કોરોના અને ઈન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો એકસમાન છે, પરંતુ શું કોરોનાની વેક્સીનથી ઈન્ફ્લુએન્ઝા વાયરસ સામે રક્ષણ મેળવી શકાશે?
કોરોનાના કહેર બાદ ભારતમાં H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોમાં H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસના 3,000 થી વધુ કેસ નોંધાયા છે અને બે લોકોના મૃત્યુ થયા છે. H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસમાં કોરોનાની જેમ જ શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ વાયરસના લક્ષણો કોરોના જેવા જ હોવાને કારણે શું કોરોનાની રસીથી આ વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે? જે લોકોએ કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો છે, તે લોકોમાં ઈન્ફ્લુએન્ઝા વાયરસની અસર વધુ જોવા નહીં મળે? નિષ્ણાંતોએ આ બાબતે યોગ્ય સલાહ આપી છે.
નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગૃપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) ના પ્રમુખ ડૉ. એન. કે. અરોડાએ જણાવ્યું છે કે, H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસના લક્ષણો અને કોરોનાના લક્ષણો એકસમાન છે. H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસમાં શરદી, ખાંસી અને તાવ આવે તો લોકોને એમ જ સમજે છે કે, આ વાયરસ કોરોના જેવો જ હશે. હકીકતમાં આ એક સીઝનલ વાયરસ છે, જે લગભગ દર વર્ષે ઋતુ બદલાય ત્યારે સંક્રમણ ફેલાવે છે. દર વર્ષે આ પ્રકારે થાય છે, તેમાં કોઈ નવી વાત નથી. આ બાબતે ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, કોરોનાની વેક્સીનનો આ વાયરસ સાથે કોઈ સંબંધ નથી. જે લોકો એવું સમજી રહ્યા છે કે, કોરોનાની વેક્સીન લેવાથી H3N2 ઈન્ફ્લુએન્ઝા વાયરસની કોઈ અસર નહીં થાય, તો તે વાત તદ્દન ખોટી છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસની અલગ રસી હોય છે અને તે ભારતમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ઈન્ફ્લુએન્ઝા વેક્સીન જુલાઈ-ઓગસ્ટમાં આપવામાં આવે છે.
ઈન્ફ્લુએન્ઝા વાયરસના કારણે મૃત્યુ
60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ, ફેંફસાની બિમારીથી પીડિત વ્યક્તિ, નાના બાળકો અથવા કોમોરબિડ વ્યક્તિ આ વેક્સીન લઈ શકે છે. કોઈપણ વ્યક્તિ આ વેક્સીન લઈ શકે છે, પરંતુ આ તમામ વ્યક્તિઓને આ વેક્સીનની વધુ જરૂરી છે. ઈન્ફ્લુએન્ઝા વાયરસ વધુ જોખમી નથી, ખૂબ જ રેર કેસમાં આ વાયરસના કારણે મૃત્યુ થાય છે. આ મૃતકોમાં મોટાભાગે ફેફસાથી પીડિત વ્યક્તિ, બાળકો અને વૃદ્ધ વ્યક્તિ હોય છે.
ઈન્ફ્લુએન્ઝા વેક્સીન
આ એક સીઝનલ વેક્સીન છે. દર વર્ષે આ વાયરસમાં પણ મ્યૂટેશન થાય છે અને નવો વેરિએન્ટ આવે છે, આ કારણોસર દર વર્ષે ઈન્ફ્લુએન્ઝાની નવી વેક્સીન આવે છે. આ વેકસીન સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી, આ કારણોસર આ વેક્સીન લેવા માટે ખાનગી હોસ્પિટલમાં જવું પડશે. ઈન્ફ્લુએન્ઝા વાયરસની નવી વેક્સીન જુલાઈ બાદ ઉપલબ્ધ થશે.