Corona is a disaster in this city in Gujarat, with 20 cases reported in a single day
મહામારી /
ગુજરાતમાં આ શહેરમાં આફત બની રહ્યો છે કોરોના, એક જ દિવસમાં 20 કેસ નોંધાતા હડકંપ
Team VTV10:15 AM, 27 Dec 21
| Updated: 04:32 PM, 27 Dec 21
ગુજરાતમાં નવેમ્બર મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા છે
સુરતમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા
વિદ્યાર્થીઓ અને શિક્ષક કોરોના પોઝિટિવ
અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ
ગુજરાતમાં નવેમ્બર મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 177 નવા કેસ નોંધાયા છે. જ્યારે 66 દર્દીને ડિસ્ચાર્જ થયા છે હાલ રાજ્યમાં એક હજારની નજીક 948 એક્ટિવ પહોંચી ગયા છે. ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં કોરોના કેસ અને ઓમિક્રોન કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ
સુરત શહેરમાં એક દિવસમાં કોરોનાના વધુ 20 કેસ નોંધાયા છે જ્યારે અડાજણમાં એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા આરોપી વિભાગ દોડતું થયું છે આ તરફ ભેસ્તાનની નગર પ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓ અને એક શિક્ષક કોરોના સંક્રમિત બન્યા છે, તો બુડિયા ગામે પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ તરફ દુબઈ અને રાજસ્થાનનો પ્રવાસ કરનાર બે વેપારીઓ પણ કોરોના સંક્રમિત બન્યા છે.
આણંદમાં આફત બનીને આવતો કોરોના
ઓમિક્રોનની દહેશત વચ્ચે ખેડાના આણંદ જિલ્લામાં પણ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આણંદ શહેરમાં એક દિવસમાં 18 નવા કેસ સામે આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે આ 18 કેસમાં 10 કેસ એવા છે જે લોકો વિદેશની પરત ફર્યા છે, આ તમામના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 49 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનના 49 કેસ નોંધાઈ ચુક્યા છે, તો ઓમિક્રોનના 13 દર્દીઓ સાજા થયા છે. ઓમિક્રોન વેરિએન્ટનના કેસની જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરામાં 17 કેસ, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 06 કેસ, આણંદમાં 4 કેસ, રાજકોટમાં 2 કેસ, જામનગરમાં 3 કેસ, મહેસાણામાં 3 કેસ જ્યારે સુરતમાં 2 અને ગાંધીનગરમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે.
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો બેફીકર
ગુજરાતમાં કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે મુસાફરો અને પ્રવાસીઓ બેફીકર જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરો એરપોર્ટના ગેટની બહાર જ માસ્ક વગર જોવા મળ્યા, જ્યારે બીજી તરફ એરપોર્ટ પર વેક્સિન સર્ટિનું ચેકિંગ, કોવિડ ટેસ્ટના દાવા કરવામાં આવી રહ્યા છે, આમ એરપોર્ટના દાવા વચ્ચે પેસેન્જરોની બેદરકારી સામે આવતા મનપાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે.