પાકિસ્તાની સેના કરી રહી છે ડોન દાઉદની સુરક્ષા,ફારૂક ટકલાનો મોટો ખુલાસો

By : kavan 09:38 PM, 13 March 2018 | Updated : 09:43 PM, 13 March 2018
દાઉદને ભારત પાછા આવવું છે, દાઉદ ભારત માટે હવે કોઈ કામનો નથી આવા નિવેદનો વચ્ચે સુરક્ષા એજન્સીઓ માટે માઠા સમાચાર છે. દાઉદનો સાથી ફારૂક ટકલા દાઉદ વિશે એવા રાઝ ખોલી રહ્યો છે, જેનાથી સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ બની છે. ટકલાએ CBI સામે દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં કાયમી ધોરણે સ્થાયી થઈ ગયો છે, એવામાં એને પાકિસ્તાનથી પાછો લાવવામાં સુરક્ષા એજન્સીઓએ લોઢે ચણા ચાવવા પડશે. તો હવે જરૂર છે ઓસામા બિન લાદેનને ઠાર કરનારા એક ઓપરેશનની.

હજારોના લોહીથી જેના હાથ ખરડાયેલા છે, વર્ષોથી જેને સુરક્ષા એજન્સીઓ શોધી રહી છે, એ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં મહેફૂસ છે, પાકિસ્તાન દાઉદ માટે હવે કાયમી ઘર બની ગયું છે, પાકિસ્તાન સરકાર દાઉદને જમાઈની જેમ રાખી રહી છે, એટલું જ નહીં ખુદ પાકિસ્તાન સરકાર ડોનની સુરક્ષા કરી રહી છે.આ ખુલાસો કર્યો છે દાઉદના સાથી ફારૂક ટકલાએ. જે હાલમાં CBIની કસ્ટડીમાં છે. ફારૂકે CBI તપાસમાં ચોંકવનારા ખુલાસા કર્યા છે, જેનાથી ભારતીય સુરક્ષા એજન્સીઓની ઉઁઘ હરામ થઈ ગઈ છે.  
 
ફારૂક ટકલાએ તપાસમાં જણાવ્યું છે કે પાકિસ્તાન હવે દાઉદ માટે કાયમી ઘર બની ગયું છે. ખુદ પાકિસ્તાન સરકાર દાઉદ ઈબ્રાહિમને સુરક્ષા આપી રહી છે. ટકલાએ આપેલી માહિતી પ્રમાણે દાઉદ મોટેભાગે કરાચીના ક્લિફટન એરિયામાં રહે છે. જ્યાં પાકિસ્તાનના જવાનો તેને સુરક્ષા પુરી પાડે છે. જ્યારે જ્યારે કોઈ વિદેશી મહેમાન આવે છે ત્યારે ત્યારે દાઉદને અડા ગૃપ ઓફ આઇલેન્જના એક સુરક્ષિત ઘરમાં રાખવામાં આવે છે.

વધુમાં ટકલાએ એવું પણ જણાવ્યું કે ખુદ પાકિસ્તાનના લોકલ ગુંડાઓએ તેને મારવાની સોપારી લીધી હતી, પરંતુ પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ તેને બચાવી લીધો હતો. પાકિસ્તાની કોસ્ટ ગાર્ડની એક ટીમ સતત દાઉદના ઘર બહાર પહેરો ભરે છે. જેથી મુશ્કેલની સ્થિતિમાં તેને ઉગારી શકાય.  

ફારૂકે પૂછપરછમાં જણાવ્યું કે એક સમય હતો જ્યારે દાઉદ પાકિસ્તાન અને દુબઈ વચ્ચે નિયમિત રીતે મુસાફરી કરતો હતો. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે પાકિસ્તાનમાં બેસીને જ આતંકનો વેપાર કરી રહ્યો છે. ટકલાએ CBI સામે જે રાઝ ખોલ્યા છે, એ પછી તેને ભારત લાવવો મુશ્કેલ બનશે એ નિશ્ચિત છે.

હજી ચાર મહિના પહેલા જ દાઉદ સામે પહેલી FIR દાખલ થઈ છે. ઇકબાલ કાસકરે આપેલી માહિતીને આધારે દાઉદ પર ગળિયો કસાયો છે. દાઉદ ઇબ્રાહિમને 93ના મુબંઈ વિસ્ફોટ કેસ મામલે પણ આરોપી બનાવાયો છે. આ ઉપરાંત 1992ના જે. જે શૂટઆઉટ કેસમાં પણ તે આરોપી છે. જોવાનું એ રહે છે કે સુરક્ષા એજન્સીઓ હવે પાકિસ્તાનના જમાઈ બની બેઠેલા દાઉદને સ્વદેશ લાવવામાં સફળ થાય છે કે કેમ?  Recent Story

Popular Story