Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સાહસ / ગુજરાતના 24 વર્ષના આ યુવકે સર કર્યુ એવરેસ્ટ, નેપાળને બદલે આ રસ્તો કર્યો પસંદ

ગુજરાતના 24 વર્ષના આ યુવકે સર કર્યુ એવરેસ્ટ, નેપાળને બદલે આ રસ્તો કર્યો પસંદ

માઉન્ટ એવરેસ્ટને દુનિયાનું સૌથી ઊંચું અને ડેન્જરસ શિખર માનવામાં આવે છે અને અનેક સાહસિક લોકોને દુનિયાનું આ સર્વોચ્ચ શિખર સર કરવાની તમન્નાઓ હોય છે. પરંતુ તે માટેના યોગ સાંપડવા અને તેમાં સફળ થવું તે દરેકના નસીબમાં નથી હોતું. જોકે ગુજરાતના એક ચોવીસ વર્ષીય ગુજરાતી યુવકે દુનિયાનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કરીને પોતાના અદમ્ય સાહસનો પરિચય કરાવી દીધો છે. તો આવો આપને બતાવીએ કોણ છે આ ગુજરાતી યુવક. જેણે સૌથી ઊંચા એવરેસ્ટ શિખરને સફળતાપૂર્વક સર કરી પોતાના પરિવારની સાથે ગુજરાતનું પણ નામ રોશન કર્યું છે. જોઈએ આ અહેવાલ. 

ઉલ્લેખનીય છે કે, દુનિયાના સ્વર્ગ જેવું આ ધ્વલશ્વેત સૌંદર્ય અનેક પ્રકૃતિ પ્રેમી અને સાહસથી થનગનતા લોકોને જાણે સદાય આમંત્રણ આપતું હોય છે. જ્યાં જુઓ ત્યાં બરફ અને તેના પર પડતા સૂર્યના કિરણો કોઈ અલગ જ દુનિયાના આપણને દર્શન કરાવે છે. ભારતના મુકુટ સમાન હિમાલયની આ પહાડીઓમાં રહેલું  સૌથી  ઊંચુ એવરેસ્ટ શિખર દુનિયાનું સૌથી સર્વોચ્ચ શિખર માનવામાં આવે  છે. 

અનેક સાહસિક યુવાઓને આ શિખર  સર કરવાનું સપનું હોય છે પરંતુ આ સફેદ બરફનું સૌંદર્ય જેટલું રમણીય લાગે છે તેટલું જ તેની સાથે કામ પાર  પાડતી વખતે કઠિન લાગે છે. પરંતુ કહેવાય છેને કે અડગ મનના માનવીને એવરેસ્ટ પણ વામન  લાગે છે. 

ગુજરાતનું ગૌરવ વધાર્યું

એવરેસ્ટને  સર કરી રહેલા આ પાર્થ ઉપાધ્યાય નામના ગુજરાતી યુવાનને તેના જુસ્સાએ અને અને તેના સાહસે ગુજરાતીઓને એક નવી જ ઓળખ અપાવી છે. જેના મનમાં સાહસનો થનગનાટ હોય છે તેને તો માત્ર બસ ક્યાંકથી પ્રેરણા મળવી જોઈએ. જેવી રીતે આ પાર્થ નામના યુવાનને મળી.

ઉલ્લેખનીય છે કે, હિમાલયની પહાડીઓમાં આવેલ માઉન્ટ એવરેસ્ટનું છેલ્લું શિખર 29 હજાર 35 ફૂટની ઊંચાઈએ આવેલું  છે. કાતિલ બર્ફિલા પવનોના સુસાવાટા અને જીવ લઈલે તેવા હિમપ્રપાતો વચ્ચે પોતાની હિંમતના બળે અત્યાર સુધી  સમગ્ર દુનિયામાંથી માત્ર ત્રણ હજાર જેટલા લોકો જ સફળતાપૂર્વક એવરેસ્ટને સર કરી શક્યા છે. આ આંકડો જ દર્શાવે છે કે, આ કામ કેટલું સાહસ, હિંમત અને  તાલીમ માગી લે છે. જોકે એવરેસ્ટ શિખર સર કરનાર લોકોમાં હવે વધુ એક નામ ઉમેરાયું છે.  

નેપાળને બદલે ચીનના રસ્તાની કરી પસંદગી
ગુજરાતના આ 24 વર્ષીય યુવાન પાર્થ ઉપાધ્યાયે  અતિ કઠિન અને વિષમ પરિસ્થિતિઓને પાર કરી સફળતાપૂર્વક એવરેસ્ટ શિખર સર કરી લીધું છે. તે ધારત તો નેપાળના  સરળ રસ્તે માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યો હોત પરંતુ તેની સાહસવૃત્તિએ તેને ચીનનો માર્ગ પસંદ કરાવ્યો અને તેણે  સાહસનો પરિચય આપીને 23મીમેની વહેલી સવારે પાંચ વાગ્યે એવરેસ્ટ સર કરી લીધો. હવે ઘરે પરત ફર્યો છે. વલસાડ જિલ્લાના દમણના દિલીપનગરના રહેવાસી પાર્થે એવરેસ્ટની ટોચે પર સફળતા પૂર્વક ચઢાણ કરીને ગુજરાતીઓની એક આગવી જ ઓળખ ઊભી કરી દીધી છે.

પાર્થે કર્યો છે એન્જીનિયરીંગનો અભ્યાસ
આપને જણાવી દઇએ કે, પાર્થે એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ એરક્રાફ્ટ મેન્ટેનન્સની ડીગ્રી હાંસલ કરી છે. જોકે વિમાન રિપેરીંગ કરવાના ઉચ્ચ અભ્યાસ કરનાર પાર્થનું સ્વપ્ન ખૂબ ઊંચું હતું. નાનપણથી તેને પહાડો ઉપર ચઢાણ કરવાનો શોખ રહ્યો છે. આ શોખ જ તેને અવરેસ્ટ સુધી ખેંચી ગયો. હાલ પાર્થ પોતાના વતન પરત આવી ગયો છે. 

 

વતનવાસીઓએ વધાવ્યો
પોતાની આ સિદ્ધિ બાદ તે જ્યારે વતન પરત આવવા એરપોર્ટ પર ઉતર્યો તો તેના માતાપિતાએ તેને કુમકુમ તિલકથી વધાવી લીધો. પાર્થના આ સાહસથી તેના માતાપિતા ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. જો કે તેમનું કહવું છે કે, તેમના પુત્ર જેવા અન્ય સાહસિકોની મદદ માટે સરકારે આગળ આવવું. જોઈએ અને સાહસિક ટેલેન્ટને ફંડ ઉપલબ્ધ કરાવવું જોઈએ. . 

અલગ-અલગ દેશોના 8 લોકો પાર્થના હતા સાથી
પાર્થની આ સાહસયાત્રા  સાથે દુનિયાના અલગ-અલગ દેશોના આઠ જેટલા સાથીઓ પણ હતા. તેમણે પણ  દુનિયાનું સૌથી ઊંચું શિખર સર કરવા સપનું પૂર્ણ કર્યું છે. પોતાનું સૌથી મોટું સપનું પૂરું કર્યા બાદ હવે અન્ય યુવાઓ પણ  પોતાના સપના પૂરા કરી શકે તે માટે માઉન્ટેનિયરિંગ અને સ્પોર્ટ્સ એડવેન્ચર જેવી સુવિધાઓ સાથે  સાહસિક યુવાઓને સરકારની મદદ મળી રહે તેવી આશા રાખી રહયો છે. 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