corona peak in 10 to 15 days delhi covid 4th wave XE variant symptoms
સાવચેત રહેજો /
નિષ્ણાંતોની ચેતવણી, આગામી 10થી 15 દિવસમાં દેશના આ શહેરમાં પીક પર હશે કોરોનાની ચોથી લહેર
Team VTV03:25 PM, 04 May 22
| Updated: 03:28 PM, 04 May 22
દિલ્હીમાં સતત કોરોનાના કેસમાં વધી રહ્યાં છે ત્યારે નિષ્ણાંતોએ ચેતવણી આપતા જણાવ્યું કે, 'દિલ્હીમાં આગામી 10થી 15 દિવસમાં કોરોનાના કેસ પીક પર હશે.'
Omicron ના XE વેરિઅન્ટે લોકોની ચિંતામાં કર્યો વધારો
આગામી 10થી 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાના કેસ હશે પીક પર
દિલ્હીમાં છેલ્લાં બે અઠવાડિયાથી નોંધાઈ રહ્યાં છે સતત એક હજારથી વધુ કેસ
ભારતમાં Omicron ના XE વેરિઅન્ટે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ત્યારે આવી સ્થિતિમાં, હવે એવી આશંકા સેવાઇ રહી છે કે આગામી 10થી 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાના કેસ પીક પર હશે. ત્યારે અહીંયા જોઇશું કે, ઓમિક્રોનના આ નવા XE વેરિઅન્ટ વિશે ડોક્ટરોનું શું કહેવું છે.
દિલ્હીમાં આગામી 10થી 15 દિવસમાં જ કોરોનાના કેસ ચરમસીમાએ હશે
ભારતમાં કોરોનાના નવા XE વેરિઅન્ટના વધી રહેલા કેસોએ લોકોમાં અને તંત્રમાં પણ ચિંતા વધારી દીધી છે. છેલ્લાં ઘણાં દિવસથી કોરોનાના કેસોમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ત્યારે વધતા જતા કોરોનાના કેસો વચ્ચે દિલ્હીની ટોચની હોસ્પિટલોના ડૉક્ટરોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, દિલ્હીમાં આગામી 10થી 15 દિવસમાં જ કોરોનાના કેસ ચરમસીમાએ હશે, પરંતુ તે તુરંત ઘટવા પણ લાગશે.
તમને જણાવી દઈએ કે, છેલ્લાં બે અઠવાડિયાથી દિલ્હીમાં સતત એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. સોમવારે દેશની ટોચની તબીબી સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, દેશમાં કોરોનાના વધતા જતા કેસોને ચોથી લહેરના બદલે લોકલ ટ્રેન્ડના રૂપમાં જોવા જોઈએ.
દિલ્હીમાં કોરોનાના કેસ વધવા પાછળનું કારણ ટેસ્ટિંગમાં ઘટાડો
ડૉક્ટરોએ જણાવ્યું કે, દિલ્હીમાં કોરોનાના જેટલાં પણ કેસ આવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તેનાથી ઓછાં કેસ આવવાનું એક કારણ ટેસ્ટિંગ ઓછું થવાનું પણ છે. સફદરજંગ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન હેડ જુગલ કિશોરે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવ રેટ વધારે હોવા પાછળનું કારણ એ છે કે, ઓથોરિટી માત્ર ફોકસ્ડ ટેસ્ટિંગ કરી રહી છે, માત્ર એવાં લોકોનું કોરોનાના લક્ષણો માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે કે જેમની અંદર કોરોનાના લક્ષણ દેખાઇ રહ્યાં છે. આવી સ્થિતિમાં તેમની પોઝિટિવ થવાની શક્યતાઓ વધારે છે.
ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટના લક્ષણો માત્ર 3થી 5 દિવસ જ દેખાય છે
તેઓએ કહ્યું કે, ઓમિક્રોનના આ નવા સબ-વેરિઅન્ટના લક્ષણો માત્ર 3થી 5 દિવસ માટે જ દેખાય છે. આવી સ્થિતિમાં, આગામી 10થી 15 દિવસમાં દિલ્હીમાં કોરોનાના કેસ ટોચ પર હશે પરંતુ એક અઠવાડિયામાં તે ઘટવા લાગશે. વધુમાં એમ પણ કહ્યું કે, ઓમિક્રોનનો આ નવો સબ-વેરિઅન્ટ સંક્રમિત છે પરંતુ તેના લક્ષણો બિલકુલ હળવા છે. આવી સ્થિતિમાં, લોકો તેને હળવાશથી ન લે અને સંપૂર્ણ કાળજી લે તે જરૂરી છે.
દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 19 હજારને પાર
જણાવી દઈએ કે, બુધવારે દેશમાં કોરોનાના નવા 3,205 કેસ નોંધાયા છે. જે મંગળવાર કરતાં 24.8 ટકા વધારે હતા. આ સાથે જ દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 19 હજારને પાર થઇ ગઈ છે. આ પહેલાં મંગળવારે 2,568 કોરોનાના કેસ જોવા મળ્યા હતા અને કોરોનાના કારણે 20 લોકોના મોત નિપજ્યાં હતા.