C.R. Patil big statement on gujarat election and Naresh Patel
રાજકારણ /
VIDEO: નરેશ પટેલની જાહેરાત બાદ સી. આર પાટીલનું આવ્યું મોટું નિવેદન, અમે તો ક્યારેય...
Team VTV02:11 PM, 16 Jun 22
| Updated: 02:26 PM, 16 Jun 22
ખોડલધામના ચેરમેન નરેશ પટેલની જાહેરાત બાદ C.R પાટીલે નરેશ પટેલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે.
રાજકારણમાં ન જોડાવવું એ નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય: C.R પાટીલ
વિધાનસભાની ચૂંટણી સમયસર યોજાશે: C.R પાટીલ
ચૂંટણી વહેલી કરવા ભાજપે કોઈ માંગણી કરી નથી: C.R પાટીલ
પાટીદાર અગ્રણી અને ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે રાજકારણમાં જવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જે મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલે મહત્વની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય નરેશ પટેલનો વ્યક્તિગત નિર્ણય છે. નરેશ પટેલ સક્ષમ વ્યકિત છે.' એ સિવાય વિધાનસભા ચૂંટણી અંગે પણ મહત્વની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ભાજપે ચૂંટણી વહેલી કરવા માટે કોઈ માંગણી કરી નથી. વિધાનસભાની ચૂંટણી સમયસર જ યોજાશે.'
હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું: નરેશ પટેલ
આજ રોજ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે છેલ્લાં કેટલાંય સમયથી રાજકારણમાં પ્રવેશને લઇને ચાલતી અટકળોનો આજે અંત લાવી દીધો છે. નરેશ પટેલે જણાવ્યું કે, 'રાજકારણમાં પ્રવેશ કરવાનો મારો નિર્ણય હું હાલ પૂરતો મોકૂફ રાખું છું. જો હું કોઈ પાર્ટીમાં જોડાઉ તો એક જ પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજની ચિંતા ન કરી શકું. હું કોઇ પણ પાર્ટીમાં જોડાઉ તો આપ સમજો છો એમ હું કોઇ એક પાર્ટીનો થઇ જાઉં. દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે વડીલોની ચિંતા મને થોડી યોગ્ય લાગી.'
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2022
મારો રાજકારણમાં પ્રવેશ આમ તમે રદ જ ગણી શકો: નરેશ પટેલ
આ સિવાય નરેશ પટેલે જણાવ્યું કે, 'મારો રાજકારણમાં પ્રવેશ હાલ પૂરતો મોકુફ જ છે. એટલે કે આમ તમે રદ જ ગણી શકો. પણ સમય અને સંજોગ શું કરાવે તે આપણને કે કોઇને પણ ખબર ના હોય. આને પોલિટિકલ પ્રેશર ના કહી શકાય. કેમ કે જો પોલિટિકલ પ્રેશર હોત તો હું પહેલેથી રાજકારણમાં જવાનો નિર્ણય ના લઉં.'
વડીલો 100એ 100 ટકા મને રાજકારણમાં જોડાવાની ના કહે છે: નરેશ પટેલ
નરેશ પટેલે જણાવ્યું કે, 'યુવાનોમાં 80 ટકા યુવાનો મને રાજકારણમાં જોડાઓ તેવું કહે છે. મહિલાઓમાં 50 ટકા મહિલાઓ જવાનું કહે છે અને વડીલો 100એ 100 ટકા મને રાજકારણમાં ના જોડાઓ તેવું કહે છે. હું રાજકારણમાં જઉં કે ના જઉં એ જ એક મોટી બાબત હતી. પણ આજે પૂર્ણવિરામ છે. હું શિવરાજને પણ રાજકારણમાં જવાની ના પાડીશ. કોઇ પાર્ટી નાની નથી, બધી પાર્ટી મોટી છે.'
બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીએ આંગણે ટકોરો મારી રહી છે જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ગુજરાતનો ગઢ જીતવા ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો એડી, ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન રાજકોટ ખાતે એક કર્યક્રમમાં આવેલા જીતુ વાઘાણીએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડે હાથ લીધી હતી. AAPને કેન્દ્રમાં રાખીને જીતુ વાઘાણીએ કોઇને લોભામણી જાહેરાતોમાં ન ફસાવા ટકોર કરી હતી. જીતુ વાઘાણીએ AAP પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલાં આંબા-આંબલી બતાવી બધું મફત આપવાવાળા લોકો પણ આવશે પરંતુ લોકો લોભામણી જાહેરાતોથી પર રહેજો. વધુંમાં 2022ની ચૂંટણીએ 2024માં દિલ્લી જવા માટેનો રસ્તો છે તેમ અંતમાં જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું.