યાત્રાધામ અંબાજી ખાતે અપાતા મોહનથાળના પ્રસાદને બંધ કરતા ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે 'ચિક્કી નાબૂદ કરો, મોહનથાળ પ્રસાદ ચાલુ કરો' ના પોસ્ટરો અંબાજીમાં લાગ્યા છે.
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરતા વિવાદ
મોહનથાળની જગ્યાએ ચિક્કીનો પ્રસાદ મળતા વિરોધ
ચિક્કીને બંધ કરી મોહનથાળના પ્રસાદને ફરી શરૂ કરવાની માંગ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે મોહનથાળ પ્રસાદના મામલાને ચાર દિવસ થઈ ચૂક્યા છે. ત્યારે હજી સુધી મોહનથાળના પ્રસાદના મામલાનો અંત આવ્યો નથી. ત્યારે વિવિધ સંસ્થાનો, આગેવાનો અને પાર્ટીઓ દ્વારા અંબાજી મંદિર અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. તો સાથે-સાથે ગુજરાત અને દેશભરના ભક્તોની પણ પ્રબળ માંગ છે કે અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો મહાપ્રસાદ ચાલું થાય. પરંપરાગત વર્ષોથી ચાલતો આવતો અંબાજી મંદિરની ઓળખ અને રાજભોગ એવો મોહનથાળનો મહાપ્રસાદ બંધ કરીને ચિક્કીનો પ્રસાદનું વેચાણ કરાતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે.
અંબાજીની બજારો અને સર્કલોમાં લાગ્યા પોસ્ટરો
યાત્રાધામ અંબાજીના અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા અંબાજીના ગ્રામજનો અને ભાવીભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આજે સવારથી અંબાજીના તમામ સર્કલો અને બજારો સહિતના મંદિરના મુખ્ય દ્વાર આગળ પણ ચિક્કીને નાબૂદ કરો અને મોહનથાળ રાજભોગને ફરીથી ચાલુ કરો તેવા પોસ્ટરો જોવા મળી રહ્યા છે.
યાત્રિકોને પણ કરાઈ વિનંતી
સાથે સાથે અંબાજીના ઠેર-ઠેર માર્ગે લાગેલા આ પોસ્ટરોમાં તમામ યાત્રિકોને પણ નમ્ર વિનંતી પણ કરવામાં આવી રહી છે કે ચિક્કી લેવાનું ટાળો અને મોહનથાળના પ્રસાદની માંગણી કરો.
8 તારીખ સુધીનું આપવામાં આવ્યું છે અલ્ટીમેટમ
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા અંબાજી હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. અંબાજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને 8 તારીખ સુધીમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માગ કરી છે. તેમજ જો 8 તારીખ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. વધુમા ગ્રામજનો સાથે મિટિંગ યોજી ગામ બંધ કરવાની તૈયારી દર્શાવી અને વહેલી તકે મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા જણાવ્યું છે.
કોંગ્રેસે કરી રજૂઆત
તો અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ વિવાદ મામલે યાત્રાધામ વિકાસ બોર્ડ ઓફિસમાં કોંગ્રેસે રજૂઆત કરી હતી. જેમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પ્રસાદ બદલાતા ભક્તોની લાગણી દુભાઈ છે. મોહનથાળનો પ્રસાદ બંધ ન થવો જોઈએ. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, સી જે ચાવડા, ગેનીબેન ઠાકોર રજુઆત માટે જૂના સચિવાલય ખાતે પહોંચ્યા હતા.
પરંપરા ન તોડવા અપીલ
બીજી તરફ આ મામલે કરણી સેનાએ પણ રોષ ઠાલવ્યો છે. રાજકોટમાં કરણી સેનાના અગ્રણીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે. પ્રસાદ વિતરણની જવાબદારી તંત્ર ન સંભાળી શકે તો અમને આપો. તેમ કહી પ્રસાદ વિતરણની જવાબદારી કરણી સેના સ્વીકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોઈપણ સંજોગોમાં પરંપરા નહીં તોડવા કરણી સેનાના અગ્રણીએ અપીલ કરી હતી.
કલેક્ટરની પ્રસાદ શરૂ કરાવવા આપી ખાતરી
છેલ્લા 4 દિવસથી સોશિયલ મીડિયા સહિત અનેક જગ્યાએ માઈભક્તોમાં અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદ બંધ થવાની લઈને નારાજગી છે. ત્યારે અનેક સંગઠનોએ પણ રજૂઆત કરી છે ત્યારે ગઈકાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તમામ હિન્દુ સંગઠનોએ કલેકટરને રજૂઆત કરીને મોહનથાળ પ્રસાદ શરૂ કરવાની માંગ કરી હતી. ભક્તોની લાગણી અને ધાર્મિક આસ્થાને ઠેસ ન પહોંચે તેવા પ્રયત્નો કરવા હિન્દુ સંગઠનો માંગ કરી હતી.