last Updated: 10:05 AM, 13 December 2024
ભારતે આઝાદી મેળવવા માટે ઘણા બલિદાન આપ્યા છે. ત્યારે આઝાદી મળ્યા પછી પણ બલિદાનો પર પૂર્ણવિરામ તો નથી જ લાગ્યું. પહેલા અંગ્રેજોની ગોળીઓથી દેશભક્તોના બલિદાન થયા, જયારે હવે દેશના દરેક લોકો આતંકીઓના નિશાના પર છે. દેશ પર કેટલાય આતંકી હુમલાઓ થયા છે, જેમાંથી એક છે કે 23 વર્ષ પહેલા આજના જ દિવસે દેશની સંસદ પર થયેલો હુમલો. જેમાં 9 જવાનો શહીદ થયા, 16 ઘાયલ થયા. પણ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુને ફાંસી આપવામાં 11 વર્ષ લાગી ગયા હતા.
ADVERTISEMENT
13 ડિસેમ્બર 2001ના દિવસે દેશની રાજધાની દિલ્હીમાં સંસદ ભવન પર થયેલા હુમલાને આજે 23 વર્ષ થઈ ગયા છે. દિલ્હીમાં સંસદ ભવન પર લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સંસદભવનમાં ઘૂસવા માટે આતંકવાદીઓએ એક કારનો ઉપયોગ કર્યો હતો જેના પર ગૃહ મંત્રાલય અને સંસદના સ્ટીકરો લાગ્યા હતા. હુમલા સમયે સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું અને મોટી સંખ્યામાં સંસદ સભ્યો ગૃહમાં હાજર હતા. AK-47 રાઈફલ્સ, ગ્રેનેડ લોન્ચર અને હેન્ડ ગ્રેનેડથી સજ્જ આ આતંકવાદીઓએ સંસદ ભવન સંકુલમાં લાંબા સમય સુધી ગોળીબાર કર્યો, પરંતુ દેશના બહાદુર સુરક્ષા જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આ આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી હતી. પાંચેય આતંકવાદીઓ સંસદમાં ઘૂસી શકે તે પહેલા જ માર્યા ગયા હતા. જ્યારે પાંચ જવાનો, એક મહિલા કોન્સ્ટેબલ અને બે સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.
ADVERTISEMENT
ભારતીય લોકશાહી પર હુમલો
13 ડિસેમ્બર 2001ના રોજ સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. સદનમાં કોઈ મુદ્દે હોબાળો થયા બાદ કાર્યવાહી ચાલીસ મિનિટ માટે સ્થગિત કરી દેવામાં આવી. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિપક્ષના નેતા સોનિયા ગાંધી સહિત કેટલાક સાંસદો તેમના નિવાસસ્થાને જવા રવાના થઈ ગયા હતા. પરંતુ સંસદ ભવનમાં ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન, કેટલાક વરિષ્ઠ મંત્રીઓ, કેટલાક વરિષ્ઠ પત્રકારો અને બસોથી વધુ સાંસદો હાજર હતા. ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંત સંસદથી નીકળવાના જ હતા એટલે તેમના માટે ગાડીઓ દરવાજા પર જ લાઈનમાં ઉભી હતી. અચાનક જ 5 આતંકવાદીઓએ સંસદ પર હુમલો કરી દીધો. આતંકીઓ એક કારમાં આરડીએક્સ અને આધુનિક બંદૂકો લઈને સંસદભવનમાં ઘૂસી ગયા હતા. કાર પર લાલ બત્તી લાગી હતી, ગૃહ મંત્રાલયનું સ્ટીકર અને તેના પર કેટલીક VIP જેવી સ્લિપ પણ લાગી હતી. જેને લીધે સંસદ ચેકપોસ્ટ પર તેમને કોઈ સમસ્યા ન આવી. આ કાર સવારે 10:45 વાગ્યે સંસદ ભવનમાં ઘૂસી હતી. આતંકીઓ ખૂબ જ સરળતાથી ગેટ નંબર 11 પર પહોંચી ગયા હતા.
અહીંથી આતંકીઓ સીધા એ ગેટ તરફ જઈ રહ્યા હતા જ્યાં ઉપરાષ્ટ્રપતિને બહાર નીકળવા માટે વાહનોની લાઈન લાગી હતી. પરંતુ જેવી જ આ કાર સંસદ ભવનનાં ગેટ નંબર 11 પર પહોંચી કે ત્યાં તૈનાત મહિલા ASIએ કારને રોકવા ઈશારો કર્યો, પણ કાર અટકી નહીં. જેથી આ કાર પર શંકા જતા મહિલા કોન્સ્ટેબલે સીટી મારી, જેને લીધે સુરક્ષા દળો સક્રિય થયા. સેકન્ડોમાં જ સુરક્ષા દળોની સીટીઓ વાગવા લાગી, વાયરલેસનો અવાજ ગુંજવા લાગ્યો. આતંકવાદીઓએ વાહનની સ્પીડ વધારી દીધી. આતંકીઓનો સાંસદોને બંધક બનાવવાનો ઈરાદો હતો. પરંતુ સુરક્ષાદળોની સતર્કતા અને તેમને ઘેરી લેવાના પ્રયાસને કારણે તેમની કારના ડ્રાઈવરનું ધ્યાન ભટકાયું અને આતંકવાદીઓની આ કાર અંદરના ગેટ પર ઉપરાષ્ટ્રપતિના જવા માટે લાઇનમાં ઊભેલી એક કાર સાથે અથડાઈ.
