જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું
આગામી મંગળવારથી 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
કોરોના સંક્રમણને લઇ પાટણ જિલ્લામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. પાટણ જિલ્લામાં 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આગામી મંગળવારથી 7 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન લગાવ્યું છે. લોકોને તૈયારી માટે 2 દિવસનો સમય પણ તંત્રએ આપ્યો છે. કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
કલેક્ટર, જિલ્લા SP, વેપારી અને તબીબો સાથે આજે બેઠક મળી હતી. જિલ્લામાં સતત સંક્રમણ વધતા આ નિર્ણય તાત્કાલિકરૂપે લેવાયો છે. જો કે, લોકડાઉનના સમયમાં પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે.
ગઈકાલે પાટણના સિદ્ધપુરમાં માતૃગયા તીર્થના મુક્તિધામનો વીડિયો સામે આવ્યો હતો. જ્યાં મુક્તિધામમાં મૃતદેહની લાઈનો લાગી હતી. અને સતત થતા અગ્નિસંસ્કારને કારણે ભઠ્ઠી પણ બળી ગઈ હતી. 24 કલાક સતત મૃતદેહના અગ્નિસંસ્કાર થતાં ભઠ્ઠી રાખ થઈ ગઈ હતી. અગ્નિસંસ્કાર માટે ભઠ્ઠીઓ ઓછી પડતા નદીના પટમાં જ અંતિમવિધિ થઈ રહી છે. સિદ્ધપુરના વિખ્યાત સરસ્વતી સ્મશાનમાં અગ્નિદાહને લઈ અવ્યવસ્થાની સ્થિતિનું નિર્માણ ઉભું થયું હતું
મુક્તિધામના ટ્રસ્ટીની કબૂલાત છે કે, રોજ 60થી વધુ મૃતદેહના અગ્નિસંસ્કાર થઈ રહ્યા છે. સામાન્ય દિવસોમાં સિદ્ધપુર મુક્તિધામમાં રોજના 20થી 25 મૃતદેહ આવે છે. હાલ રોજ 15 જેટલા મૃતદેહની કોરોના ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધિ કરાતી હોવાનો સ્વિકાર કર્યો છે.
મહત્વનું છે કે 15 એપ્રિલે પાટણમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે પાટણ નગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ આગામી 16 એપ્રિલ સુધીમાં દરેક વેપારીઓ તેમજ સુપર સ્પ્રેડરમાં આવતા તમામ વ્યક્તિઓએ ફરજિયાત કોવિડની રસી લેવાની રહેશે. 16 એપ્રિલ બાદ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. જે દરમિયાન કોરોનાની રસી મૂકાવનારે પ્રમાણપત્ર બતાવવાનું રહેશે. અને ત્યાર બાદ જ ધંધા રોજગાર માટે મંજૂરી આપવામાં આવશે. જ્યારે જેમણે રસી નહીં લીધી હોય તેમને ધંધા રોજગાર માટે મંજૂરી આપવામાં આવશે નહીં.