ગાંધીનગર /
BIG NEWS : ગુજરાતમાં જંત્રી દરોમાં બમણો વધારો, સોમવારથી અમલ, દસ્તાવેજો માટે ચુકવવી પડશે બમણી ફી
Team VTV08:45 PM, 04 Feb 23
| Updated: 09:00 PM, 04 Feb 23
સમગ્ર રાજ્યમાં સોમવારથી જંત્રી બમણો કરવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
ગુજરાતમાં જંત્રી બમણો કરવાનો નિર્ણય
સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ
એડહોક ધોરણે અમલમાં રહેશે નવી જંત્રી
ગુજરાતમાં જંત્રીને લઈ મોટો નિર્ણય લેવાયો છે. ભૂપેન્દ્ર સરકારે રાજ્યમાં જંત્રી દરમાં બમણો વધારો કર્યો છે. સમગ્ર રાજ્યમાં સોમવારથી આ અમલ થશે. એડહોક ધોરણે નવી જંત્રી અમલમાં રહેશે. તેમજ રાજ્યમાં સર્વે સહિતની કામગીરી ચાલુ રહેશે.
રાજ્યમાં બાર વર્ષ બાદ જંત્રીમાં થયો વધારો
મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો મેળવવા તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. જે બાદ સરકાર દ્વારા રાજ્યમાં જંત્રીમાં બમણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી હતી જેની આજે અમલવારી કરી દેવામાં આવી છે. જે અમલમાં સોમવારથી આવશે.
જુઓ પરિપત્ર..
જંત્રી એટલે શું?
જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવતા લઘુતમ ભાવને જંત્રી કહેવાય છે. વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી કરાવી શકશો. તેમજ દસ્તાવેજ એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી તે નક્કી થઇ શકે છે. કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ જ્યારે અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ?
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી થાય છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે. ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે, ફ્લેટ. પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય તો જંત્રી રેટ ઉંચો હોય છે. હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે
જંત્રીની ફોર્મ્યૂલા
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે, જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે. બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં વર્ષ 2006માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ 2008માં થયો હતો અને 2011માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી હતી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.