Deadly Corona raised its head again in the city of Ahmedabad
અમદાવાદ /
ટ્રેસિંગમા તંત્રને મળે છે કોરોનાના નવા કેસની માહિતી, હાલમાં મોટા ભાગે હળવાં લક્ષણો
Team VTV11:00 PM, 27 Mar 23
| Updated: 11:02 PM, 27 Mar 23
કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા 40થી 50 જણાનો સંપર્ક કરીને તેમને ટ્રેસ કરાય છે, આ ટ્રેસિંગ દરમિયાન તંત્રના ચોપડે કોરોનાના નવા દર્દી મળી આવે છે.
અમદાવાદા શહેરમાં ઘાતક કોરોનાએ ફરી માથું ઊંચક્યું
પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌધી વધુ દર્દી નોંધાઈ રહ્યાં
અમદાવાદમાં લોકો ખાનગી લેબમાં પણ ટેસ્ટ કરાવી રહ્યા છે
અમદાવાદ શહેરમાં ઘાતક કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. રાજ્યમાં કોરોનાના નોંધાતા કુલ કેસ પૈકી અડધો અડધથી વધુ માત્ર અમદાવાદમાંથી મળે છે. અમદાવાદમાં પણ પશ્ચિમ ઝોન અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌધી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે. જોકે આમાં પણ જે તે કોરોનાના દર્દીના ટ્રેસિંગ દરમિયાન તંત્રને નવા દર્દીની માહિતી મળતી હોવાની વિગત જાણવા મળી છે.
મોટા ભાગના કેસ પશ્ચિમ અમદાવાદના
શહેરમાં આજે કોરોનાના 301 નવા કેસ મળ્યા છે. આ પૈકીના મોટા ભાગના કેસ પશ્ચિમ અમદાવાદના છે. પશ્ચિમ અમદાવાદમાં લોકો ખાનગી લેબમાં પણ ટેસ્ટ કરાવી રહ્યા છે, જ્યારે પૂર્વ અમદાવાદમાં લોકો મ્યુનિ. તંત્રના અર્બન હેલ્થ સેન્ટરમાં થતા કોરોનાના મફત ટેસ્ટિંગનો પણ લાભ લેતા નથી. જે તે અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફના ભારે આગ્રહ બાદ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવે છે. જોકે તેમાં તંત્રને ખાસ દર્દી મળતા નથી.
ટ્રેસિંગ દરમિયાન તંત્રના ચોપડે કોરોનાના નવા દર્દી મળી આવે છે
તંત્ર દ્વારા કોરોનાના દર્દીના સંપર્કમાં આવેલા 40થી 50 જણાનો સંપર્ક કરીને તેમને ટ્રેસ કરાય છે. આ ટ્રેસિંગ દરમિયાન તંત્રના ચોપડે કોરોનાના નવા દર્દી મળી આવે છે. કોરોનાના દર્દીને હાલમાં સાવ હળવાં લક્ષણો હોઈ મોટા ભાગના દર્દી ઘેર બેઠા તેમની સારવાર લઈ રહ્યા છે. હવે ફેમિલી ફિઝિશિયનને પણ કોરોનાની સારવાર કરવાનો સારો એવો અનુભવ થઈ ચૂક્યો હોઈ તેઓની સૂચવાયેલી દવા લઈને દર્દી આ જીવલેણ રોગમાંથી હેમખેમ બહાર નીકળી રહ્યા છે. હજુ આ રોગ ઘાતક બન્યો ન હોઈ લોકો તેને ભારે હળવાશથી લઈ રહ્યા છે, જેના કારણે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જેવી કોરોનાની ગાઇડલાઇન્સ ક્યાંય પળાતી નથી.
સંક્રમણ શહેરમાં ધીમે ધીમે વેગ પકડતું જાય છે
કોરોનાનું સંક્રમણ શહેરમાં ધીમે ધીમે વેગ પકડતું જાય છે. તેના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1800 જેટલી થઈ છે, જેમાં 19થી 45 વયજૂથના સૌથી એક્ટિવ કેસ છે. તેમાં પણ જોધપુરમાં સૌથી કેસ છે, જ્યારે વિરાટનગર અને સૈજપુર બોઘામાં સૌથી ઓછા એક-એક કેસ નોંધાયા છે.