Crackdown on unlicensed meat shops, 1247 shops sealed, important decision taken in Cabinet meeting for cattle rearers
પારદર્શીતા /
લાયસન્સ વિનાના મીટ શોપ પર તવાઈ, 1247 દુકાનો સીલ, તો સામે પશુપાલકો માટે કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
Team VTV06:17 PM, 01 Feb 23
| Updated: 06:18 PM, 01 Feb 23
જાન્યુઆરી મહિનામાં લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 1247 દુકાનો સીલ કરાઇ છે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે CCTV કેમેરા નેટવર્ક ઉભુ કરાશે
નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરાશે
લાયસન્સ વિના ચાલતી 3200 થી વધુ મીટ શોપ વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના પ્રત્યેક નાગરિકને આરોગ્યપ્રદ ભોજન મળી રહે તે માટે સરકાર કટિબધ્ધ છે. જાન્યુઆરી મહિનામાં DLSA (ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટી) દ્વારા રાજ્યમાં નગરપાલિકા – મહાનગરપાલિકા વિસ્તારની 4300 થી વધુ મીટની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી લાયસન્સ વગર અને બિનઆરોગ્યપ્રદ મીટ વહેંચતી 3200 થી વધુ દુકાનો ધ્યાને આવતા દુકાનદારો વિરૂધ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં લાયસન્સ વગરની જણાઈ આવેલી 1247 દુકાનોને સીલ કરવામાં આવી છે. આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ
રાજ્યની 8 મહાનગરપાલિકાઓની 813 જ્યારે નગરપાલિકાઓની 434 જેટલી દુકાનોનો સમાવેશ થાય છે. રાજ્યના કોઇપણ નાગરિકના આરોગ્ય સાથે ચેડા ન થાય તમામને આરોગ્યપ્રદ આહાર-ભોજન મળી રહે તે દિશામાં સરકાર હંમેશાથી પ્રયત્નશીલ રહી છે. આ સમગ્ર કામગીરી શહેરી વિકાસ, આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, જી.પી.સી.બી. દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં પારદર્શીતા લાવવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નાંખવામાં આવશે.
ફાઈલ ફોટો
જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત અનાજના વિતરણમાં વધુ પારદર્શીતા લાવવા માટે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના તમામ ગોડાઉન કેન્દ્રો ખાતે હાઇ ક્વોલીટી વિઝન CCTV કેમેરા નેટવર્ક સ્થાપવા આવશે. તદઉપરાંત નિગમની જિલ્લા કચેરી અને વડી કચેરી ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે. આ CCTV પ્રોજેક્ટના અમલીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ છે. મંત્રીએ આ સંદર્ભે વિગતો આપતા કહ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત ગોડાઉનો ખાતે સીસીટીવી કેમેરા લગાવવા માટે કુલ રૂ. ૯૬.૧૪ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નિગમના તમામ ગોડાઉનોમાં મળી કુલ ૫૯૫૩ કેમેરા લગાવવામાં આવશે
ગોડાઉન ખાતે થઈ રહેલી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાય તે પ્રકારે આ કેમેરાનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. આઉટ ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Bullet કેમેરા, ઇન ડોર ગતિવિધિઓ પર નજર રાખવા Dom કેમેરા, રાત્રીના સમયમાં પણ ગોડાઉનનું મોનીટરીંગ થઇ શકે તે માટે PTZ કેમેરા અને વાહનોની નંબર પ્લેટને આધારે કેમેરા થકી વાહન માલિક સુધી પહોંચી શકાય તેવા ANPR (ઓટોમેટીક નંબર પ્લેટ રિકગ્નાઇઝેશન) કેમેરા આ ગોડાઉનોમાં લગાડવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યુ કે, ગોડાઉન ખાતે લગાવવામાં આવનાર આ કેમેરાના મોનીટરીંગ માટે ગોડાઉન ખાતે, નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે અને જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લા મેનેજર(ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલનું સેટઅપ પણ કરવામાં આવનાર છે.