ગોળીઓ ચલાવતા સંસદમાં ઘૂસ્યા
આતંકવાદીઓએ ફાયરિંગ કરીને સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. આતંકીઓ ગોળીઓ ચલાવવા લાગ્યા. જે સુરક્ષા દળો તેમને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના પર આતંકીઓએ ગોળીબાર કર્યો. આતંકીઓના ગોળીબારના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. આખું સંસદ ભવન ગોળીબારના અવાજથી ગુંજી ઉઠ્યું હતું. પાંચેય આતંકીઓના હાથમાં એકે 47 રાઈફલ અને હેન્ડ ગ્રેનેડ હતા. એક આતંકીએ ગેટ નંબર 1થી ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ ન થઈ શક્યો. સુરક્ષા દળોએ તેને ત્યાં જ મારી નાખ્યો. તેના શરીર પર બોમ્બ બાંધ્યો હતો, જે તેના પડતાની સાથે જ બ્લાસ્ટ થઈ ગયો.
ત્રીસ કિલો આરડીએક્સ લઈને આવ્યા હતા આતંકવાદીઓ
આ બ્લાસ્ટથી થયેલા ધુમાડાનો ફાયદો ઉઠાવીને અન્ય ચાર આતંકવાદીઓએ ગેટ નંબર 4થી ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ ગોળીબાર શરૂ કરી દીધો. જેના કારણે ત્રણ આતંકીઓ ગેટ સુધી પહોંચે તે પહેલા જ માર્યા ગયા. છેલ્લો પાંચમો આતંકવાદી ગેટ નંબર પાંચ તરફ ભાગ્યો, પરંતુ સુરક્ષા દળો સતર્ક હતા. તેને પણ ઠાર કરી દેવામાં આવ્યો. જે કારમાં આતંકીઓ આવ્યા હતા તેમાં ત્રીસ કિલો આરડીએક્સ રાખવામાં આવ્યું હતું. છેલ્લા આતંકવાદીએ કારમાં વિસ્ફોટ કરવાનો પ્રયાસ કર્યો, પહેલા ગોળીબાર કર્યો અને પછી ગ્રેનેડ ફેંકવાનો પ્રયાસ કર્યો. પણ તે સફળ ન થયો.
જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હતા આતંકવાદીઓ
આ તમામ આતંકીઓ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના હતા. માહિતી અનુસાર, માર્યા ગયેલા પાંચ આતંકીઓમાં હમજા, હૈદર ઉર્ફે તુફૈલ, રાણા, રણવિજય અને મોહમ્મદનો સમાવેશ થાય છે. આ હુમલામાં મૌલાના મસૂદ અઝહર, ગાઝી બાબા ઉર્ફે અબુ જેહાદી અને તારીક અહમદ પણ સામેલ હતા. તપાસ દરમિયાન આ હુમલાના માસ્ટર માઈન્ડના નામ પણ બહાર આવ્યા હતા. મોહમ્મદ અફઝલ ગુરુ, શૌકત હુસેન (અફઝલ ગુરુના પિતરાઇ) એસ.આર. ગિલાનીની સાથે આ હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ હતી. આ આતંકવાદીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી. અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરી, 2013 ના રોજ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી.
આ પણ વાંચો: એક પણ ભારતીય શુદ્ધ હવા નથી લઈ રહ્યો!, પ્રદૂષણ પર ડરામણો રિપોર્ટ, દર વર્ષે આટલા મોત
9 ભારતીય જવાનો થયા હતા શહીદ
સંસદ ભવન પર થયેલા આ હુમલાની વિશ્વભરમાં પ્રતિક્રિયા જોવા મળી હતી. આતંકીઓ તૈયાર થઈને આવ્યા હતા. આ યોજના ભારતીય સાંસદોને બંધક બનાવીને તેમની કેટલીક શરતો પૂરી કરવા દબાણ કરવા અને કારમાં RDX વિસ્ફોટ કરીને આખી સંસદને ઉડાવી દેવાની હતી. પરંતુ સુરક્ષા દળોની સતર્કતા અને રણનીતિના કારણે તેઓ સફળ થઈ શક્યા નહીં. આ હુમલામાં સુરક્ષા દળોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને સંસદની સુરક્ષા કરી અને કોઈ મોટું નુકસાન થાય તે પહેલા જ પાંચ આતંકવાદીઓને મારી નાખ્યા. આ આતંકી હુમલામાં કુલ 9 ભારતીય જવાનો શહીદ થયા હતા. સંસદીય સુરક્ષાના બે સુરક્ષા સહાયકો, જગદીશ પ્રસાદ યાદવ અને માતબર સિંહ નેગી, દિલ્હી પોલીસના પાંચ સુરક્ષાકર્મીઓ, નાનક ચંદ, રામપાલ, ઓમપ્રકાશ, બિજેન્દ્ર સિંહ અને ઘનશ્યામ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળની એક મહિલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી અને CPWDના એક કર્મચારી દેશરાજનો સમાવેશ થાય છે. આ સિવાય 16 જવાનો ઘાયાલ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.