Damage to about 500 power poles caused by heavy rains in Saurashtra
નુકસાન /
સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ ! 500થી વધુ વીજપોલને નુકસાન, રાજકોટમાં ઠેર ઠેર વીજળી ગુલ
Team VTV12:11 PM, 27 Jun 22
| Updated: 12:25 PM, 27 Jun 22
સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વીજ પુરવઠો ખોરવાયો, રાજકોટમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાની મળી 800 ફરિયાદ
સૌરાષ્ટ્રમાં વરસાદથી નુકસાન
500 વીજપોલ, 95થી વધુ ફીડર અસરગ્રસ્ત
રાજકોટ સર્કલમાં વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગની શરૂઆત થઇ છે. મેઘો મનમૂકીને વરસી રહ્યો છે. જો કે રવિવારે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઇ રહ્યા હતા ત્યારે હવે વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો બીજી તરફ ભારે પવનને કારણે નુકસાન પણ એટલું જ થયું.
સૌરાષ્ટ્રમાં 500 વીજપોલને નુકસાન
સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસતા 500 જેટલા વીજપોલને નુકસાન થયું. ભારે પવન સાથે વરસાદનું આગમન થતા વીજપોલ ધરાશાયી થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં 95થી વધુ ફીડરને નુકસાનગ્રસ્ત થયા. પરિણામે રાજકોટમાં ઠેર ઠેર વીજ પુરવઠો ખોરવાયાની સમસ્યા જોવા મળી. અંદાજિત વીજળી ન હોવાની 800થી વધારે ફરિયાદ નોંધાઇ.
5 જુલાઇ સુધીમાં વરસાદી માહોલ
હવામાન વિભાગના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે જામી રહ્યું છે, જેને કારણે 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે જયારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હોવાથી ગરમી અને બફારાથી રાહત મળે તેવા સંકેતો પ્રાપ્ત થયાં છે.
સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.