Decision taken by Surat Traffic Police Department for Board students
સરાહનીય પહેલ /
ટ્રાફિક પોલીસ વિભાગે બોર્ડના વિદ્યાર્થીઓ માટે લીધો એવો નિર્ણય, જાણીને ખરેખર કરશો પ્રશંસા
Team VTV10:53 AM, 12 Mar 23
| Updated: 10:57 AM, 12 Mar 23
સુરતમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાશે તો પોલીસ કરશે મદદ, ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીઓને બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે.
સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય પહેલ
ટ્રાફિકમાં અટવાતા બોર્ડના વિદ્યાર્થીની કરાશે મદદ
ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો
આગામી 14 માર્ચથી શરૂ થઈ રહેલી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાશે તો ટ્રાફિક પોલીસ અને ટી.આર.બીના જવાનો આ વિદ્યાર્થીઓની મદદ કરશે. ટ્રાફિકમાં અટવાયેલા ટ્રાફિક પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. આ અંગેનો નિર્ણય સુરતના ટ્રાફિક DCP અનિતા વાનાણી દ્વારા લેવામાં આવ્યો છે.
ટ્રાફિક DCP અનિતા વાનાણીનો નિર્ણય
સુરત શહેરમાં વર્તમાન સમયમાં મેટ્રોની કામગીરીને ચાલી રહી છે. જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. રાજમાર્ગ ઉપર ભાગળ, ઝાંપાબજાર ખાતે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને સુરતના ટ્રાફિક DCP અનિતા વાનાણી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
TRB જવાબનો ખડેપગે બજાવશે ફરજ
વિદ્યાર્થીઓને પેપર આપવા જતી વખતે ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે શહેરમાં ટીઆરબી જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે. સાથે જ ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય તે માટે ટ્રાફિકના 18 અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. બોર્ડની પરીક્ષા દરમિયાન ટીઆરબીના 78 જવાનો ખડેપગે ફરજ બજાવશે.
હેલ્પલાઈન નંબર પણ જાહેર
આ ઉપરાંત DCP અનિતા વાનાણી દ્વારા ટ્રાફિક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. હેલ્પલાઇન નંબર 7434095555 ઉપર ફોન કરીને વિદ્યાર્થીઓ મદદ માગી શકશે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા જતી વખતે ટ્રાફિકમાં ફસાય છે, તો ટ્રાફિકમાં અટવાયેલા વિદ્યાર્થીને ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક પર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે.
ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજ્યભરમાં આગામી તા.14મી માર્ચના રોજથી ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ધોરણ-10માં 9.56 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.10 લાખ વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 5.65 લાખ વિદ્યાર્થીઓ પ્રથમ વખત પરીક્ષા આપશે. રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા માટે 958 કેન્દ્રો જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે 525 જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 140 કેન્દ્રો પર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે લેવામાં આવશે.
14મી માર્ચથી શરૂ થશે બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14મી માર્ચથી 28મી માર્ચ સુધી ચાલશે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 29મી માર્ચ સુધી ચાલશે તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14મી માર્ચથી 25મી માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.