crime has been registered against 43 people at stones pelted in undhela
ખેડા /
માતરના ઉંઢેરા ગામમાં 'ભારેલા અગ્નિ' જેવી સ્થિતિ: નવરાત્રીમાં પથ્થરમારો થતા ગામ કિલ્લામાં ફેરવાયું, 43 લોકો સામે નામ જોગ ગુનો દાખલ
Team VTV11:32 AM, 04 Oct 22
| Updated: 11:57 AM, 04 Oct 22
ખેડાના ઉંઢેરા ગામમાં એક સમુદાયના ટોળાંએ પથ્થરમારો કરતા આખુંય ગામ કિલ્લામાં ફેરવાઇ ગયું છે. પોલીસે આ ઘટનામાં 43 લોકો વિરૂદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો.
ખેડાના ઉંઢેરા ગામમાં એક સમુદાયના ટોળાં દ્વારા પથ્થરમારો
પોલીસે 43 લોકો વિરૂદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો
10થી 11 લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરાઈ રહી છે
ખેડાના માતરના ઉંઢેરા ગામમાં નવરાત્રીના પર્વમાં ગરબા રમી રહેલા ખેલૈયાઓ પર એક સમુદાયના અંદાજિત 150 લોકોના ટોળાંએ પથ્થરમારો કરતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને પરિસ્થિતિ વધારે ના વણસે એ માટે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ગામમાં Dysp સહિત પોલીસ કાફલો ખડકી દેવાયો છે. આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો છે. જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરીને હાલમાં પૂછપરછ હાથ ધરાઈ રહી છે.
નોંધનીય છે કે, ખેડાના માતરના ઉંઢેરા ગામની ભાગોળમાં ગતરાત્રે તુળજા માતાના મંદિર પાસે નવરાત્રીમાં ગરબા રમી રહેલા ખેલૈયાઓ પર એક સમુદાયના 150 લોકોના ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આથી, આ પથ્થરમારાના કારણે 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે Dyspનું કહેવું છે કે, 'ગતરાત્રે ઘટના ઘટ્યા બાદ સરપંચે પોલીસને જાણ કરી હતી. એક સમુદાયના 150 જેટલા લોકોના ટોળાએ હુમલો કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. તુળજા માતાજી મંદિર પાસે ગરબા દરમિયાન આ ઘટના બની હતી. પથ્થરમારાની આ ઘટનામાં 6થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.'
ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે તુરંત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે માતર પોલીસ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હાલમાં આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. SP, Dysp અને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યો હતો. હાલ ઉંઢેરા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અહીંયા ગરબા નહીં રમવાના કહીને પથ્થરમારો કરાયો
આ અંગે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધારે તંગ ના બને એ માટે હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલમાં આ ઘટનાને લઇને પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.