ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે અમદાવાદ શહેરની સ્થિતિ દિવસે-દિવસે અતિ વિકટ બની રહી છે. શહરેમાં કોર્પોરેશનના લાખ પ્રયત્ન છતાં શહેરમાં કૂદકે ને ભૂસકે કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં અત્યાર સુધી સૌથી વધુ 4076 કેસ નોંધાયા છે. ત્યારે આજે શહેરના હાટકેશ્વરમાં 21 શાકભાજીના ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાટકેશ્વરમાં 21 શાકભાજીના ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ
સુપર સ્પ્રેડરને કોરોના થતા તંત્ર આવ્યુ હરકતમાં
હીરાપુર વોર્ડને ક્લસ્ટર કોરોન્ટાઈન કરવામાં આવ્યું
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ છે. સુપર સ્પ્રેડરને કોરોના થતા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.
શહેરના હાટકેશ્વર વિસ્તારના હીરાપુર વોર્ડને ક્લસ્ટર કોરન્ટાઈન કરાયું છે. ત્યારે હવે શાકભાજી ફેરિયાઓના સંપર્કમાં આવેલા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરાશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ અમદાવાદ શહેરમાં સુપર સ્પેડરને લઇને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં AMC નું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ધારક જ શાકભાજી વેચી શકશે. શહેરમાં કુલ 1409 શાકભાજીના ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવામાં આવ્યાં હતા. ત્યારે આજરોજ શહેર હાટકેશ્વર વિસ્તારમાંથી 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.