દ્વારકા પર આવેલી આ પહેલી કુદરતી આફત નથી. આ પહેલાની બે મોટી આફતથી દ્વારકા બચ્યું છે ત્યારે બિપરજોય વાવાઝોડું શું બગાડી લેવાનું છે તેવી લોક લાગણી છે.
બિપરજોયને કારણે દ્વારકાનું જગત મંદિર બંધ
દ્વારકા મંદિરના પૂજારીઓ અને લોકોને ચમત્કારની આશા
અગાઉ બે વખત દ્વારકા પરનું સંકટ ટળ્યું છે
મહા તોફાન બનીને ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોયને કારણે ગુજરાતના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદર નજીક લેન્ડફોલ થવાની સંભાવના છે પરંતુ દ્વારકા પર આવેલી આ પહેલી આફત નથી. આ પહેલા પણ દ્વારકામાં આફત આવી હતી ત્યારે પણ ભગવાન કૃષ્ણે દ્વારકાને આફતમાંથી ઉગાર્યું હોવાનું લોકો માની રહ્યાં છે. દ્વારકા મંદિરના પૂજારીઓ અને લોકોને લાગી રહ્યું છે કે ભગવાન દ્વારકાધિશ આ વખતે પણ બિપરજોયથી બચાવશે. જ્યારે જ્યારે પણ દ્વારકા પર આફત આવી છે ત્યારે દ્વારકાધીશે શહેરનું રક્ષણ કર્યું છે. મંદિર પ્રશાસન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે, દ્વારકાધીશ કોઈ ચમત્કાર કરશે. તેમના જણાવ્યા મુજબ 1965માં ભારત-પાક યુદ્ધમાં પાકિસ્તાને દ્વારકાધીશ મંદિર પર બોમ્બમારો કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે તે સમયે બોમ્બ વિસ્ફોટ જ્યાંથી કરવામાં આવી રહ્યો હતો ત્યાં દરિયો એક ઇંચ ઉપર ચઢી ગયો હતો અને કહેવાય છે કે તમામ બોંબ દ્વારકા ઉપરથી નીકળી ગયા હતા.
ગુજરાતના ઈતિહાસમાં ભયાનક વાવાઝોડું 1998માં આવ્યું હતું
ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી ભયાનક વાવાઝોડું 1998માં આવ્યું હતું. ત્યારે 1100થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે પણ દ્વારકાને કોઇ નુકસાન થયું ન હતું. ત્યારે પણ હવામાન વિભાગે ગુજરાતભરમાં વાવાઝોડાની આગાહી કરી હતી. 9 જુન 1998ના રોજ આવેલું વાવાઝોડું દ્વારકાથી ગુજરી ગયું હતું અને કંડલા પોર્ટ પર ત્રાટક્યું હતું. લોકોની આસ્થાનું એક મોટું કારણ 1998નો વિનાશક ભૂકંપ પણ છે. ત્યારે પણ દ્વારકા શહેર સલામત હતું.
2021માં મંદિર પર પડી હતી વીજળી
દ્વારકાના દ્વારકાધીશના જગત મંદિર પર બીજી પણ એક કુદરતી ઘટના બની હતી. 13 જુલાઈ 2021ના રોજ બપોરે બનેલી આ ઘટનામાં એક ચમત્કાર થયો હતો. મંદિરનો ધ્વજાસ્તંભલો તૂટી ગયો હતો. ત્યારે દ્વારકાધીશે મંદિર કે કોઈ લોકો પર ઉની આંચ આવવા દીધી નહોતી, તે ઘડીમાં પણ લોકો બચી ગયા હતા.
હવે બિપરજોયમાં ચમત્કાર થવાની લોકોને આશા
હવે દ્વારકા સહિત ગુજરાત પર બિપરજોયની આફત મંડરાઈ રહી છે ત્યારે દ્વારકાધિશ ફરી કોઈ ચમત્કાર કરીને દ્વારકાને બચાવી લેશે તેવી ભક્તોને પૂરી શ્રદ્ધા છે. હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ તે પૂર્વ દિશામાં કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. જો આમ થશે તો દ્વારકા નગરી બચી જશે અને ચમત્કાર થશે.