બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 PM, 17 September 2024
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન મળ્યા બાદ સીએમ પદ પરથી રાજીનામું આપવાની મોટી જાહેરાત કરી હતી. 15 સપ્ટેમ્બરે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે તેઓ 17 સપ્ટેમ્બર સુધીમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દેશે. ત્યારે દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. દરમિયાન, હવે દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ સામે આવી ગયું છે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામને મંજૂરી આપવા માટે આજે સવારે 11.30 વાગ્યે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. જેમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીના નામ પર મહોર લગાવી દેવામાં આવી હતી. ત્યારે ચાલો જાણીએ કોણ છે આતિશી માર્લેના.
ADVERTISEMENT
કોણ છે આતિશી માર્લેના
ADVERTISEMENT
દિલ્હીના નવા મુખ્યમંત્રી પદની રેસમાં આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાનું નામ સૌથી હતું. હાલમાં તે કેજરીવાલ પછી સરકારમાં બીજા સૌથી શક્તિશાળી મંત્રી છે. આતિશી હાલમાં દિલ્હી કેબિનેટમાં પાંચ મુખ્ય પોર્ટફોલિયો ધરાવે છે. તે દિલ્હીમાં શિક્ષણ, મહિલા અને બાળ કલ્યાણ, સંસ્કૃતિ, પર્યટન અને જાહેર બાંધકામ વિભાગના મંત્રી છે. આ સાથે તેમની પાસે પાણી અને PWDનો પોર્ટફોલિયો પણ છે. એટલું જ નહીં, આતિશી સીએમ કેજરીવાલના વિશ્વાસુ સહયોગી હોવાનું પણ કહેવાય છે. તેથી સીએમ પદ માટે તેમની પસંદગી થઈ હોવાનું માનવામાં આવે છે.
આતિશી માર્લેના
આતિશી માર્લેનાનો જન્મ દિલ્હીમાં 8 જૂન 1981ના રોજ દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર વિજય સિંહ અને ત્રિપતા વાહીના ઘરે થયો હતો. તે પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. કેટલાક લોકો કહે છે કે તેમના પિતાએ તેમને આતિશી માર્લેના નામ આપ્યું હતું. 'માર્ક્સ' અને 'લેનિન'માંથી લીધેલા કેટલાક અક્ષરોને જોડીને તેમણે આ નામ પસંદ કર્યું હતું. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, આતિશીએ તેના નામમાંથી માર્લેના શબ્દ કાઢી નાખ્યો કારણ કે તેનાથી તેઓ ખ્રિસ્તી હોવાનો ભ્રમ થતો હતો. જો કે, પંજાબી રાજપૂત પરિવારમાં જન્મેલી આતિશી હવે સોશિયલ મીડિયા પર પોતાનું નામ આતિશી આપ લખે છે.
આતિશીના શિક્ષણ વિશે વાત કરીએ તો, તેનું સ્કૂલિંગ નવી દિલ્હીના પુસા રોડ પર આવેલી સ્પ્રિંગડેલ્સ સ્કૂલમાં થયું હતું. તેમણે વર્ષ 2001માં દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી આગળનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કરીને ભારત પરત ફર્યા બાદ, આતિશીએ આંધ્રપ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાં થોડો સમય કામ કર્યું અને બિન-સરકારી સંસ્થા, સંભાવના ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક પોલિસી સાથે પણ જોડાયેલી હતી.
આ રીતે શરૂ થઈ રાજકીય સફર
આતિશી માર્લેનાએ જાન્યુઆરી 2013માં પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આતિશી આમ આદમી પાર્ટીની સ્થાપના સમયે જ તેમાં જોડાઈ ગઈ હતી. સમય પસાર થવા સાથે, આતિશી પાર્ટીના સખત મહેનતી અને શક્તિશાળી ચહેરા તરીકે ઉભરી આવી. તે વિધાનસભા ચૂંટણી 2013 માટે પાર્ટીની મેનિફેસ્ટો ડ્રાફ્ટિંગ કમિટીની મુખ્ય સભ્ય હતી. આ ઉપરાંત, તેમણે ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવી છે.
આ પણ વાંચો: હવે આતિશી દિલ્હીના નવા CM, વિધાયક દળની બેઠકમાં લેવાયો અંતિમ નિર્ણય
સિસોદિયાના સલાહકાર તરીકે પણ કરી ચુકી છે કામ
આતિશીનું માનવું છે કે તેના નામ પર ધ્યાન આપવાને બદલે લોકો તેને તેના કામથી જજ કરે તો સારું રહેશે. કાલકાજીથી AAP ધારાસભ્ય, આતિશીએ પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્ય હોવા ઉપરાંત ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. તેમણે જુલાઈ 2015 થી એપ્રિલ 2018 સુધી દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે કામ કર્યું અને દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણને સુધારવા માટે ઘણી યોજનાઓ પર કામ કર્યું. તેઓ AAP પ્રવક્તા તરીકે લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.
2019ની લોકસભા ચૂંટણીમાં AAPએ તેમને પૂર્વ દિલ્હીથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ આતિશીને ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, આતિશી માર્લેના સિંહે 2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી કાલકાજી મતવિસ્તારથી લડી હતી અને ભાજપના ઉમેદવારને હરાવીને મોટી જીત મેળવી હતી. આ ચૂંટણી બાદ તેમને AAPના ગોવા યુનિટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.