બંગાળની ખાડીમાં આવેલું તોફાન રવિવારના રોજ તેજ થઇને તે વાવાઝોડામાં પરિવર્તિત થઇ ગયું છે. જેની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે છે. હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું કે, 'આસની' (Cyclone Asani) નામનું ચક્રવાતી તોફાન આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના આ વાવાઝોડું આવતા સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન કચેરીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસરના કારણે ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને વરસાદની શક્યતા સેવાઇ રહી છે.
વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, 'વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઇને તે વધારે તીવ્ર બની શકે છે. IMD દ્વારા વાવાઝોડાંની આગાહી મુજબ, વાવાઝોડું 10 મેની સાંજ સુધીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ કિનારે પહોંચવાની શક્યતા છે. ત્યાર બાદ તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળવાની અને ઓડિશાના કિનારે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
Cyclonic storm ‘Asani’ is very likely to move northwestwards & intensify further into a severe cyclonic storm over east-central Bay of Bengal during next 24 hours. It is very likely to reach North Andhra Pradesh & Odisha coasts on May 10: IMD
કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
IMD ના જણાવ્યાં અનુસાર, વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં 60 સમુદ્રી માઇલ (111 kmph) ની ઝડપે આગળ વધવાનું અનુમાન છે. ઉત્તરી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી ગંભીર ચક્રવાતી તોફાન ધીમે-ધીમે નબળું પડવાનું અનુમાન છે. IMDએ જણાવ્યું કે, મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઓડિશાના દરિયાકાંઠે દરિયાની સ્થિતિ 9 મેના રોજ ખરાબ અને 10 મેના રોજ ખૂબ જ ખરાબ થઇ જશે. 10 મેના રોજ દરિયામાં પવનની ઝડપ વધીને 80થી 90 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
જાણો તોફાનનું નામ કેમ 'આસની' રાખવામાં આવ્યું?
હવામાન વિભાગના કાર્યાલયના જણાવ્યાં અનુસાર, ચક્રવાતી તોફાનનું નામ 'આસની' (Asani) રાખવામાં આવ્યું છે, જે 'ક્રોધ' માટે ઉપયોગમાં આવતો સિંહલી શબ્દ છે. આ તોફાન આંદામાન ટાપુઓમાં પોર્ટ બ્લેરથી 380 કિમી પશ્ચિમમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં કેન્દ્રિત છે. બીજી તરફ, તોફાનને ધ્યાનમાં રાખીને માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે.