ટડાવ ગામમાં હજુ નથી સુકાયા પાણી, ગામમાં ઠેર-ઠેર જોવા મળ્યું પાણી
જડિયા ગામે ભારે વરસાદના પગલે અનેક મકાનોમાં મોટું નુકસાન પહોંચ્યું
જડિયાની પટેલ વાસ પ્રાથમિક શાળામાં પાણી જ પાણી
વરસાદી આફતે ઉત્તર ગુજરાત અને એમાં પણ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાને ધમરોળ્યું છે. આ દરમિયાન જિલ્લાના વાવ, સુઈગામ, થરાદ સહિતના તાલુકાઓમાં સતત 4 દિવસ સુધી અતિભારે વરસાદના કારણે હજૂ પણ વરસાદી પાણી ગામડાઓમાં ભરાયેલા છે. આ તરફ આજે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ અલગ-અલગ વિસ્તારોમાં પહોંચી હતી. જેમાં ખાસ કરીને ટડાવ અને ધાનેરાના જડિયા ગામે પહોંચી ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જાણી હતી.
VTV ન્યૂઝ પહોંચ્યું અસરગ્રસ્ત વિસ્તારોમાં
આજે VTV ન્યૂઝની ટીમે બનાસકાંઠા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં બનાસકાંઠા જિલ્લાના ટડાવ ગામે પહોંચેલી અમારી ટીમને અહીં ગામ સુધી પહોંચવા માટે પણ ઘૂટણસમા પાણીમાં થઈને રસ્તો પાર કરવો પડ્યો હતો. કારણ કે ટડાવથી ચોટીલ ગામને જોડતો રસ્તા પાણીમાં ગરકાવ છે..જોકે આ સ્થિતિ એક વખતની નથી, અહીં દર વખતે આ જ સ્થિતિ સર્જાય છે. વર્ષ 2015થી લઈને આજ સુધીમાં ગ્રામજનો અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ કોઈ અહીં ધ્યાન નથી આપી રહ્યું. જિલ્લા વહીવટી તંત્રને અને સરકારને આ ગામના લોકોની તકલીફો ન દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
ધાનેરાના જડિયા ગામે મોટું નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે અનેક તાલુકાઓમાં તબાહી સર્જી છે મોટાભાગના તાલુકાઓમાં ભારે વરસાદના પગલે મકાનો ધરાશાઇ થતા ભારે નુકસાન જોવા મળી રહ્યું છે. ધાનેરા તાલુકાના જડિયા ગામે ભારે વરસાદના પગલે અનેક મકાનોમાં મોટું નુકસાન પહોંચ્યું છે. જડિયા ગામમાં ભારે પવન અને વરસાદના કારણે લોકોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ કરીને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે રાજસ્થાનનું તમામ વરસાદી પાણી ધાનેરાના જડિયા ગામ તરફ પડ્યું હતું. અને રાજસ્થાન તરફથી આવેલા ભયંકર પાણીના કારણે જડિયા ગામમાં તબાહી સર્જી દીધી હતી ગામમાં પ્રવેશતા જ વરસાદી પાણીએ અનેક ઘરોને બરબાદ કરી નાખ્યા હતા લોકો પોતાના ઘરોમાં વરસાદી પાણી ઘુસ્તાની સાથે જ પોતાના પરિવારને બચાવીને ઊંચાણવાળા વિસ્તાર તરફ ભાગવા માટે મજબૂર બન્યા હતા.
