એક તરફ વિશ્વભરમાં કહેર મચાવનાર કોરોના વાયરસ ભારતમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે કોરોના વાયરસ પીડિત દેશમાંથી તાજેતરમાં પરત ફરેલા 10 લોકો પંજાબના લુધિયાણાથી ગાયબ થઇ ગયા છે. અધિકારીઓએ આ અંગે જાણકારી આપી છે.
કોરોના વાયરસનો ભારતમાં કહેર
લુધિયાણામાંથી કોરોનાગ્રસ્ત 10 લોકો ભાગી ગયા
એક અધિકારીએ આપેલી જાણકારી અનુસાર, અલગ-અલગ દેશોમાંથી કુલ 480 લોકો લુધિયાણા આવ્યા હતા પરંતુ તેમાથી 10 લોકોની જાણકારી પ્રાપ્ત થઇ શકી નથી. ડેપ્યુટી કમિશ્નર પ્રદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારે આ 10 લોકો ગાયબ થઇ જતા તંત્ર તેમને શોધવા કામે લાગ્યું છે.
એર ઇન્ડિયાએ ઇટાલી, ફ્રાન્સ, જર્મની, તથા અન્ય ચાર દેશની ફ્લાઇટ કરી રદ્દ
આપને જણાવી દઇએ કે, કોરોના વાયરસની મહામારીની ચિંતા વચ્ચે સરકારી વિમાન કંપની એર ઇન્ડિયાએ ઇટાલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇઝરાઇલ, દક્ષિણ કોરિયા, તથા શ્રીલંકા જતી ફ્લાઇટો આગામી 30 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી. આ પહેલા એક ઇન્ડિયાએ કુવૈત જતી ફ્લાઇટ બંધ કરી હતી.
સમગ્ર દેશમાં 52 સ્થળે સેન્ટર શરૂ કરવામાં આવ્યા
વિશ્વભરમાં કહેર મચાનાર કોરોના વાયરસની ભારતમાં પણ એન્ટ્રી થઇ ચૂકી છે અને એક વ્યક્તિનું મોત નિપજ્યું છે ત્યારે આ મામલે સરકાર પણ દોડતી થઇ છે. કોરોના વાયરસની તપાસ કરવા માટે સમગ્ર દેશમાં 52 સ્થળે સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાના 81 કેસ
કોરોનાવાયરસને કારણે દેશમાં પ્રથમ મૃત્યુ કેસની પુષ્ટિ થઈ છે. તો અન્ય તરફ ગુરુવારે પુણેમાં બીજા કોરોના વાયરસથી સંક્રમિત દર્દી નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 81 કેસ નોંધાયા છે.