Team VTV04:07 PM, 14 Jan 20
| Updated: 04:50 PM, 14 Jan 20
ભીમ આર્મીનાં પ્રમુખ ચંદ્રશેખરની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હીની તીસ હજારી કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી છે. જામા મસ્જિદની પાસે દરિયાગંજ વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન લાઠીચાર્જને લઈને કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી છે.
ચંદ્રશેખરની જામીન અરજી પર વધુ સુનાવણી હવે બુધવારે
20 ડિસેમ્બરે જામા મસ્જિદ પર વિરોધ પ્રદર્શન કરવાનો સમગ્ર મામલો
કોર્ટે દિલ્હી પોલીસને આકરાં શબ્દોમાં કરી ટકોર
અદાલતે કહ્યું કે લોકો કોઈ પણ જગ્યાએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકે છે. જામા મસ્જિદ કંઈ પાકિસ્તાનમાં નથી કે ત્યાં પ્રદર્શન ન કરી શકાય જોકે શાંતિપૂર્ણ પ્રદર્શન તો પાકિસ્તાનમાં પણ થાય છે. અદાલતે પોલીસને કહ્યું કે કયા કાયદામાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધાર્મિક સ્થળની સામે વિરોધ પ્રદર્શન કરી શકાય નહિ.
અદાલતે તિહાડ જેલમાં બંધ ભીમ આર્મીનાં ચંદ્રશેખરની જામીન અરજી પર આજે જે સુનાવણી થવાની હતી તે હવે બુધવારે કરવામાં આવશે. અદાલતે કહ્યું કે આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કારણ કે સહારનપુરમાં તેમના વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર લાવવામાં પોલીસને સમય મળી શકે. જજે ખુબ આકરા શબ્દોમાં કહ્યું કે 'ચંદ્રશેખર એક નેતા છે અને તે પ્રદર્શન કરી રહ્યા છે તો તેમાં ખોટું શું છે. મેં તો ઘણા એવા મામલા પણ જોયા છે જેમાં લોકો સંસદની બહાર પ્રદર્શન કરી રહ્યા છે.'
જામા મસ્જિદમાં થયું હતું પ્રદર્શન
નોંધનીય છે કે 20મી ડિસેમ્બરે નાગરિકતા કાયદાનો વિરોધ દિલ્હીમાં કરવામાં આવી રહ્યો હતો. જેમાં જામા મસ્જિદની બહાર લોકો એકઠા થયા હતા. ભીમ આર્મીનાં ચંદ્રશેખર ભીડનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેમાં હિંસા ભડકી અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સમર્થકોથી ઘેરાયેલા ચંદ્રશેખરને પોલીસ પકડી ન શકી અને તે ત્યાંથી ભાગી નીકળ્યા. જે બાદ ચંદ્રશેખર આઝાદની પોલીસે જામા મસ્જિદથી ધરપકડ કરી હતી.