ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી કુલ 500થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. 28 હજાર 18 મામલા સામે આવ્યા છે. ત્યારે મૂળ અમદાવાદની જેસલ પટેલ ચીનના યાંક લૉ ફર્મમાં ઇન્ટર્ન તરીકે તાલીમ લઇ રહી હતી. જે મહામહેનતે ભારત આવી છે.
ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો
મૂળ ભારતીય જેસલ પટેલ ચીનમાંથી નીકળી તો દિલ્હી ફસાઇ
મહામહેનતે પહોંચી અમદાવાદ એરપોર્ટ
મૂળ અમદાવાદની જેસલ પટેલ લંડનમાં પરિવાર સાથે રહેતી હતી. તે લંડનની બ્રૂનેલ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી રહી છે. આ અભ્યાસના ભાગરૂપે તે છેલ્લા ત્રણ મહિનાથી ચીનની યાંક લૉ ફર્મમાં ઇન્ટર્ન તરીકે તાલીમ લેવા ગઇ હતી. જ્યાં તેને ચીનના સ્થાનિક પરિવાર સાથે રહીને પોતાનો અભ્યાસ કરવાનો હતો. પરંતુ ચીનમાં કોરોના વાયરસે સર્જેલા હાહાકાર વચ્ચે તે ફસાઇ ગઇ હતી. જાણો કેવી રીતે પહોંચી ભારત...
જેસલ ચીનમાંથી હેમખેમ બહાર નકળી ગઇ હતી પરંતુ તેને ભારતમાં પ્રવેશ ન મળ્યો. બીજી તરફ તેના લંડનમાં વસતા પરિવાર પાસે યુકેની ફ્લાઇટમાં જવા પ્રયત્નો કર્યા પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો. જેસલને એરપોર્ટ પર પોતાને શરણ આપવા માટે આજીજી કરવી પડી હતી અને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું.
શું બની હતી સમગ્ર ઘટના?
ચીનથી રવાના થઇ તે દિવસે જ ભારત સરકારે જાહેર કર્યું હતું એક સર્ક્યુલર
ચીનના શાંઘાઇથી ભારત આવવા માટે જેસલ ફ્લાઇટમાં બેસી ગઇ હતી. જેલસ જ્યારે ફ્લાઇટમાં બેઠી હતી તે સમયે ચીનથી આવતા OCI સર્ટિફિકેટ ધરાવતા લોકોને ભારતમાં પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ તે દિવસે જ ભારત સરકાર દ્વારા એક સર્ક્યુલર જાહેર કરાયું હતું કે ચીનથી આવતા OCI સર્ટિફિકેટ ધરાવતા લોકોને પણ ભારતમાં પ્રવેશ નહીં અપાય. જેને લઇને જેસલને સુરક્ષા કર્મીઓએ ભારતમાં પ્રવેશ આપવાની ના પડી હતી. જોકે આ સર્ક્યુલર ભારતમાં જાહેર થયા પહેલા જ તે ભારત આવતી ફ્લાઇટમાં બેસી ગઇ હતી. તેમ છતા પણ અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પર તેને રોકી દીધી હતી. તે ચીનથી આવી હોવાથી તેને એરપોર્ટ બહાર જવાની પણ મનાઇ ફરમાવવામાં આવી હતી.
જેસલ અધિકારીઓને રિક્વેસ્ટ કરી રહી અને અધિકારીઓએ તેને પરત શાંઘાઇ જવા માટે કહ્યું હતું. જોકે જેસલે શાંઘાઇ જવા માટે ના પાડી દીધી હતી. જેસલે ખુબ મહેનત કરી બાદમાં અધિકારીઓ માન્યા અને શાંઘાઇ ન મોકવાની વાત મનાવવામાં સફળ રહી.
દિલ્હી એરપોર્ટ પર મને જમવાનું તો શું ચાર્જર પણ નહોતા આપતાઃ જેસલ
જેસલ પટેલે એક વીડિયો શેર કરીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આક્રોષ પણ ઠાલવ્યો હતો. વીડિયોમાં તેણે કહ્યું કે, દિલ્હી એરપોર્ટ પર સુરક્ષા અધિકારીઓ દ્વારા મારી સાથે ગેરવર્તન થયું. તેઓ મને સતત ચીન જવા માટે કહી રહ્યા હતા. તેઓ મને દિલ્હીથી યૂકે મોકલવા માટે પણ તૈયાર ન હતા. મારી સાથે એવું વર્તન થયું જાણે હું માણસ જ ન હોઉ. મારો કોરોના વાયરસના ટેસ્ટ પણ નેગેટિવ હતા છતા પણ મારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. સાત-આઠ કલાકથી ભૂખી હતી તો મને જમવાનું ન આપ્યું અને મોબાઇલમાં ચાર્જ નહોતું તો ચાર્જર આપવાની પણ ના પાડી દીધી. જેને લઇને મારે પેસેન્જર પાસે જમવા અને ચાર્જર માટે ભીખ માગવી પડી હતી. એક વ્યક્તિએ મને જમવાનું આપ્યું હતું. કલાકો પછી પેટમાં કંઇક પડ્યું હતું. જેસલના પિતાએ પણ દિલ્હી એરપોર્ટના સુરક્ષા અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો.
#missingsushmaswaraaj@DrSJaishankar I am exhausted I m tired I m scared no one seems to help I thought india is my country too but I was wrong I came to india coz I thought it’s safe and quickest way to come out of China but I was wrong OCI has no value.-Jesal pic.twitter.com/N8MfKSoUQv
જોકે તેમના પિતા, પરિવાર અને લોકો દ્વારા મદદ માંગવામાં આવી હતી. ત્યારે જેસલ પટેલ 24 કલાક દિલ્હી એરપોર્ટ પર ફસાયા બાદ હેમખેમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. અમદાવાદ તેના કાકાના ઘરે જેસલ પરત ફરી છે.