ના ઘરવખરી કે ના પશુઓ લેવા રહ્યા અનેક પરિવારો
રાજસ્થાન તરફથી આવી રહેલા પાણીનો અવરોધ એટલો વધુ હતો કે, જડિયા ગામના લોકો ન તો પોતાના ઘરમાં પડેલો માલસામાન લેવા રહ્યા હતા કે ન તો પશુઓ લેવા માટે. માત્ર પોતાના બાળકોને લઈને ઘરની બહાર નીકળી જવા માટે મજબૂર બન્યા હતા. આ તમામ પરિસ્થિતિ વચ્ચે હવે પોતાના ઘરબાર છોડી નીકળેલા પરિવારો હવે પોતાના ઘર તરફ પડ્યા છે. પોતાના ઘરે પરત ફરેલા પરિવારો હાલ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કારણ કે આ તમામ પરિવારોના ઘરોમાં પડેલો માલ સામાન વરસાદી પાણીમાં બગડી જવા પામ્યો છે. હાલ જડિયા ગામમાં વસવાટ કરતા પરિવારો પોતાના ઘરોમાં પાણીના વહેણના કારણે ભરાઈ ગયેલી માટી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો પરથી સ્પષ્ટ કહી શકાય કે, જ્યારે વરસાદી પાણીએ લોકોના ઘરોમાં પ્રવેશ કર્યો હશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે.
સરકારના ભરોસે બેઠા છે પરિવારો
VTV ન્યુઝની ટીમે પુરમાં અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લેતા પરિસ્થિતિ જાણી હતી. હાલમાં આ પરિવારો પાસે ન તો પોતાના પશુઓ બચ્યા છે કે ન તો પોતાના પરિવારોને ખવડાવવા માટે અનાજ. હાલ માત્ર આ તમામ પરિવારો સરકારના ભરોસે બેઠા છે. જડિયા ગામમાં વરસાદી પાણીથી ચારે બાજુ ચાર નજર કરીએ ત્યાં માત્ર તબાહી જ જોવા મળી રહી છે. એક પણ મકાન બાકી નહીં હોય કે જે આ વરસાદી પાણીએ નુકસાન ન કર્યું હોય. ત્યારે હાલ તો આ તમામ અસરગ્રસ્તો એક જ માંગ કરી રહ્યા છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સહાય જાહેર કરવામાં આવે.
પટેલ વાસ પ્રાથમિક શાળામાં પાણી જ પાણી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જડિયા ગામમાં આવેલી પટેલ વાસ પ્રાથમિક શાળા ખાતે વહેણનું પાણી ઘૂસી જતા મોટું નુકસાન થવા પામ્યું છે. મહત્વની વાત છે કે, સતત બે દિવસ સુધી પાણીનો વહેણ ચાલુ રહેતા હાલ શાળાના રૂમોમાં માટી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. જડિયા ગામમાં આવેલી પટેલ વાસ પ્રાથમિક શાળા જે ધોરણ 1 થી 5ની શાળા છે અને આ શાળામાં 130 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તેને લઇ શાળામાં રજા જાહેર કરાતા શાળા બંધ હતી, તે સમયે રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે જડિયા ગામમાં પૂર જીવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને રાજસ્થાન તરફથી આવેલા પાણીને લઈ આખી શાળા પાણીમાં ફેરવાઈ ગઈ હતી જેના કારણે શાળામાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.
હજુ પણ વિદ્યાર્થીઓ 20 દિવસ સુધી શાળામાં નહિ આવી શકે ?
આ તરફ જે પ્રમાણે હાલ શાળામાં શિક્ષકો આવી પરિસ્થિતિ શાળાની જોઈ રહ્યા છે, તે પ્રમાણે હજુ પણ વિદ્યાર્થીઓ 20 દિવસ સુધી શાળામાં આવી શકે તેવી સ્થિતિ નથી. હાલમાં શાળાની અંદર વિદ્યાર્થીઓને બેસવા માટેની પાટલીઓ પણ તૂટી ગઈ છે તો બીજી તરફ તમામ જે ઈલેક્ટ્રિક સાધનો હતા તે પણ વરસાદમાં તૂટી ગયા છે. જેના કારણે શાળામાં હાલ અભ્યાસ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિ જોવા મળતી નથી. જેને લઈ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પટેલ વાસ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ જલ્દીમાં જલ્દી શાળાની સફાઈ કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં.