Mehsana News: મહેસાણાના કડીમાં ગર્ભવતી મહિલા અને બાળકના મોત અંગે ખુલાસો, મહિલાની અગાઉ 2 સિઝેરિયન ડિલિવરી છતાં ત્રીજી ડિલિવરી કરાવી નોર્મલ, આયુર્વેદ ડોક્ટરની બેદરકારીના કારણે થયું હતું મહિલા અને બાળકનું મોત.
કડીની પારુલ નર્સિંગ હોસ્પિટલનો મામલો
ત્રણ માસ અગાઉ ગર્ભવતી મહિલા અને બાળકનું થયું હતું મોત
આયુર્વેદ ડોક્ટરની મુર્ખામીના કારણે થયું હતું મોત
ગાયનેક ડોક્ટર હર્ષિલ પટેલ સામે ફરિયાદ
Mehsana News: મહેસાણાના કડીમાં ગર્ભવતી મહિલા અને બાળકના મૃત્યુ અંગે ખુલાસો થયો છે. માતા-બાળકના મોત મામલે કડી પોલીસ સ્ટેશનમાં ગાયનેક ડૉક્ટર હર્ષિલ પટેલ સામે ત્રણ માસ બાદ ફરિયાદ નોંધાઈ છે. તો આયુર્વેદ ડૉક્ટર ઇસરતબેન સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ગર્ભવતી મહિલાની સારવારમાં બેદરકારી દાખવવા બદલ ડૉ. હર્ષિલ પટેલનું લાયસન્સ 6 માસ માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
ફાઈલ તસવીર
ડોક્ટરની બેદરકારીના કારણે મહિલા અને બાળકનું મોત
કડીની પારુલ નર્સિંગ હોસ્પિટલમાં માતા-બાળકના મોત મામલે મોટો ખુલાસો થયો છે. કડીની ગર્ભવતી મહિલા ડિલિવરી માટે પારુલ નર્સિંગ હોસ્પિટલમાં ખાતે દાખલ થઈ હતી. જ્યાં હોસ્પિટલના તબીબે ગેરહાજર રહી આયુર્વેદ ડોક્ટર પાસે ડિલિવરી કરાવી હતી. મહિલાની અગાઉ 2 સિઝેરિયન ડિલિવરી છતાં ત્રીજી ડિલિવરી નોર્મલ કરાવતા મહિલાની તબિયત લથડી હતી. દર્દીની હાલત ગંભીર થતાં તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હોસ્પિટલમાં વહેલી સવારે દર્દીને મૃત્ત જાહેર કરાયા હતા. આયુર્વેદ ડોક્ટરની બેદરકારીના કારણે મહિલા અને બાળકનું મોત થયું હતું. આ મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ થતાં દર્દીને ઇમરજન્સીમાં દાખલ કર્યા પછી સિઝેરિયન ઓપરેશન કરાયું હોત તો મોત અટકાવી શકાયું હોત તેવા એક્સપર્ટ કમિટીના અભિપ્રાય સહિતના પુરાવા આધારે ડૉ. હર્ષિલ પટેલનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
કડીના વિકાસ ગંભીરની પત્ની લક્ષ્મીબેન ત્રીજીવાર ગર્ભવતી થતાં ડૉ. હર્ષિલ પટેલ પાસે સારવાર માટે ગયા હતા. જ્યાં અગાઉ બંને બાળકો સિઝેરિયનથી થયેલા હોવાથી ત્રીજું બાળક પણ સિઝરિયનથી જ થશે તેમ કહ્યું હતું. ગત 25 જૂને લક્ષ્મીબેનને પ્રસૂતિની પીડા ઉપડતા તેઓને કડીની પારુલ નર્સિંગ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડૉ. હર્ષિલ પટેલ હાજર નહોતા. જેથી હોસ્પિટલમાં હાજર આયુર્વેદિક ડૉક્ટર ઈસરતે મહિલાની નોર્મલ ડિલિવરી કરાવતાં મહિલાની ગર્ભાશયની કોથળી વધારે પ્રેશરથી ફાટી ગઈ હતી અને બાળક મૃત્યુ થયું હતું. તો લક્ષ્મીબેનની સ્થિતિ ગંભીર થતાં તેઓને ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારાવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.
ફાઈલ તસવીર
એક્સપર્ટ કમિટી કરાઈ હતી રચના
જે બાદ આ મામલે મૃતક લક્ષ્મીબેનના પતિ વિકાસ ગંભીર કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ડોક્ટર સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિષ્ણાંત કમિટીની રચના કરવામાં આવી હતી. જે બાદ નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો કે, જો દર્દીનું સિઝરિયન માટે ઓપરેશન કરાયું હોત તો પ્રતિકૂળ પરિણામોને અટકાવી શકાયા હોત.
ડૉ. હર્ષિલ પટેલનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ
જેથી સ્ટેટ મેડિકલ કાઉન્સિલ દ્વારા નિષ્ણાંતોના અભિપ્રાય સહિતના પુરાવા આધારે ડૉ. હર્ષિલ પટેલનું લાયસન્સ 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આયુર્વેદિક ડોક્ટર ઈસરત સામે પણ પગલાં લેવા આયુર્વેદિક કાઉન્સિલને જાણ કરાઇ છે.