ગુજરાતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે રાજ્યમાં કોરોનાના આંકડા છૂપાવાને લઇને વારંવાર તંત્ર પર આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરમાં રોજના 400 કેસ આવતા હોવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવામાં આવી રહ્યો છે. જેમાં સરકારી તંત્ર દ્વારા ચોપડે માત્ર 100 કેસ જ બતાવામાં આવતું હોવા અંગે પણ જણાવામાં આવ્યું છે. આમ શહેરની જનતાને સરકારના અધિકારીઓ ગેરમાર્ગે દોરે હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જો કે આ મામલે હવે સત્તાધારી પક્ષના ધારાસભ્યએ જ સરકાર આંકડા છુપાવતા હોવા અંગે કબૂલાત કરતાં એક રીતે સરકારની પોલ ખૂલી ગઇ હોય તેવું દેખાઇ રહ્યું છે.
જો કે આ અગાઉ રાજ્યના મહાનગરોમાં કોરોનાના આંકડાઓને લઇને તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યાં છે. જેમાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં કોરોનાના આંકડાઓ છુપાવવાનો વિપક્ષ દ્વારા આરોપ લગાવામાં આવતો રહ્યો છે.
વડોદરામાં વધતા કોરોનાના કેસ વચ્ચે ભાજપના ધારાસભ્યએ પણ હવે આંકડા છૂપાવતા હોવાની કબૂલાત કરી છે. ભાજપના MLAએ વહીવટી તંત્ર પર આંકડા છૂપાવવાના આરોપ લગાવ્યો છે. MLA જીતુ સુખડીયાએ કોરોનાના આંકડા છૂપાવાતા હોવાની કબૂલાત કરી છે.
શહેરમાં 400થી વધુ કેસ નોંધાતા હોવાની ભાજપ ધારાસભ્ય જીતુ સુખડીયાએ કબૂલાત કરી છે. ત્યારે રોજના 400 કેસ આવતા હોવાનો વિપક્ષ પણ આરોપ લગાવી રહ્યું છે.
વિપક્ષે આરોપ લગાવ્યો છે કે સરકારી ચોપડે માત્ર 100 કેસ બતાવામાં આવે છે જ્યારે રોજના 400 કેસ આવે છે. વડોદરાની જનતાને સરકારના અધિકારીઓ ગેરમાર્ગે દોરે છે. સયાજીગંજના ધારાસભ્યએ વડોદરાની સ્થિતિ ગંભીર ગણાવી છે.
રાજકોટમાં સરકારી ચોપડે અને કોરોના પ્રોટોકોલથી થયેલા મોતના આંકડા
રાજકોટમાં કોરોનાના સરકારી મોતના આંકડા અને ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપર મળી રહેલા આંકડામાં મોટો તફાવત આવતા ખળભળાટ મચી ગયો છે. રાજકોટના સ્થાનિક મીડિયા દ્વારા હોસ્પિટલથી સ્મશાનગૃહ સુધી સતત ચાંપતી નજર રાખવામાં આવતા આશ્ચર્યજનક અહેવાલો સામે આવી રહ્યા છે.
સુરતમાં કોરોનાની સ્થિતિ શું?
સુરતમાં કુલ કેસ- 25102 છે જ્યારે એક્ટીવ કેસ- 2580 છે.
સુરત પર મોતના આંકડા છુપાવવાના પણ થઈ રહ્યા છે આક્ષેપ
સુરત સિવિલ હોસ્પિટલમાં મૃત્યુઆંકને લઇ ફરી સવાલો ઉઠ્યા છે. સુરત સિવિલ મૃત્યુઆંક છૂપાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. જુલાઇમાં સુરત સિવિલમાં 1 હજાર 62 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી 180 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે બાકીના 882 દર્દીઓના મૃત્યુની બિમાર અંગે કેમ કોઇ કારણ સામે નથી આપ્યું. મેથી ઓગસ્ટ સુધીમાં સિવિલમાં માત્ર કોરોનાની જ સારવાર થઇ રહી છે.
ગત વર્ષે જુલાઇ મહિનામાં સુરત સિવિલમાં 297 દર્દીઓના મૃત્યુ થયા હતા. ત્યારે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 765 મૃત્યુ વધુ થયા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે સુરત સિવિલ હોસ્પિટલ મૃત્યુના આંકડા મુદ્દે ચુપ કેમ?. શું સુરત સિવિલ મૃત્યુના આંકડા છૂપાવી રહી છે? જુલાઇમાં 1062 મૃતકોમાં 180એ કોરોનાથી જીવ ગુમાવ્યો તો બાકીના 882નું શું થયું?. 1062માંથી 882 દર્દીઓ કયા કારણથી મૃત્યુ પામ્યા? અન્ય 882 મૃતકોના બિમારીના કારણ અંગે તંત્ર કેમ ચુપ છે?
આ અગાઉ અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કોરોનાથી થતા મૃત્યુને લઇને કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ સરકાર કોરોના મૃત્યુના આંકડા છુપાવતી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, સરકાર કોરોના સંક્રમણ અને મૃત્યુના આંકડા છુપાવે છે. સ્મશાનગૃહમાં લાઈનો લાગી છે. કોરોનાનો વ્યાપ અને વિસ્ફોટ વધી રહ્યો છે. સરકાર સંક્રમણ અને મૃત્યુના આંકડા છુપાવે છે. મે મહિનામાં રોજના 204 લોકોના મૃત્યુ સ્મશાનમાં નોંધાયા છે.