Corona virus vaccine various ulema rasies questions against corona vaccine
સવાલ /
કોરોના વેક્સિનમાં જો આ હશે તો અમારા માટે હરામ : ઓલ ઇન્ડિયા સુન્ની જમિયત ઉલેમા
Team VTV12:11 PM, 24 Dec 20
| Updated: 12:28 PM, 24 Dec 20
કોરોના વાયરસની રસીને લઈને ભારતમાં હવે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં રસીનો ડોઝ આપવામાં આવે તે પહેલા જ તેના પર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે.
કોરોના વેક્સિનમાં વપરાયેલા પદાર્થો પર ઉભા થયા સવાલો
વિશ્વભરના મુસ્લિમ ધર્મગુરુઓએ ઉભા કર્યા સવાલો
રસીની અંદર ભૂંડની ચરવી વપરાઈ હોય તો તે હરામ છે, તેવા તર્ક આપી રહ્યા છે ઉલેમાઓ
ભારતમાં વેક્સિન આવે તે પહેલા જ ઉભા થયા સવાલો
દુનિયામાં કોરોના વાયરસની વેક્સિનને લઈને આશા જાગી છે કે હવે મહામારી સામે બધાને થોડી રાહત મળી જશે. કોરોના વાયરસની રસીને હવે થોડા દિવસમાં જ મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓમાં આ રસીએ લઈને અલગ જ ચિંતા વ્યાપી છે. ઓલ ઇન્ડિયા સુન્ની જમિયત ઉલેમાની બેઠકમાં કડક શબ્દોમાં કહેવામાં આવ્યું કે સરકાર રસીકરણ શરુ કરે તે પહેલા મુસ્લિમ ધર્મના ઉલેમા અને મૌલવીઓને રસીની અંદરના પદાર્થ વિશે સૂચના આપે તો જ રસીકરણ શરુ કરવામાં આવે અને જો આ રસીમાં ભૂંડની ચરબી હશે તો તે અમારા માટે હરામ છે અને તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
દુનિયાભરમાં આ જ માથાકૂટ
નોંધનીય છે જે આ પ્રશ્ન માત્ર ભારતમાં જ નહીં વિશ્વના કેટલાય દેશોમાં વેક્સિન આવે તે પહેલાથી જ આ પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જોકે બીજી તરફ UAE દ્વારા કહી દેવામાં આવ્યું કે જો વેક્સિનમાં ભૂંડની ચરબી છે તોય કોઈ વાંધો નથી બધા ડોઝ લો. યુએઈની શીર્ષ ઇસ્લામિક સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું કે જો વેક્સિનમાં ભૂંડનું માંસ હોય તો પણ કોઈ વાંધો નથી.
UAEએ કહી દીધું, અમને કોઈ વાંધો નથી
જોકે દુનિયાભરમાં વિવિધ ઈસ્લામિક ધર્મગુરુઓ દ્વારા આ મુદ્દા પર વીવાળા થઇ રહ્યો છે કે ભૂંડના માંસનો ઉપયોગ યોગ્ય છે કે નહીં. સંયુક્ત અરબ અમીરાતની કાઉન્સિલના અધ્યક્ષ કહી રહ્યા છે કે જો કોઈ વિકલ્પ બચ્યો ન હોય તો કોરોના વાયરસના ડોઝમાં તેના ઉપયોગને મંજૂરી આપવામાં આવે છે કારણ કે પહેલી પ્રાથમિકતા તો મનુષ્યનું જીવન બચાવવાનું છે. કાઉન્સિલે કહ્યું કે તેનો ઉપયોગ તો દવાના રૂપમાં થશે અને ભોજન નહીં.
નોંધનીય છે કે જ્યાં મહામારી વચ્ચે વિવિધ કંપનીઓ રસીકરણ કરવા માટે તડામાર તૈયારી કરી રહી છે ત્યાં આ પ્રકારના ઉઠતા સવાલોના કારણે રસીકરણ અભિયાનમાં અડચણ આવે તેવી આશંકા છે.
શું કહી રહી છે કંપનીઓ
ફાઈઝર, મોડર્નાં અને એસ્ટ્રાજેનેકા જેવી કંપનીઓના પ્રવક્તાઓએ કહ્યું છે કે કોરોના વાયરસની વેક્સિનમાં ભૂંડના માંસથી બનેલા કોઈ ઉત્પાદનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી પણ કેટલીક કંપનીઓ હજુ પણ સ્પષ્ટ નથી કહી રહી એવામાં ઇન્ડોનેશિયા જેવા દેશો કે જ્યાં મુસ્લિમોની સંખ્યા ખૂબ વધારે છે ત્યાં ચિંતા પ્રસરી છે.
શું છે પોર્ક જિલેટિન
નોંધનીય છે કે જિલેટિન એ જાનવરોની ચરબીમાંથી પ્રાપ્ત થયા છે અને જે જિલેટિન ભૂંડની ચરબીમાંથી બને તેને પોર્ક જિલેટિન કહેવામાં આવે છે. ખાસ કરીને વેક્સિનના નિર્માણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કંપનીઓનું એવું માનવું છે કે વેક્સિનના સુરક્ષિત સ્ટોરેજ માટે તેની જરૂર પડે છે.