દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર ચરમસીમા પર છે. ભાજપ-આપ-કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં જંગ છે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ સર્વે સામે આવી રહ્યા છે. આ સર્વે ભારતીય જનતા પાર્ટીનું ટેન્શન વધારી શકે છે. જયારે હાલના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ફરી દિલ્હીની રાજગાદી પર બેસે તેવા સંકેત આ સર્વેમાં દેખાઈ રહ્યા છે.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની આંધીઃ 54થી 60 બેઠક મળવાની સંભાવના
ઓપિનિયન પોલ અનુસાર ભાજપ 10-14 બેઠક પર જીત મેળવી શકે છે
કોંગ્રેસ માંડ બે બેઠક જીતે તેવી શક્યતા
લોકસભામાં મોદી અને વિધાનસભામાં કેજરીવાલ છે લોકોની પસંદ
દિલ્હીમાં ફરી એક વાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં સરકાર બની શકે છે. ટાઈમ્સ નાઉ-આઇપીએસઓએસના ઓપિનિયન પોલ અનુસાર આમ આદમી પાર્ટી (આપ) દિલ્હીમાં ખૂબ જ મજબૂત છે અને તેને આ વિધાનસભા ચૂંટણીમાં 54 થી 60 બેઠકો મળી શકે છે. બીજી તરફ ભાજપને 10-14 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. ઓપિનિયન પોલમાં કોંગ્રેસને ફક્ત બે બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. પોલ અનુસાર જો આજના દિવસે દિલ્હીમાં લોકસભા ચૂંટણી યોજાય તો ભાજપ તમામ સાત બેઠક જીતી શકે છે.
દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીને ખોબલે ખોબલે મત મળે તેવી શક્યતા
આમ આદમી પાર્ટીને ૫૨ ટકા મત મળવાનો અંદાજ પોલમાં વ્યક્ત કરાયો છે, જ્યારે ભાજપને ૩૪ ટકા મત મળી શકે છે. જો ઓપિનિયન પોલના અંદાજ બેઠકોમાં ફેરવાય છે તો આપ ૬૦ બેઠક સુધી પહોંચી શકે છો, જોકે ૨૦૧પની ચૂંટણીની સરખામણીએ આપના વોટ શેરમાં ૨.૫ ટકાનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે ભાજપને પણ ૧.૭ ટકા મતનું નુકસાન થતું દેખાય છે.
લોકસભા માટે હજુ મોદી છે પહેલી પસંદ
જો હાલ લોકસભાની ચૂંટણીઓ યોજવામાં આવે તો ભાજપને ૪૬ ટકા મત મળી શકે છે, જ્યારે આપને ૩૮ ટકા મત મળી શકે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદ માટે સૌથી વધુ લોકપ્રિય ઉમેદવાર છે. પોલ અનુસાર ૭૫ ટકા મત સાથે મોદી પીએમપદની પહેલી પસંદગી છે, જ્યારે રાહુલ ગાંધી આઠ ટકા લોકોની પસંદગી સાથે બીજા ક્રમે છે.નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) અંગે પૂછવામાં આવેલા સવાલ પર ૭૧ ટકા લોકોનું માનવું હતું કે કેન્દ્ર સરકારે એકદમ યોગ્ય પગલું ભર્યું છે. આ ઉપરાંત ૫૨ ટકા લોકો શાહીનબાગ ધરણાંની વિરુદ્ધમાં છે, જ્યારે ૨૫ ટકા લોકો પ્રદર્શનકારીઓના સમર્થનમાં દેખાયા હતા. બાકીના ૨૪ ટકા લોકોએ આ મુદ્દે પોતાનો કોઈ અભિપ્રાય આપ્યો નથી.
બીમાર હોવાના કારણે સોનિયાની કાલની રેલી રદ થાય તેવી શક્યતા
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની આવતી કાલે ૫ ફેબ્રુઆરીએ યોજાનારી રેલી રદ થઈ શકે છે, કારણ કે છેલ્લા થોડા સમયથી સોનિયા ગાંધી બીમાર છે.દિલ્હી વિધાનસભા ચૂંટણીના રણમેદાનમાં આજે પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના એક ડઝનથી વધુ દિગ્ગજ નેતાઓ રેલી, જાહેર સભા અને રોડ શો દ્વારા તેમના પક્ષના ઉમેદવારો માટે મત માંગશે. પીએમ મોદી આજે દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક રેલીને સંબોધિત કરશે.