હાલ આખી દુનિયા કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહી છે. દુનિયાના મોટાભાગના દેશોમાં લૉકડાઉન જાહેર કરાયું છે. લૉકડાઉનને કારણે વિશ્વની સાથે જ ભારત પર ભયંકર આર્થિક મંદીના વાદળ ઘેરાઇ રહ્યા છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રની જે રિપોર્ટ સામે આવી છે તેનાથી દેશની સમસ્યા વધુ વધી શકે છે.
લૉકડાઉનને કારણે વિશ્વની સાથે જ ભારત પર ભયંકર આર્થિક મંદીના વાદળ ઘેરાયા
UN રિપોર્ટ : કોરોનાને કારણે લગભગ 10 કરોડ લોકો ગરીબી રેખાની નીચે આવી જશે
લૉકડાઉન દરમિયાન દેશને આર્થિક મંદીથી બચાવી રાખવા માટે પીએમ મોદી પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ પ્રયાસો બાદ પણ દેશની અર્થવ્યવસ્થા પર કોરોના વાયરસનો ખરાબ પ્રભાવ પડવો નિશ્ચિત છે. યૂએનની એક રિપોર્ટ મુજબ કોરોનાને કારણે લગભગ 10 કરોડ લોકો ગરીબી રેખાની નીચે આવી જશે. તેનું સૌથી મોટુ કારણ આખા દેશમાં આર્થિક ગતિવિધિઓનું પૂર્ણ રીતે ઠપ થઇ જવું માનવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રના શોધકર્તાઓએ કોરોના વાયરસને લઇને જે લૉકડાઉન જાહેર કરાયું છે, તેના પર હાલમાં જ એક વિશ્લેષણ કર્યું છે. આ આધારે આશંકા દર્શાવાઇ છે કે ભારતમાં 104 મિલિયન (10 કરોડથી વધારે) થી વધારે લોકો વિશ્વ બેન્ક (World Bank) દ્વારા નિર્ધારિત ગરીબી રેખાથી નીચે ચાલ્યા જશે. જેનો સીધો અર્થ એ થયો કે તેઓ ખુબ જ ગરીબીમાં જીવવા મજબૂર બની જશે. UN મુજબ, હાલ જે લોકો રોજીંદા 245 રૂપિયાથી પણ ઓછુ કમાય છે તેને ગરીબી રેખાની નીચે રાખવામાં આવે છે.
ભારતમાં લગભગ 60 ટકા વસ્તી એટલે કે 81 કરોડ 12 લાખ લોકો ગરીબી રેખાથી નીચે છે. હવે જો આમ બને છે તો ભારતમાં ગરીબી રેખાથી નીચે જીવી રહેલા લોકોની સંખ્યા વધીને 90 કરોડના આંકડાને પાર કરી જશે.
યૂએનના વિશ્લેષણમાં તેના માટે કોરોના વાયરસના સંકટને કારણે પેદા થયેલી સ્થિતિને જવાબદાર ગણાવી છે. જે 60 ટકા ભારતીય હાલ ગરીબી રેખાથી નીચે જીવી રહ્યા છે, આ વધીને 68 ટકા સુધી પહોંચી શકે છે. એક દાયકા પહેલા ભારતની આ સ્થિતિ હતી પરંતુ સરકારના પ્રયાસો બાદ ગરીબી રેખાથી બહાર આવનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. રિપોર્ટમાં એમ પણ બતાવાયું છે કે ગરીબી ઓછી કરવાના સરકારના વર્ષોના પ્રયાસ પર મોટો ધક્કો લાગ્યો છે.
સામાન્યપણે વિશ્વ બેન્ક દેશોને ચાર વ્યાપક આવકની કેટેગરીમાં વર્ગીકૃત કરે છે. જેના આધારે તેઓને ગરીબી રેખાની વચ્ચે વહેંચવામાં આવે છે. ભારત નિમ્ન મધ્યમ આવક વર્ગ વાળા દેશમાં આવે છે.
એક એવો દેશ જ્યાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક સકલ રાષ્ટ્રીય આવક 78,438થી લઇને 3 લાખ રૂપિયાની વચ્ચે છે. એ દેશોમાં પ્રતિ દિવસ 245 રૂપિયાથી ઓછુ કમાતા લોકોને ગરીબી રેખાથી નીચે માનવામાં આવે છે.