Team VTV04:03 PM, 31 Aug 20
| Updated: 04:05 PM, 31 Aug 20
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને એવી આશા વ્યક્ત કરી છે કે દિવાળી સુધીમાં કોરોના કાબૂમાં આવી જશે. તેમણે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં સંભવતઃ દિવાળી સુધીમાં આપણે કોરોના વાઇરસ સંક્રમણને ઘણા અંશે નિયંત્રિત કરી લઇશું.
દિવાળી સુધીમાં કોરોના કાબૂમાં આવી જશે
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને વ્યક્ત કરી આશા
ભારત સાતથી આઠ વેક્સિન પર કામ કરી રહ્યું છે
બેંગલુરુમાં અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ વેબ સેમિનાર સિરીઝને સંબોધન કરતાં ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે ડો.દેવીપ્રસાદ શેટ્ટી અને ડો.સી.એન.મંજુનાથ જેવા નિષ્ણાતો એ વાત પર સંમત થશે કે થોડા સમય બાદ કોરોના વાઇરસ પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાઇરસની જેમ સ્થાનિક સમસ્યા બનીને રહી જશે.
કેન્દ્ર સરકાર પાંચ અલગ અલગ પદ્ધતિ અને પેટર્ન પર કામ કરે છે
દરમિયાન ભારતના વેક્સિનને લઇ તૈયાર કરવામાં આવી રહેલા ગ્લોબલ પ્લાન સાથે માહિતગાર કેટલાક અધિકારીઓએ પોતાનાં નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું છે કે કોરોના વેક્સિનને લઇ ભારતનો ગ્લોબલ પ્લાન તૈયાર છે અને કેન્દ્ર સરકાર પાંચ અલગ અલગ પદ્ધતિ અને પેટર્ન પર કામ કરી રહી છે, જેમાં વિનામૂલ્યે વેક્સિન લઇ ગેરંટેડ સપ્લાયનો પણ સમાવેશ થાય છે. એવાં પાંચ મોડલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં પશ્ચિમ એશિયા, આફ્રિકા અને એટલે સુધી કે લેટિન અમેરિકાના દેશોની સાથે-સાથે પાડોશી દેશોને મદદ કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે, જોકે પાડોશી દેશોને મદદ કરવાની બાબતમાં પાકિસ્તાનનો ઉલ્લેખ નથી એટલે કે ભારત પાકિસ્તાનને વેક્સિન પૂરી પાડશે નહીં અને તેથી પાકિસ્તાને હવે ચીનની વેક્સિન પર આધાર રાખવો પડશે.
આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસ વેક્સિન
આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને એમ પણ જણાવ્યું હતું કે કોરોના વાઇરસે આપણને એક શીખ પણ આપી છે. આ વાઇરસે આપણને શીખવાડ્યું છે કે હવે આવું કંઇક નવું થતું રહેશે, જે સામાન્ય બની જશે અને આપણે સૌએ આપણી જીવનશૈલીને લઇ વધુ સતર્ક અને સજાગ રહેવું પડશે. ડો.હર્ષવર્ધને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાઇરસ વેક્સિન મળી જવા અંગે આશા વ્યક્ત કરી હતી.
ભારત સાતથી આઠ વેક્સિન પર કામ કરી રહ્યું
ડો.હર્ષવર્ધને જણાવ્યું હતું કે ભારત સાતથી આઠ વેક્સિન પર કામ કરી રહ્યું છે. આ પૈકી ત્રણ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના તબક્કામાં પહોંચી ગઇ છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આપણને વેક્સિન મળી જશે. પ્રથમ વેક્સિન કોવાક્સિન છે, જેને ભારત બાયોટેક આઇસીએમઆર સાથે સંયુક્ત રીતે વિકસાવી છે. બીજી વેક્સિનનું નામ જાઇકોવ-ડી છે, જેને ઝાયડસ કેડિલાએ વિકસાવી છે. ત્રીજી વેક્સિન કાવિશિલ્ડ છે, જેને ઓક્સફર્ડ યુુનિવર્સિટી દ્વારા સીસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પુણે અને એસ્ટ્રાજેનેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહી છે. તેની ટ્રાયલ હાલ પુણેમાં ચાલી રહી છે. એક વેક્સિનની ટ્રાયલ તો ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂકી છે.
દરમિયાન કોરોના વેક્સિનને લઇ ભારતનો ગ્લોબલ પ્લાન સરકારી અધિકારી અને નીતિ આયોગ સાથે સંકળાયેલા ડો.વી.કે.પૌલના નેતૃત્વમાં વેક્સિન નિષ્ણાતોના ગ્રૂપ સાથે પરામર્શ દ્વારા તૈયાર થઇ રહ્યો છે.