Darshan patel missing iskcon temple youth family protest ahmedabad
અમદાવાદ /
એન્જિનિયર યુવક ગુમ થતા ઇસ્કોન સંપ્રદાય વિવાદમાં, પરિવારજનોએ કહ્યું- કોઇ દીકરાને ઇસ્કોન મંદિર ન મોકલે
Team VTV07:51 PM, 26 Jan 21
| Updated: 07:52 PM, 26 Jan 21
અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર મૂળ કચ્છનો એક પરિવાર પોતાના દીકરા માટે લડત લડી રહ્યો છે. યુવકના પરિવારજનોએ ઇસ્કોન મંદિર બહાર ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો.
ઈસ્કોન મંદિરના સાધુ અને યુવકના ગુમ થવાનો મામલો
ગાંધી ચિંધ્યા માર્ગે પરિવારજનોનો વિરોધ
ઈસ્કોન સંપ્રદાય ઉપર ગંભીર આરોપ- કોઈ પરિવાર ઈસ્કોન મંદિર ન જાય
ઇસ્કોન સંપ્રદાય ફરી એકવખત વિવાદમાં આવ્યો છે. ઇસ્કોન સંપ્રદાય પર યુવાનોને ગેરમાર્ગે દોરીને વશીકરણ કરવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. કચ્છના નાના અંગીયા ગામનો 23 વર્ષનો એન્જિનિયર યુવક દર્શન પટેલ ગુમ થયો છે. જેને લઇને ઇસ્કોન મંદિરના સાધુ જયતીર્થ ચરણ સ્વામીએ દીકરાને ગોંધી રાખ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ઈસ્કોન મંદિરના સાધુ અને યુવક દર્શન પટેલના ગુમ થવા મામલે ગાંધી ચિંધ્યા માર્ગે યુવકના પરિવારજનો વિરોધ કરી રહ્યા છે. પોસ્ટર સાથે પરિવારજનો અને સામાજિક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને ઈસ્કોન સંપ્રદાય પર ગંભીર આરોપ કર્યા હતા. માત્ર એક પરિવાર નહીં પરંતુ અન્ય એક પરિવાર પણ પોતાના દીકરાને પરત મેળવવાની આશાએ મંદિર પહોંચ્યા હતા.
પરિવારજનોના આરોપ- પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો
પરિવારજનોએ કહ્યું હતું કે, કોઈ પરિવાર ઈસ્કોન મંદિર ન જાય. પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો. અમે અમારો દિકરો ખોયો છે, તમે ધ્યાન રાખજો. એકના એક દીકરાને જ તેઓ ટાર્ગેટ કરે છે. દીકરાને મંદિરના એક સાધુ તરફથી પૈસા મોકલવામાં આવ્યા હતા. ઇસ્કોનનાં સાધુના સતત દર્શનના સંપર્કમાં હતા અને તેઓએ જ તેને સંપ્રદાયમાં રાખ્યો હોવાનું જણાવી રહ્યા છે. ગુમ યુવાન ફોન પર વાત કરે છે પરંતુ સામે આવી રહ્યો નથી.
શું છે સમગ્ર ઘટના?
મૂળ કચ્છના દર્શન પટેલ નામના યુવાનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, તેમનો દીકરો દર્શન પટેલ ઇસ્કોન મંદિરના સાધુઓના સંપર્કમાં આવ્યા બાદ તેને ગેરમાર્ગે દોરીને તેનું વશીકરણ કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ તેમના દીકરાને સાધુઓએ છુપાવી દીધો છે. અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે ચાર વર્ષ પહેલા દર્શન પટેલ આવ્યો હતો. આ વખતે તે ઈસ્કોન મંદિરના એક સાધુના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે મંદિરે જવા લાગ્યો અને ત્યાં રહેવા લાગ્યો હતો. દર્શનના માતા-પિતા તેને પરત ઘરે લઈ પણ ગયા. પરંતુ દર્શન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાની ફરીયાદ પરિવારજનોએ નખત્રાણા નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો દર્શનના ગુમ થવા મામલે પરિવારજનો અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, પરિવારજનોએ ઈસ્કોન સંપ્રદાયના સાધુ જયતીર્થચરણ સ્વામી પર આરોપ મૂક્યો છે. પરિવારજનોએ જયતીર્થચરણ સ્વામીએ યુવકનું બ્રેઈનવોશ કર્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે ફોન પર સંપર્ક થયો છતા હજુ યુવાન સામે આવ્યો નથી. યુવાન પરિવારજનોને શા માટે મળવા નથી માંગતો તે મોટો સવાલ... ઇસ્કોન મંદિર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે અગાઉ પણ ઇસ્કોન મંદિરના સાધુઓ યુવાનોને બ્રેઇન વોશ કરી અને તેમને સાધુ બનાવી દેતાં હોવાના આક્ષેપો થયા છે.