ફાઈલ ફોટો
ગોડાઉનો ખાતે થઈ રહેલી ગતિવિધિઓ પર સઘન મોનીટરીંગ કરી શકશે
ગોડાઉન ખાતેની વિડીયો વોલની મદદથી ગોડાઉન કેમ્પસમાં રહેલા જુદા જુદા બિલ્ડીંગ ખાતે થઈ રહેલી કામગીરીનું એક સ્થાને રહી ગોડાઉન મેનેજર લાઈવ મોનીટરીંગ કરી શકશે. તેવી જ રીતે નાયબ જિલ્લા મેનેજર(ગ્રેડ-2)ની કચેરી ખાતે બનવા જઈ રહેલી વિડિયો વોલની મદદથી તેઓના જિલ્લાના તમામ ગોડાઉનો ખાતે થઈ રહેલી ગતિવિધિઓ પર સઘન મોનીટરીંગ કરી શકશે. વધુમાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ જિલ્લા મેનેજર (ગ્રેડ-1)ની કચેરી ખાતે વિડિયો વોલના મોનીટરીંગ માટે માનવબળ પણ પુરૂ પાડવામાં આવશે. હવે મોનીટરીંગ સમયે કોઈ શંકાસ્પદ પ્રવૃતિ ધ્યાને આવે તો પ્રોએક્ટિવલી ભાગ લઈ સમયસર પગલા લઈ શકાશે.
રાજય સરકારનો મહત્વનો નિર્ણય
આ વર્ષે અંદાજે 100 લાખ કિ.ગ્રા. વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા,પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દૂધ ઉત્પાદક મંડળીઓ વિના મૂલ્યે વાઢી લઇ જઇ શકશે તેમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં અંદાજે 100 લાખ કિ.ગ્રા.વીડીના વધારાના ઘાસના જથ્થાને સ્થાનિક લોકોને ગૌ-શાળા, પાંજરાપોળ, સહભાગી વન વ્યવસ્થા સમીતિઓને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- દુધઉત્પાદક મંડળીઓને વિના મૂલ્યે વાઢી લઇ જઇ જવાની મંજૂરી આપવાનો અબોલ પશુઓની હિતમાં નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યુ કે,જુના વર્ષમાં એકત્રીત કરવામાં આવેલ કુલ. 576 લાખ કિ.ગ્રા ઘાસ હાલમાં વન વિભાગ હસ્તકના ગોડાઉનો તથા પ્લેટફોર્મ પર ગંજીમાં સંગ્રહિત છે.ચાલુ વર્ષે કુલ. 273 લાખ કિ.ગ્રા. ઘાસ વન વિભાગ પાસે ઉપલબ્ધ થનાર છે.
પ્રતિકાત્મક ફોટો
અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો મળી રહેશે
તેમણે કહ્યું કે,આ નિર્ણય દ્વારા રાજ્યના લાખો અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસનો જથ્થો મળી રહેશે. વાડીઓમાં ઘાસ વાઢી લેવાથી આવતા વર્ષે તેની ઉત્પાદન ક્ષમતા વધશે તેમજ વીડીઓમાં ઉભા ઘાસમાં દવ-આગ લાગવાની સંભાવનાઓમાં પણ ઘટાડો થશે. આ છુટછાટ આપવાથી વન વિભાગ ઉપર કોઇ આર્થિક બોજો કે ખર્ચ કે માડંવાળ કરવાની પરિસ્થિતિ ઉભી થશે નહીં . વધુમાં વીડી પ્રત્યે સ્થાનિકોની લાગણી વધશે અને તેઓને ભવિષ્યમાં પણ વીડિ સંરક્ષણ માટે વધુ પ્રેરણા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના ઘનિષ્ઠ પ્રયાસોથી છેલ્લા 10 વર્ષમાં વન વિભાગે વીડી સુઘારણા અને ઘાસ સુધારણા હેઠળ કરેલા કામેના પરિણામે ઘાસના જથ્થાનું મોટા પ્રમાણમાં એકત્રીકરણ થયું છે.
પેપરલીક મામલે સરકાર લાવશે નવો
પેપર લીક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, પેપરલીક મામલે સરકાર નવો કાયદો લાવશે. બજેટ સત્ર દરમિયાન નવો કાયદો લાવવામાં આવશે અને પેપરલીકમા સંડોવાયેલા લોકો સામે સખત સજા કરાશે. તેમણે ઉમેર્યું કે, પોલીસે રાત્રે દોઢ વાગ્યે દરોડા કરીને આરોપીઓની ધરપકડ કરી છે. ઉમેદવારો સાથે અન્યાય ન થાય તે માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને પંચાયત સેવા પસંદગી મંડળે તમામને અવગત કર્યા હતાં. તમને જણાવી દઈએ કે, પેપરલીક ઘટના બાદ ચર્ચાઓ ચાલતી હતી કે, સરકાર પેપરલીક બાબતે કાયદો લાવશે પરંતુ જે બાબતે આજે સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.