Controversy over CM Mamata's photo on vaccine certificate in Bengal
પ્રતિષ્ઠાની જંગ /
બંગાળમાં વેક્સિનના પ્રમાણપત્ર પર CM મમતાના ફોટોને લઈ વિવાદ, ભાજપના નેતાએ કહી આ વાત
Team VTV11:55 AM, 04 Jun 21
| Updated: 12:03 AM, 05 Jun 21
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ આ અંગે નવો નિર્ણય કર્યો, રાજ્ય તરફથી થનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશન પછી લોકોને મમતા બેનર્જીના ફોટો સાથે પ્રમાણપત્ર અપાશે
બંગાળમાં રસીકરણ પછી મળતા પ્રમાણપત્રને લઈ નવો નિર્ણય
મમતા બેનર્જીના ફોટો સાથે લોકોને રસી પછી અપાશે પ્રમાણપત્ર
ભાજપના નેતાએ કહ્યું કે, આ લોકો પ્રધાનમંત્રીના પદની ગરીમાને માનતા નથી
કોરોના વેક્સિનેશન પછી લોકોને આપવામાં આવતા પ્રમાણપત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટોને લઈ વિપક્ષનો વિરોધ ચાલુ છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ આ અંગે નવો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય તરફથી થનારા ત્રીજા તબક્કાના વેક્સિનેશન પછી લોકોને મમતા બેનર્જીના ફોટો સાથે પ્રમાણપત્ર અપાશે.
મમતા સરકારે આ નિર્ણય એવા સમયે કર્યો છે. જ્યારે થોડા સમય પહેલા TMCએ વેક્સિન સર્ટિફિકેટ પર PM મોદીના ફોટને લઈ ભાજપ પર ટિપ્પણી કરી હતી. અને પ્રધાનમંત્રીના ફોટોને લઈ એક પ્રકારનો પ્રચાર થઈ રહ્યો હોવાની વાત સાથે બંગાળની ચૂંટણી વખતે TMC દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરાઈ હતી.
મહત્વનું છે મમતા બેનર્જી અનેક વખત માગણી કરી ચૂકી છે કે, તમામ લોકોને મફતમાં રસી આપવી જોઈએ. અને પ્રધાનમંત્રીનો વેક્સિનના પ્રમાણપત્ર પર ફોટોને લઈને પણ ટિપ્પણી કરી છે. જો કે આમ છતાં TMCને લાગી રહ્યું છે કે, પ્રમાણપત્ર પર મમતા બેનર્જીનો ફોટો હોવો કંઈ ખોટું નથી. સૌગત રોયે પોતાનું નિવેદન આપ્યું હતું. પહેલા ફોટો લગાવવાનું કામ ભાજપ દ્વારા કરાયું છે. જો તેમણે શરૂઆત ન કરી હોત તો, અમે પણ આ કામ કરવા માગતા નહોતા.
ભાજપના નેતા સમિક ભટ્ટાચાર્યાએ કહ્યું કે, TMC પ્રધાનમંત્રીના પદની ગરીમાને સ્વિકાર કરતી નથી. TMC એક અલગ નિર્ભર દેશની જેમ વર્તન કરી રહી છે. TMC એવું માનવા તૈયાર જ નથી કે, તે લોકો જ્યાં છે તે ભારતનું રાજ્ય છે.