coronavirus in gujarat marriage function permission gujarat police
ખાસ વાંચો /
લગ્નમાં 100 લોકોને આમંત્રણ આપી શકશો એવું માનતા હોવ તો તમારું ગણિત બગડશે, જાણી લો બરાબર નિયમ
Team VTV05:18 PM, 24 Nov 20
| Updated: 05:25 PM, 24 Nov 20
કોરોના મહામારીની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિમાં શહેરમાં અનેક પરિવારમાં લગ્ન લેવાયાં છે, જેના કારણે જે તે વિસ્તારના અનેક લોકો લગ્નની મંજૂરી માટે પોલીસ મથકે આવી રહ્યા છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ દિવસ દરમિયાન લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો હાજર રહી શકશે, પરંતુ આ લોકોમાં વર-વધૂની પણ ગણતરી થઇ જશે.
ગુજરાતમાં કોરોના બન્યો બેકાબૂ
લગ્ન પ્રસંગમાં 100 લોકો જ આપી શકશે હાજરી
100 વ્યક્તિની મંજૂરીમાં વર-વધૂ કે યજમાન અને ગોર મહારાજ અને રસોઇયાનો પણ સમાવેશ
જે વ્યક્તિ દ્વારા લગ્નની મંજૂરી મેળવવામાં આવશે તેમણે ૧૦૦ વ્યક્તિ જ હાજર રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે, જેમાં લગ્ન સ્થળે વર-વધૂ, ગોર મહારાજ, મહેમાનો,ઢોલી-રસોઈયા સહિત ૧૦૦ લોકો જ હાજર રહી શકશે.
નિયત કરાયેલ ફોર્મમાં લગ્નની મંજૂરી
જે તે વ્યક્તિએ તેમના વિસ્તારના પોલીસ મથકમાંથી નિયત કરાયેલ ફોર્મમાં લગ્નની મંજૂરી મેળવવાની રહેશે, જેમાં મહેમાનની યાદી ઉપરાંત કેટરિંગ સંચાલકનાં નામ-સરનામું અને મોબાઇલ નંબર પણ દર્શાવવાનાં રહેશે, લગ્નની મંજૂરી આપ્યા બાદ જે તે દિવસે પોલીસ દ્વારા લગ્ન સ્થળે તપાસ કરવામાં આવશે તેમજ કેટરિંગ સંચાલકને પણ કેટલી વ્યક્તિ માટે ભોજનનો ઓર્ડર આપવામાં આવ્યો છે તેની તપાસ કરી ખાતરી કરવામાં આવશે એટલે કોઈ લગ્ન આયોજક એવું વિચારશે કે ૧૦૦ વ્યક્તિની મંજૂરીમાં વર-વધૂ કે યજમાન અને ગોર મહારાજ સિવાયના મહેમાનને આમંત્રણ આપી શકાશે તો આવું કરવાથી તેમને દંડાવું પડશે.
લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી પાણીમાં ગઇ
એ સમયે ર૦૦ લોકોને આમંત્રણ આપી ચૂકેલા યજમાનો-વેવાઇઓ મુંઝાયા છે અને પરિવારજનો ચિંતામાં મુકાયા છે, જેમના ઘરે લગ્ન પ્રસંગ છે એ માતા-પિતાના જણાવ્યા મુજબ લગ્ન લખાઈ ગયાં એટલે રદ નથી કર્યાં પણ પ્રસંગ માટે ઉત્સાહ નથી. દીકરીનાં લગ્ન ધામધૂમથી કરવા માટે તૈયારી કરી હતી તે બધી જ તૈયારી પાણીમાં ગઈ.
૧૦૦ માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા
પહેલાં કેટરિંગ, મંડપ ડેકોરેશન બધાંના ઓર્ડર કેન્સલ કર્યા. હજુ એ ટેન્શન પૂરું થયું ત્યાં ૧૦૦ માણસની મંજૂરી મળવાના સમાચાર મળ્યા. ભાઈઓ-કુટુંબના લોકોને સપરિવાર આમંત્રણ આપ્યું હતું તેના બદલે હવે માત્ર બે જ વ્યક્તિ નક્કી કર્યા છે. મિત્ર-સ્નેહીઓનાં નામ ફરજિયાતપણે લિસ્ટમાંથી કાઢવાં પડે તેવી પરિસ્થિતિ છે. જેટલો માનસિક થાક તૈયારી કરવામાં નહોતો લાગ્યો તેટલો આમંત્રણ કેન્સલ કરવામાં અને સમય મર્યાદામાં લગ્ન આટોપી લેવામાં થયો છે.