Kutch News: કચ્છમાં બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થયા છે. વાવાઝોડા બાદ રાહત કામગીરી હાથ ધરાઈ છે.
બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન
ભુજના હાઈવે પર ભારે પવન સાથે વરસી રહ્યો છે વરસાદ
ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી
અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી પણ થયા
વૃક્ષ ધરાશાયી થવાના કારણે અનેક રસ્તા થયા બંધ
અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડું ગતરોજ જખૌ પોર્ટ નજીક ટકરાતા કચ્છમાં ભારે નુકસાન થયું છે. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, ઘરની દીવાલો પડી ગઈ છે. સાથે જ બિપોરજોય વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા અનેક વીજપોલ ધરાશાયી થયા છે. તેજ પવન અને ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. NDRFની ટીમ કટર મશીન સાથે ગ્રાઉન્ડ પર ઉતરી છે. વાવાઝોડા બાદ રાહતની કામગીરી હાથ ધરી છે.
હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની માઠી અસર પડી છે. કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે માંડવી-ભુજ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. વરસાદી પાણી ફરી વળતા મુખ્યમાર્ગ અવરોધાયો છે. કચ્છમાં વરસાદથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે.
માંડવીમાં મેઘ તાંડવ
કચ્છના માંડવીમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. 70થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે વહાનવ્યવહાર ઠપ થયો છે. ભારે પવન અને વરસાદના લીધે વિઝિબિલિટી ઘટી છે. વાવાઝોડાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા રોડ બ્લોક થયા છે. જૂના અને મહાકાય વૃક્ષો ધરાશાયી થયા છે. વાવાઝોડાને લઈને અનેક વાહનોને પણ ઘણું નુકસાન થયું છે. પાર્ક કરેલી ગાડીઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. તો અનેક રોડ-રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતાં અનેક માર્ગ બંધ થયા છે. રસ્તા બંધ થવાના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બાજુ લોકોના ઘરના પતરા ઉડી ગયા છે. તો કેટલાક કાચા ઘરની દીવાલો પડી ગઈ છે.
અમે આખી રાત સૂતા નથીઃ સ્થાનિક
કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે સ્થાનિકોએ ગતરોજ ટકરાયેલા વાવાઝોડાની સરખામણી વર્ષ 1998માં આવેલા વાવાઝોડા સાથે કરી છે. VTV NEWS સાથેની વાતચીતમાં સ્થાનિકે જણાવ્યું કે, લાંબા સમય બાદ મોટું વાવાઝોડું આવ્યું છે. રાત્રે ખતરનાક પવન ફૂંકાઈ રહ્યો હતો, અમારી આસપાસના ઘણા લોકોના મકાનોના છાપરા ઉડી ગયા છે. અમે પોતે રાત્રે વરસાદ હોવા છતાં ઘરની બહાર બેઠા હતા. અમે આખી રાત સૂતા નથી.
1998 કરતા પણ વિનાશક વાવાઝોડાનો કર્યો અનુભવઃ સ્થાનિક
અન્ય એક સ્થાનિકે કહ્યું કે, વર્ષ 1998માં આવેલા વિનાશક વાવાઝોડા કરતા પણ બિપોરજોય વાવાઝોડાની પવનની ઝડપ ઘણી વધારે હતી. અમને માં આશાપુરાએ બચાવી લીધા છે. ગુજરાત સરકારની એક્ટિવિટી સારી રહી છે.
આરોગ્ય મંત્રી અને શિક્ષણ રાજ્યમંત્રીએ કર્યું નિરીક્ષણ
અત્રે ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડું કચ્છમાંથી પસાર થયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાવઝોડાને લઈ સ્થિતિ અંગેનું નિરીક્ષણ કર્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ વાવાઝોડાને કારણે થયેલી અસરોનો તાગ મેળવ્યો છે.