પ્રેરણા /
સાચી સમરસતા છે અહીંઃ દલિત યુવકના લગ્નમાં આખું ગામ મહાલ્યુ
Team VTV10:15 PM, 16 May 19
| Updated: 10:24 PM, 16 May 19
રાજ્યમાં ગત દિવસોમાં બનેલી સમરસતાને લાંછન લગાડનારી ઉપરા છાપરી ઘટનાઓએ જ્યાં માનવીય ગૌરવની હત્યા તો કરી જ હતી સાથે ગાંધીના ગુજરાતને પણ હીણપત લગાડી હતી. પરંતુ આ વિભાજક ઘટનાઓ વચ્ચે રણમાં મીઠી વિરડી સમાન ઘટના વીરપુરમાંથી સામે આવી છે. જ્યાં નાગરિકોની રગરગમાં અને જ્ઞાતિઓના તાણા-વાણાઓમાં સમરસતા કેવી રીતે વણાઈ ગઈ છે તેના ગૌરવભર્યા દ્રશ્યો જોવા મળે છે.
સાબરકાંઠા જિલ્લાનું વિરપુરગામ ભલે નાનું રહ્યું પરંતુ ગ્રામજનોની વિચારસણી અને તેમના હૈયા વિશાળ છે. એક દલિતના લગ્નપ્રસંગનો જમણવાર મુસ્લીમ સમાજના ઘેર ગોઠવાય છે. એક દલિત સમાજના વરઘોડાને ક્ષત્રિય સમાજનો સહકાર મળે અને તેમાં સર્વજ્ઞાતિ જોડાય તેની મહત્તાને માત્ર સમરસતા પાંચ શબ્દોથી વર્ણવી શકાય નહીં. એટલે જ તો હિંદુ ધર્મની દરેક જ્ઞાતિના નાગરિકો સાથે મુસ્લિમ બિરાદરો પણ આ લગ્નમાં જોડાયા છે. તેઓ રોજા ચાલતા હોવા છતાં ઉલ્લાસભેર લગ્નમાં મહાલ્યા. જ્ઞાતિઓના વાડા વચ્ચે આપણને કદાચ આ બાબત નવાઈ ભરેલી લાગે પરંતુ આ ગામના સરપંચ ફારુક ખણુંસિયાની વાત સાંભળશો તો તમને ખ્યાલ આવશે કે સામાજિક સમરસતા આ ગામના લોકોની રગરગમાં કેટલી વણાઈ ગઈ છે.
વીરપુર ગામની આ જ તો વિશેષતા છે. અહી નથી જ્ઞાતિના વાડા કે નથી ધર્મની કોઈ દીવાલો. અહી ભાઈચારો અને ભાતૃભાવનાને પ્રત્યક્ષ જોઇ શકાય છે. ત્યારે જ્ઞાતિવાદથી ખદબદતી માનસિકતા સંવાદિતાના પવિત્ર જળથી સ્વચ્છ કરવા માટે આ ગામ રાહ ચિંધી રહ્યું છે.
સાબરકાંઠા અને સાબરકાંઠામાંથી અલગ પડેલા અરવલ્લી જીલ્લામાં હાલમાં દલિતો સાથે ભેદભાવની ઘટના ચર્ચાસ્પદ બની છે. ત્યારે બીજી બાજુ સાબરકાંઠા જીલ્લામાં એવા પણ કેટલાક ગામ છે ત્યાં દલિત-સવર્ણ-ઊંચ-નીચ જેવા કોઈ જ ભેદભાવ નથી. માનાભાઈ ચેન્વાજીના ઘરે લગ્ન પ્રસંગ હતો. માનાભાઈ પોતે દલિત છે. પણ તેમના દીકરાના લગ્ન પ્રસંગમાં હિંદુ ધર્મની દરેક જ્ઞાતિના લોકો અને મુસ્લિમ બિરાદરો લગ્નમાં જોડાયા હતા. ખાસ કરીને મુસ્લિમ બિરાદરો રોજા ચાલતા હોવા છતાં ઉલ્લાસભેર લગ્નમાં મ્હાલી રહ્યા હતા. અહી દરેક જ્ઞાતિના વરઘોડા ગામ આખામાં ફરે છે.
વીરપુર ગામમાં આઝાદી બાદથી આજ દિન સુધી જ્ઞાતિ કે કોમ આધારિત કોઈ વિખવાદ નથી થયા. માનાભાઈ પોતે ભલે હિંદુ છે. પણ તેમનાં દીકરાના લગ્નનો જમણવાર મુસ્લિમ બીરદરના ઘરે યોજાયેલો. એને એમાં પણ ગામના દરેક જ્ઞાતિનાં લોકોએ એક જ લાઈનમાં બેસી સમુહમાં ભોજન લીધું. વીરપુર ગામની આ વિશેષતા છે કે અહી જ્ઞાતિનાં વાડા, ધર્મની કોઈ દીવાલો નથી. ગુજરાત સહિત ભારતના લોકોએ પણ આં નાનકડા ગામ પાસેથી મોટી પ્રેરણા લેવી જોઈએ.